<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

હિરાસર પાસે ‘ટ્રમ્‍પપેડ' બ્રીજને ફોરેસ્‍ટ ખાતાની મંજૂરી : કલેકટર

હવે અમદાવાદથી આવતા કે રાજકોટથી જતા તથા અન્‍ય દિશાઓમાંથી એરપોર્ટ જવા માંગતા વાહનો પૂલ પરથી સીધા જઇ શકશે : ૨૪મીએ મળનાર R.O. મીટીંગમાં દરેક પ્રાંત-મામલતદારને : પેન્‍ડીંગ કામો અંગે તાકિદ કરાશે : પેન્‍ડસી મુખ્‍ય મુદ્દો : અન્‍ય મુદ્દાઓમાં દબાણ - મતગણત્રી - પાણીની સ્‍થિતિ સહિતની બાબતે સમીક્ષા થશે

 

રાજકોટ તા. ૨૦ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે ‘અકિલા' સાથેની ટેલિફોનિક વાતચીતમાં મહત્‍વની જાહેરાત કરતા જણાવ્‍યું હતું કે, હિરાસર એરપોર્ટ ફરતે ટ્રમ્‍પપેડ બ્રીજ બનાવવા અંગે ફોરેસ્‍ટ ખાતાએ લીલીઝંડી આપી દિધી છે, ફોરેસ્‍ટ ખાતાની મંજૂરી મળી ગઇ છે, અને તેના પરિણામે ફોરેસ્‍ટ ખાતાની એટલી વીડીની જમીન એકવાયર કરી ફોરેસ્‍ટને બીજે જમીન આપી દેવાઇ છે, અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા પૂલનું કામ પણ શરૂ કરી દેવાયું છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે, આ પૂલ ટ્રમ્‍પપેડ આકારનો - ગોળાકાર અને અમદાવાદથી આવતા અને રાજકોટથી જતા તથા અન્‍ય દિશાઓમાંથી એરપોર્ટથી અંદર જવા માંગતા મુસાફરો સીધા પૂલ પરથી જઇ શકશે, પરિણામે રાજકોટ - અમદાવાદ સીક્‍સલેન હાઇવે ઉપર પૂલ બનતા વાહનો ક્રોસ કરવા સંદર્ભે અકસ્‍માતનો ભય ટળી જશે, લોકોની સુવિધામાં આ મહત્‍વનો વધારો છે.

દરમિયાન આગામી ૨૪મીએ ચૂંટણી પછીની આ પ્રથમ આરઓ મીટીંગ મળનાર છે, તે અંગે કલેકટરે ઉમેર્યુ હતું કે, આ મીટીંગમાં દરેક પ્રાંત - મામલતદારને પેન્‍ડીંગ કામો ઝડપથી પૂરા કરવા તાકિદ કરાશે, પેન્‍ડસી એ મુખ્‍ય મુદ્દો રહેશે, જ્‍યારે અન્‍ય મુદ્દાઓમાં સરકારી જમીનો પરના દબાણો - ૪ જૂને યોજાનાર મતગણત્રી - તેની તૈયારીઓ - પાણીની સ્‍થિતિ વિગેરે અન્‍ય બાબતો અંગે સમીક્ષા થશે.

રાજકોટ જીલ્લામાં પીવાના પાણી અંગે કલેકટરે જણાવેલ કે, જીલ્લામાં અમુક ગામોને બાદ કરતા સ્‍થિતિ ઘણી સારી છે, જ્‍યાં પાણીનો પ્રોબ્‍લેમ છે ત્‍યાં ટેન્‍કરો દોડાવાઇ રહ્યા છે, ધોરાજીમાં મોટી વિશાળ ટાંકી બની જતા તેનું ટેસ્‍ટીંગ આજે કરાશે.

મતગણત્રી અંગે કલેકટરે જણાવેલ કે, ૪ જૂને સવારે ૮ વાગ્‍યે ઇવીએમ અને પોસ્‍ટલ બેલેટ બંનેમાં મતો સાથે ગણાશે, ૧ થી ૨ દિવસમાં સ્‍ટાફના ઓર્ડરો નીકળશે, બુધવાર બાદ ઓર્ડરો અને તાલીમો શરૂ થશે, સ્‍ટાફનું ત્રણ વખત રેન્‍ડેમાઇઝેશન કરાશે, ઓર્બ્‍ઝવર તા. ૩ આસપાસ પુનઃ રાજકોટ આવી જશે.

સરકારી જમીનો પરના દબાણો અંગે કલેકટરે જણાવેલ કે, દબાણો હટાવવા દરેક મામલતદાર તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, અને તેમાં કોઇની પણ શહેશરમ વગર સફળતાપૂર્વક કાર્યવાહી કરાશે.

(4:03 PM IST)