તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
વોડકાના ૬૭૫ ‘ચપલા' ભરેલી સ્વીફટ કાર ક્રાઇમ બ્રાંચે પકડીઃ ચાલક છનનન
સંત કબીર રોડ સરદાર સ્કૂલની દિવાલ પાસે દરોડો : પીઆઇ એમ.આર. ગોંડલીયાની ટીમના પીએસઆઇ ગરચર, અનિલભાઇ સોનારા અને ટીમની કાર્યવાહીઃ જીજે૦૩એનએફ-૩૦૦૭ નંબરની કારને આધારે ચાલક-માલિકની શોધખોળ

હરપાલસિંહ જાડેજા અને મહેશભાઇ ચાવડાની બાતમી
રાજકોટ તા. ૨૦: સામા કાંઠે દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂના ‘ચપલા'નો જથ્થો ભરેલી કાર પકડી લીધી હતી. જો કે કાર પાસે ઉભેલો શખ્સ ભાગી
ગયો હતો.ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હરપાલસિંહ ડી. જાડેજા, કોન્સ. મહેશભાઇ ચાવડાને બાતમી મળી હતી કે સંત કબીર રોડ પર સરદાર સ્કૂલની દિવાલ પાસે ફૂટપાથ પર એક કાળા રંગની સ્વીફટ પડી છે અને તેમાં દારૂનો જથ્થો ભરેલો છે.
આ બાતમી પરથી ટીમે ત્યાં પહોંચતા જ અડધો દરવાજો ખોલી એક શખ્સ ઉભો હોઇ તે પોલીસને જોતા જ દરવાજો બંધ કરી ભાગી ગયો હતો. જીજે૦૩એનએફ-૩૦૦૭ નંબરની આ કારની તલાસી લેતાં પાછળની સીટ પર બોક્સ પડયા હોઇ તે ખોલીને જોતાં અંદરથી ઓરેન્જ હીલ વોડકાના ૧૮૦ એમએલના ૬૭૨ ચપલા રૂા. ૬૭૨૦૦ના મળતાં તે તથા ૩ લાખની કાર કબ્જે કરી હતી.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અને પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. ગરચર, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, હરદેવસિંહ રાણા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. કાર કોની? ભાગી જનાર શખ્સ કોણ? તે સહિતની વિગતો મેળવવા કાર નંબરને આધારે તપાસ થઇ રહી છે.
(3:51 PM IST)










