તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
હુડકો ચોકડી નજીક બાઇક અકસ્માતમાં ઘાયલ થયેલું દંપતિ ખંડિતઃ પતિનું મોત
પીરવાડી પાસે રહેતો મુળ યુપીનો મુકદ્દરઅલી પત્નિ શબનમને બાઇકમાં બેસાડી દવા લેવા જતો હતો ત્યારે બીજુ બાઇક સામે અથડાયું હતું

રાજકોટ તા. ૨૦: શહેરના હુડકો ચોકડીથી ગોંડલ રોડ ચોકડી વચ્ચે રાધામીર હોટેલ નજીક બે બાઇક અથડાતાં પીરવાડી પાસે રહેતાં પતિ-પત્નિને ગંભીર ઇજા થઇ હતી. જેમાં પતિનું મોત થતાં દંપતિ ખંડિત થયું છે.
જાણવા મળ્યા મુજબ પીરવાડી મસ્જીદ પાસે રહેતો મુળ યુપીનો મુકદ્દરઅલી જબ્બરઅલી શાહમદાર (ઉ.વ.૨૫) તા. ૧૮ના રોજ પત્નિ શબનમ (ઉ.વ.૨૩)ને બાઇકમાં બેસાડી તેણીને પેટમાં દુઃખતું હોઇ દવા લેવા માટે જઇ રહ્યો હતો. આ વખતે હુડકો ચોકડીથી ગોંડલ રોડ ચોકડી વચ્ચે રાધામીરા હોટેલ પાસે અન્ય બાઇક ચાલકે અકસ્માત સર્જતા બંને પતિ-પત્નિને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મુકદ્દરઅલીએ દમ તોડી દેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને તોૈફિકભાઇ જુણાચે આજીડેમ પોલીસને કરી હતી.
તે પાંચ ભાઇ અને એક બહેનમાં ચોથો હતો. તેને સંતાન નથી. પોતે ગાડી ભરવાની મજુરી કરતો હતો. તેના મામાના દિકરા અકરમભાઇએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખુબ જ બેદરકારી દાખવવામાં આવી હતી. યોગ્ય સારવાર માટે અમે વારંવાર રજૂઆત કરી હતી. પરંતુ ધ્યાન અપાયું નહોતું.
(2:58 PM IST)










