<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

જામનગર રોડ સાંઢીયા પૂલનું કામ શરૂ થશેઃ બુધવારથી તમામ વાહનો માટે પ્રવેશબંધી

માત્ર ટુવ્‍હીલર વાહનો ભોમેશ્વર રોડ પરથી જામનગર રોડ તરફ જઇ શકશેઃ આ રસ્‍તો ટુવ્‍હીલર સિવાયનાં તમામ વાહનો માટે વન-વે જાહેરઃ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડયું

રાજકોટ તા. ૨૦: જામનગર રોડ પરના સાંઢીયા પૂલ પર નવો પૂલ બનાવવાની કામગીરી શરૂ થવાની છે. એ પહેલા શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડી સાંઢીયા પૂલ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. આ જાહેરનામુ તા. ૨૨ને બુધવારથી અમલમાં આવશે અને પૂલ બનાવવાનું કામ પુરુ થાય ત્‍યાં સુધી અમલમાં રહેશે.

પોલીસ કમિશનરના આ જાહેરનામામાં જણાવાયુ છે કે હોસ્‍પિટલ ચોકથી માધાપર ચોકડી તરફ જવા માંગતા ટુ વ્‍હીલર, કાર, એમ્‍બ્‍યુલન્‍સ જેવા લાઇટ વેઇટ વ્‍હીકલ હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી ભોમેશ્વર રોડ થઇ, ભોમેશ્વર ફાટક અને ભોમેશ્વર મંદિર થઇ જામનગર રોડ તરફ જઇ શકશે. જ્‍યારે આ માર્ગ ટુ વ્‍હીલર સિવાયના તમામ વાહનો માટે વન-વે રહેશે.

જ્‍યારે માધાપર ચોકડીથી હોસ્‍પિટલ ચોક તરફ જવા માંગતા માત્ર ટુ વ્‍હીલર ભોમેશ્વર મંદિરથી ભોમેશ્વર ફાટક થઇ હોમ ફોર બોયઝ (પેટ્રોલ પંપ)થી હોસ્‍પિટલ ચોક તરફ જઇ શકશે. જ્‍યારે થ્રી વ્‍હીલર, એમ્‍બ્‍યુલન્‍સ જેવા લાઇટ વેઇટ વ્‍હીકલો રેલનગર અન્‍ડરબ્રીજથી રેલનગર મેઇન રોડ થઇ, પોપટપરા મેઇન રોડ, પોપટપરા નાલામાંથી રેલવે સ્‍ટેશન મેઇન રોડ થઇ, હોસ્‍પિટલ ચોક તરફ જઇ શકશે. આ ઉપરાંત માધાપર ચોકડીથી ૧૫૦ ફૂટ રિંગ રોડ થઇ રૈયા ચોકડીથી રેસકોર્સ તરફ થઇ, હોસ્‍પિટલ ચોક તરફ પણ જઇ શકશે.

જ્‍યારે થ્રી વ્‍હીલર અને કાર જેવા લાઇટ વેઇટ વ્‍હીકલો એરપોર્ટ બગીચા (રેલનગર અન્‍ડરબ્રીજ)થી ભોમેશ્વર રોડ તરફ જઇ શકશે નહીં. તમામ એસટી બસો માધાપર ચોકડીથી રૈયા ચોકડી થઇ આમ્રપાલી અન્‍ડર બ્રીજથી એસટી બસ સ્‍ટેશન તરફ જઇ શકશે. ભારે વાહનો અને પ્રાઇવેટ લકઝરી બસો પ્રવેશબંધીના સમય બાદ માધાપર ચોકથી રૈયા રોડ ચોકડી થઇ આમ્રપાલી અન્‍ડરબ્રીજથી અવરજવર કરી શકશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે આઇપીસી કલમ ૧૮૧-ભારતીય ન્‍યાય સંહિતા (૨૦૨૩) એટલે કે બીએનએસની કલમ ૨૨૩ હેઠળ પગલાં લેવાશે. તેમ જણાવાયું છે.

(2:50 PM IST)