News of Monday, 20th May 2024
ઝનાના હોસ્પિટલ પાસેથી ચોરાયેલી રિક્ષાનો ભેદ એ-ડિવીઝન પોલીસે કલાકોમાં ઉકેલ્યો
રખડતું જીવન જીવતા જીતીયાએ ફેરવવા માટે રિક્ષા ઉઠાવી લીધી'તી : પીઆઇ આર. જી. બારોટ, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલની ટીમે રૈયા ચોકડીએથી પકડયોઃ અગાઉ ત્રણ ગુનામાં સામેલ

રાજકોટ તા. ૨૦: શહેરના ઇન્દિરાનગર આવાસ ક્વાર્ટર નં. એચ-૧૦માં રહેતાં મનોજભાઇ પ્રવિણભાઇ પરમારની ૧.૩૦ લાખની ઓટો રિક્ષા જીજે૦૩બીયુ-૧૫૩૧ તા. ૧૬મીએ ઝનાના હોસ્પિટલ સામે બ્રીજ નીચે પાર્ક કરી હતી ત્યાંથી ચોરાઇ ગઇ હતી. તેની દિકરીને સારવાર માટે દાખલ કરાઇ હોઇ જેથી આ રિક્ષા અહિ રાખી હતી. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે કલાકોમાં ઉકેલી મુળ જોડીયાના વતની અને હાલ રાજકોટમાં રખડતાં ભટકતાં રહેતમાં જીતેન્દ્ર ઉર્ફ જીતીયો ગોવિંદભાઇ પરમાર (ઉ.વ.૨૪)ને પકડી લઇ રિક્ષા કબ્જે કરી છે.
ઝડપાયેલો જીતીયો અગાઉ રાજકોટ પ્ર.નગર, મોરબી એ-ડિવીઝન અને હળવદ પોલીસના ચોરીના ગુનામાં પકડાયો હતો. શહેર કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં રિક્ષા ચોરીને એક શખ્સ રૈયા ચોકડી તરફ ગયો હોવાનું જણાતાં તેના આધારે પીએસઆઇ એસ.એમ. રાણા, હેડકોન્સ. અજયભાઇ બસીયા, કોન્સ. રમેશભાઇ માલકીયાએ ત્યાં પહોંચી તેને દબોચી લીધો હતો.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, ઇન્ચાર્જ એસીપી જે. બી. ગઢવીની સુચના અનુસાર એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડકોન્સ. કિશનભાઇ આહિર, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, સંજયભાઇ ચોૈહાણ અને હોમગાર્ડ સાહિલ બોરીચાએ આ કામગીરી કરી હતી. ફેરવવા માટે રિક્ષા ચોરી લીધાનું તેણે રટણ કર્યુ હતું.
(3:00 PM IST)










