તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રામવન પાસે ભરડીયામાં એસઓજીનો દરોડોઃ ૪૦૦ જીલેટીન સ્ટીક મળતાં ગુનો
નિયમ વિરૂધ્ધ જથ્થો રાખવામાં આવ્યો હોઇ એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ મેનેજર વિપુલ શેખાત અને સંચાલક ભીમ બારીયા સામે પરમીટ વગર જથ્થો રાખવા અંગે કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: આજીડેમ નજીક રામવનથી આગળ આવેલા જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશરમાં શહેર એસઓજીએ માહિતીને આધારે દરોડો પાડી મેનેજર વિપુલ ગીરધરલાલ શેખાત (ઉ.વ.૪૨-રહે. મીત હાઇટ બ્લોક નં. ૪૦૨, ગોવર્ધન ચોક ૧૫૦ રીંગ રોડ, મુળ શાપુર તા. વંથલી)ની ૪૦૦ નંગ જીલેટીન સ્ટીક સાથે પકડી લઇ ઇલેક્ટરીક ડીટોનેટર ૩૦ નંગ, બ્લાસ્ટીંગ માટેનો ૩૭૫ મીટર વાયર, બ્લાસ્ટીંગ માટેની મેગ્નેટીક પેટી મળી કુલ રૂા. ૧૪૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ જથ્થો ભરડીયાના સંચાલક ભીમભાઇ બારીયા હસ્તકનો હોવાનું મેનેજરે જણાવતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એસઓજીના પીએસઆઇ ડી. પી. ગોહેલે આ અંગે મેનેજર વિપુલ શેખાત અને ભરડીયા સંચાલક ભીમભાઇ વિરૂધ્ધ આઇપીસી ૨૮૬, એક્સપ્લોઝીવ એક્ટની કલમ હેઠળ લોકોના જાનમાલને નુકસાન થાય એ રીતે જીલેટીન સ્ટીક, ડીટોનેટર સહિત પાસ પરમીટ વગર રાખવાનો ગુનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવ્યો છે. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ગોહેલ, એએસઆઇ ડી. બી. ખેર, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી ઇન્દ્રસિંહ અને દિગુભાની બાતમી પરથી થઇ હતી.
(3:55 PM IST)










