તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આજીડેમ કાંઠા પાસેથી મળેલા બે માનવ પગનું રહસ્યઃ જીવીત હોય ત્યારે પગ કપાયા હોવાની શક્યતા નથીઃ ઉમર ૨૦ ઉપરની કોઇપણ હોઇ શકેઃ ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસની મથામણ
પગ મહિલાના કે પુરૂષના? આશરે ઉમર કેટલી? તે વિગતો ડીએનએ ટેસ્ટ બાદ બહાર આવશેઃ અન્ય અંગો શોધવા છાનબીનઃ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલે પોસ્ટમોર્ટમ રૂમે પહોંચી વિગતો મેળવી

રાજકોટ તા. ૨૦: શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા બે પગ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઇ રહી છે. મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઇ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોઇ અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે? તે જાણવા પોલીસે તપાસ આરંભી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે પરંતુ પગ મહિલાના છે કે પુરૂષના? આશરે ઉમર કેટલી? તે સહિતના મુદ્દા ચકાસવા ડીએનએ ટેસ્ટ કરવાનો હોઇ બંને પગ હજુ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ પાસે રાખવામાં આવશે. આજીડેમ પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે. દરમિયાન એવુ બહાર આવ્યું છે કે જે તે વ્યક્તિ જીવીત હતી ત્યારે પગ કપાયા હોય તેવું જણાતું નથી. મૃતકની ઉમર વીસથી ઉપરની કોઇપણ હોઇ શકે છે.
બનાવની જાણવા મળ્યા મુજબ શહેરના ભાવનગર રોડ પર માંડાડુંગર નજીક આજી ડેમના કાંઠા પાસે બે પગ પડ્યા હોવાની માહિતી મળતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. બી. જાડેજા, અને ડી. સ્ટાફની ટીમ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમોએ દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને બંને પગ થોડા થોડા અંતરથી મળ્યા હતા. બંને પગ ગોઠણથી નીચેના ભાગથી પગના તળિયા સુધીના હતા. પગના પંજા ખવાઈ ગયેલી સ્થિતિમાં હતા અને પાંચેક દિવસ પહેલાંના અંગો હોવાથી કોહવાઈ ગયા હતા. શરીરના અન્ય કોઇ અંગો પાણીમાં છે કે કેમ? તેની પણ પોલીસે આસપાસમાં તપાસ કરાવી હતી. પણ બીજા કોઇ અંગ મળ્યા ન હોઇ મેડીકલ વેસ્ટ તરીકે કોઇ દર્દીના કપાયેલા પગનો અહિ નીકાલ થયાની શક્યતા વધુ જણાઇ હતી.
આમ છતાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ યથાવત રાખી હતી. પોલીસે પગ જ્યાંથી મળ્યા તેની નજીકના આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પણ બીજા અંગો મળ્યા નહોતાં. બંને પગ મહિલાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પણ આ પગ પુરૂષના છે કે મહિલાના? એ હજુ સ્પષ્ટ થયું ન હોઇ ડીએનએ ટેસ્ટ બાદ આ સ્પષ્ટ થશે. જેનો રિપોર્ટ આવતાં ઘણા દિવસો વીતી જાય તેમ છે.
એક તરફ મહિલાની હત્યા કરી લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવાયાની ચર્ચાએ જોર પકડયું હતું તો બીજી તરફ મહિલા દર્દીના પગમાં ગૈગ્રીન થતાં તબીબે બંને પગ કાપ્યા હોય પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે ડેમમાં ફેંકી દેવાયા હોય તેવી પણ શંકા સેવાઇ રહી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. રહસ્ય ઉકેલવા પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એચ. જે. સોલંકી અને ડી. સ્ટાફની ટીમે તપાસ યથાવત રાખી છે.
બીજી તરફ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસ્ંિહ ગોહિલ, પીએસઆઇ એમ. જે. હુણ, નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા સહિતની ટીમ પણ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બપોરે પહોંચી હતી અને તપાસનીશ પાસેથી માહિતી મેળવી હતી. ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના કહેવા મુજબ પગ મહિલાના છે કે પુરૂષના એ પણ હજુ સ્પષ્ટ કહી શકાય તેમ નથી? ઉમર આશરે કેટલી? તે સહિતની વિગતો જાણવા ડીએનએનો રિપોર્ટ મેળવવા ફોરેન્સિક નિષ્ણાંતો આગળ કાર્યવાહી કરશે. આ પગ જ્યાંથી મળ્યા ત્યાં બીજા કોઇ અંગો છે કે કેમ? તેની વધુ છાનબીન યથાવત રાખવામાં આવી છે. વ્યક્તિ જીવત હોય ત્યારે પગ કટીંગ કરાયા હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં જણાયું નથી. મૃતકની ઉમર વીસથી ઉપરની કોઇપણ હોઇ શકે તેવું પણ તારણ નીકળ્યું છે. (
ઘટના સ્થળે કપાયેલા બે પગ, પોલીસ કાફલો, લોકોના ટોળા અને પગ જેણે પહેલા જોયો એ યુવાન પ્રકાશ નજરે પડે છે
ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ બપોરે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યો હતો. પીએસઆઇ એચ. જે. સોલંકી પાસેથી તેમણે વિગતો મેળવી હતી. સાથે પીએસઆઇ એમ. જે. હુણ, નગીનભાઇ ડાંગર, વાલજીભાઇ જાડા સહિતના જોઇ શકાય છે
ભંગાર વેંચવા આવતાં પ્રકાશના ભાણેજને હાથ પગ ધોતી વખતે કપાયેલો પગ દેખાયો
ઘટના સ્થળે પ્રકાશ એભલભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે દર રવિવારીમાં હું ભંગારનો વેપાર કરુ છું. મારા બહેનનો દિકરો હાથપગ ધોવા જતાં ગંધ આવતાં તેણે મને વાત કરતાં હું અને મારો ભાઇ દોડી ગયા હતાં. એ વખતે એક પગ નજીકમાં અને બીજો થોડે દૂર દેખાયો હતો. પછી અમે પોલીસને જાણ કરી હતી.
(4:10 PM IST)










