<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગુજરાતી ફિલ્‍મમાં કાઠિયાવાડી માટીની સુગંધ અને મિજાજવાળી

વટ, વચન અને વેર દર્શાવતી ધમાકેદાર ફિલ્‍મ ‘સમંદર'

કલાકારો મયૂર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી, પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણ વગેરે અકિલાના આંગણે : ગુજરાતી ફિલ્‍મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા ‘અંડરવર્લ્‍ડ' વિષય પર બે મિત્રોને લઇ બનેલી ફિલ્‍મ ૧૭ મેથી રીલીઝ થઇ છે : ઓટીટી પર આવતી ફિલ્‍મો સાથે થિયેટરનો અનુભવ રીપ્‍લેસ કરવો અશક્‍ય છે : કલાકારો

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગુજરાતી ફિલ્‍મ સમંદરના કલાકારો મયુર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી, પ્રોડયુસર કલ્‍પેશ પલાણ તેમજ મિતેષભાઇ રૂપારેલિયા તસ્‍વીરમાં નજરે પડે છે .(તસ્‍વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૨૦ : ગુજરાતી અર્બન મુવીનો દોર શરૂ થયો ત્‍યારથી લઇ અત્‍યાર સુધી રોમેન્‍ટિક, ડ્રામા, કોમેડી જેવી ઘણી ફિલ્‍મો આવી ગઇ છે. બોલીવુડમાં જેવી અન્‍ડરવર્લ્‍ડ જેવી ગેંગસ્‍ટર ડ્રામા ક્રાઇમ પોલીટીક્‍સ જેવી એક્‍શન ફિલ્‍મો હજી સુધી નથી આવી ત્‍યારે ગુજરાતી ફિલ્‍મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા ‘અંડરવર્લ્‍ડ' વિષય પર બનેલ વટ, વચન અને વેર દર્શાવતી ધમાકેદાર ગુજરાતી ફિલ્‍મ ‘સમંદર' સિનેમાઘરોમાં ૧૭ મે થી રીલિઝ થઇ ગઇ છે અને તેને અદભૂત પ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્‍યારે તેના કલાકરો અકિલાના મહેમાન બન્‍યા હતા અને ફિલ્‍મ વિશે માહિતી આપી હતી. 

ફિલ્‍મમાં મુખ્‍ય બે મિત્રો ઉદય અને સલમાનનું પાત્ર ભજવનાર કલાકાર મયૂર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેરએ જણાવ્‍યું હતું કે, ભારતના ૧૬૦૦ કિ.મી લાંબા દરિયા કિનારા ને લઇ દરિયાકાંઠાના મિત્રોની આ ગેંગસ્‍ટર વાર્તામાં ડ્રામા-ક્રાઇમ-પોલીટીક્‍સની સાથે બંને મિત્રોની દોસ્‍તીને વણી લેવાઇ છે. બંને મિત્રો જીવ આપી દે અને જીવ લઇ લે તેવા પણ છે. જીવનમાં મિત્રતામાં ઉતાર-સઢાવ આવે છે તેની આ વાર્તા છે જે સંપૂર્ણ કાલ્‍પનિક છે. ૪૫ દિવસમાં આખી ફિલ્‍મનું શૂટીંગ પોરબંદરના દરિયાકાંઠે કરાયું છે.

આ ફિલ્‍મના પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણ, ઉદય શેખવા, ડિરેક્‍ટર વિશાલ વડાવાળા, લેખલ સ્‍વપ્‍નિલ મહેતા, એડિટર મૈત્રિયી મહેતા, સિનેમેટ્રોગ્રાફર મિહિર ફિચડિયા આ બધાજ રાજકોટના છે. ફિલ્‍મના ડાયલોગ કાઠિયાવાડી ભાષામાં લખાયેલા હોય લોકોને જોવાનો જલ્‍સો પડી જાય છે.

ફિલ્‍મના પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણે જણાવ્‍યુ હતું કે, ૧૭ મી એ રીલિઝ થયેલ ફિલ્‍મ ‘સમંદર' ને જોરદાર રિસ્‍પોન્‍સ મળી રહ્યો છે. ફિલ્‍મમાં જામનગરના રિવા રાચ્‍છ, મમતા સોનીનું આઇટમ સોંગ અને દિક્ષા જોષીએ મહેમાન કલાકાર તરીકે કામ કર્યું છે. કલાકારોએ જણાવ્‍યું હતું કે, ઓટીટી પર આવતી ફિલ્‍મો સાથે થિયેટરનો અનુંભવ રીપ્‍લેસ કરવો અશક્‍ય છે. સાથે બેસીને એક ઉત્‍સવી ફિલીંગ્‍સ સાથે બીગ સ્‍ક્રીન પર ફિલ્‍મ જોવાની મજાજ કંઇક ઓર છે. આજે હિન્‍દી લોકો સિનેમા સુધી આવે તેના માટે સારી ફિલ્‍મો બનાવવી ખુબ જરૂરી છે. ફિલ્‍મો સારી હશે તો લોકો એકવાર નહીં અનેકવાર ફિલ્‍મો જોશે. આજે ગુજરાતી ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીમાં ઘણા લોકો ફિલ્‍મો બનાવી રહ્યા છે. જયારે લોકો, એક્‍ટર, ડિરેક્‍ટર, સ્‍ટોરી વગેરેનો અભ્‍યાસ કરી ફિલ્‍મો બનાવવી જોઇએ. ઉપરાંત ફિલ્‍મોનું માર્કેટીંગ કરી શકે અને ઇનોવેટીવ આઇડિયા સાથે લોકો સુધી પહોંચાડી શકે તેવા લોકોની ખુબ જરુર છે.

દર્શકો જે ફિલ્‍મની આતુરતાથી વાટ જોતા હતા તે ફિલ્‍મ ‘સમંદર' આખરે છવાઈ ગઈ છે. આ ૨ મિત્રો ઉદય અને સલમાનના પાત્રમાં અનુક્રમે મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર એ મજ્જો પડાવી દીધો છે. સૌરાષ્ટ્ર સ્‍થિત કેપી એન્‍ડ યુડી મોશન પિક્‍ચર પ્રોડક્‍શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્‍મનું નિર્માણ પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્‍યું છે. ૧૭મી મેના રોજ રિલીઝ થયેલ આ ફિલ્‍મ સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે અને દર્શકો ભરપૂર રીતે વખાણી રહ્યાં છે. ગુજરાતી ફિલ્‍મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા ‘અંડરવર્લ્‍ડ' વિષય પર બનેલ આ ફિલ્‍મનું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. આ તેમનો ડ્રીમ પ્રોજેક્‍ટ હતો. ગુજરાતના ગેંગસ્‍ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્‍મમાં કરવામાં આવી છે. રાજકારણીઓ અર્જણ પરમાર અને ઇમ્‍તિયાઝ મેમણ બે ભાઈબંધોની યારીમાં કઈ રીતે ભંગાણ પાડે છે તે દર્શાવ્‍યું છે.  ધારાસભ્‍ય અરજણ સિંહ પરમારના પાત્રમાં ચેતન ધાનાણીનું પર્ફોમન્‍સ, સ્‍ટાઈલ અને વટ દિલ જીતી લે છે તો મેમણના પાત્રમાં ધર્મેન્‍દ્ર ગોહિલની પર્સનાલિટી બહુ જ સરસ પડે છે. ફિલ્‍મના દરેક કેરેક્‍ટર પોંઇટના પાત્રને સંપૂર્ણ ન્‍યાય આપે છે. મમતા સોની કલ્‍પના ગગડેકર અને મયુર સોનેજી જેવા પ્રતિભાશાળી કલાકારો પણ ઊંડી છાપ છોડે છે. ફિલ્‍મનું મ્‍યુઝિક પ્રખ્‍યાત કેદાર- ભાર્ગવની જોડી એ આપ્‍યું છે જે ફિલ્‍મને વધુ સફળતાના શિખર પર લઇ જાય છે. જાણીતા ગાયકો નકાશ અઝીઝ અને આદિત્‍ય ગઢવીના અવાજમાં  સ્‍વરબદ્ધ કરાયેલ ફિલ્‍મનું પ્રથમ સોન્‍ગ ‘માર હલેસા' અને અન્‍ય સોન્‍ગ જે પ્રખ્‍યાત બોલીવુડ સિંગર બી પ્રાકે ગુજરાતીમાં પ્રથમવાર ગાયું છે- ‘તું મારો દરિયો રે' જે મિત્રોની દોસ્‍તી પર પ્રકાશ પાડે છે. આ ગીત પર ૪૦ હજાર ઇન્‍સ્‍ટા રીલ્‍સ અને ૨૦ લાખ યુટ્‍યુબ વ્‍યુઝ મળ્‍યા છે.

 એના વાવટામાં વટ, વચન અને વેર ફરકતા હોય... એની જાળમાં જંગ, ઝંખના, ઝનૂન, ઝબકતા હોય, ભલે પછી મઝધારે ગમે તેવા મોજા ઉછળતા હોય, વાટ જોવાય એની,  કિનારે હૈયા ધબકતા હોય...'- જેવાં દમદાર ડાયલોગ્‍સ સાથેની ગુજરાતી માટીની સુગંધ સાથે બનેલી આ ફિલ્‍મ ‘સમંદર' જો હાજી ના જોઈ હોય તો આજે જ જોઈ આવો.

અકિલાના આંગણે ફિલ્‍મના કલાકારો મયૂર ચૌહાણ, જગજીતસિંહ વાઢેર, ચેતન ધાનાણી, પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણ ઉપરાંત ક્રિએટીવ એસોસીએટ મનિષસિંહ રાઠોડ, પ્રોડક્‍શન ટીમના વિજય પંચાલ અને મિતેષભાઇ રૂપારેલિયા ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

૨૦૦ લોકોની ટીમ સાથે શૂટીંગ : બોલીવુડના પ્રખ્‍યાત

કોરિયોગ્રાફર અને એક્‍શન ડિરેક્‍ટર સામેલ

ગુજરાતી ફિલ્‍મ ‘સમંદર' હાલ ગુજરાત અને મુંબઇના મળી કુલ ૪૦ થી વધુ થીયેટરોમાં સફળતા પૂર્વક ચાલી રહી છે ત્‍યારે ફિલ્‍મના પ્રોડ્‍યુસર કલ્‍પેશ પલાણે જણાવ્‍યુ હતું કે, સહપરિવાર માણવા જેવી આ ગુજરાતી ફિલ્‍મને બનાવવામાં ખુબ મહેનત લેવાઇ છે.

ફિલ્‍મમાં ટેક્‍નીકલ સહયોગ માટે બોલીવુડની ટીમ ખાસ પોરબંદર આવી હતી. જેમાં ફિલ્‍મ પદ્માવતના કોરિયોગ્રાફર કૃતિ મહેશે આઇટમ સોંગનો કોરિયોગ્રાફ કર્યો છે જયારે સિક્રેટ ગેઇમ, હિરામંડી વગેરેમાં એક્‍શન ડિરેક્‍ટર વિક્રમ દહિયાએ ફાઇટીંગ શીખવી છે. સમગ્ર ફિલ્‍મમાં ૨૦૦ લોકોની ટીમ સાથે શૂટીંગ પૂર્ણ કરાયું છે. આ ફિલ્‍મ અન્‍ય ભાષામાં પણ નજીકના ભવિષ્‍યમાં રજુ કરવાનું આયોજન છે.

ફિલ્‍મના ગીતો લોકોના હૈયે વસ્‍યા..

હાલ ચાલી રહેલી ગુજરાતી ફિલ્‍મ ‘સમંદર' ના ગીતો લોકોના હૈયે વસ્‍યા છે. ફિલ્‍મનું ગીત ‘માર હલેસા' આદિત્‍ય ગઢવી અને નકાશ અઝીઝ દ્વારા ગવાયું છે જે ઇન્‍સ્‍ટાગ્રામ પર ત્રણવાર ટ્રેન્‍ડિંગમાં આવ્‍યું છે. જયારે બી પ્રાકનું ગીત આખા દેશમાં ૩૭ માં નંબરે ટ્રેન્‍ડ કરી રહ્યું છે. મમતા સોનીનું આઇટમ સોંગ ‘તુ મારો દરિયો' ૨૪ કલાકમાં જ ટ્રેન્‍ડીંગમાં આવ્‍યું હતું. એટલુંજ નહીં ઓસમાણ મીર જેવા દિગ્‍ગજ ગાયકે ફિલ્‍મ માટે ખાસ એક કવ્‍વાલી પણ ગાઇ છે. ટુંકમાં કહીએતો કેદાર-ભાર્ગવના સંગીત અને ગાયકોએ ગાયેલા ગીતો આજે લોકોના હૈયે દરિયાના મોજાની જેમ ઉછળી રહ્યા છે.

ફિલ્‍મમાં વીએફએક્‍સ ટેક્‍નોલોજીનો

ઉપયોગ કરાયો નથી : દરેક સિન ઓરિજનલ શૂટ કર્યા છે

‘સમંદર' એક એક્‍શન ફિલ્‍મ છે અને તેનું શૂટીંગ પોરબંદરના દરિયા કિનારે તથા દરિયાની વચ્‍ચે જઇને કરાયું છે. કલાકારોએ પોતાનો અનુંભવ વર્ણવતા જણાવ્‍યું હતું કે, ફિલ્‍મના એક સિનમાં અમે દરિયાની અંદર હોડીમાં બેસીને ગયા. તડકામાં અને ઉછળતા દરિયાના મોજા વચ્‍ચે શૂટીંગ કર્યું જેમાં ઘણાને ચક્કર આવે પણ અમને કલાકારોને કશુજ થયું નહીં. તમામ શેફટી વચ્‍ચે હોડીમાં ટોચ પર ઉભા રહી જોખમી સિન પણ અમે દરિયાની વચ્‍ચે જઇને શૂટ કર્યો હતો. જેમાં કોઇજ વીએફએક્‍સ ટેક્‍નોલોજીનો ઉપયોગ કરાયો નથી. ગુજરાતી ફિલ્‍મોમાં આ પ્રકારની એક્‍શન પહેલીવાર જોવા મળશે.

(4:32 PM IST)