News of Monday, 20th May 2024
સૌરાષ્ટ્રની સૌથી મોટી અને અત્યાધુનિક રાજકોટ એઇમ્સમાં ધોમધખતા ઉનાળામાં એ.સી.બંધ: દર્દીઓને ભારે હાલાકી
રૂ,1200 કરોડના ખર્ચે બનેલું એઇમ્સનું આખુ બિલ્ડિંગ સેન્ટ્રલી એ.સી. છે, પરંતુ હાલમાં આકરા તાપના કારણે વીજળીનો ઉપાડ કેપેસીટી કરતા વધી જતા એ.સીના યુનિટ બંધ થઇ ગયા

રાજકોટના જામનગર રોડ ઉપર સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેલી એઇમ્સમાં ધોમધખતા ઉનાળાના સમયે જ એર-કન્ડિશન પ્લાનમાં ક્ષતિ સર્જાતા બાળકોના વોર્ડ સહિતના અનેક વોર્ડમાં એ.સી. બંધ થઇ જતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં હિટવેવ ચાલી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં 44 ડિગ્રી ઉપર તાપમાનનો પારો ધખધખી રહ્યો છે. બપોરે 1 થી સાંજે પાંચ વાગ્યા સુધી બજારોમાં પણ કુદરતી કર્ફયું લાગી જાય છે તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને આધુનિક એવી એઇમ્સ હોસ્પિટલમાં અનેક વિભાગોમાં એ.સી. બંધ થઇ જતા દર્દીઓની હાલત અધમુઆ જેવી થઇ ગઇ છે.
એઇમ્સનું આખુ બિલ્ડિંગ સેન્ટ્રલી એ.સી. છે, પરંતુ હાલમાં આકરા તાપના કારણે વીજળીનો ઉપાડ કેપેસીટી કરતા વધી જતા એ.સીના કેટલાક યુનિટ બંધ થઇ ગયા હોવાનું જાણવા મળે છે. બાળકોના વોર્ડ સહિતના અનેક વિભાગોમાં વીજ પૂરવઠો બંધ થઇ જતા દર્દીઓ આકૂળ વ્યાકૂળ થઇ ગયા છે.
દર્દીઓ સાથે રહેલા તેના સગાસંબંધીઓએ જણાવ્યુ કે, બળબળતા તાપ વચ્ચે એઇમ્સના એ.સી. છેલ્લા ચારેક દિવસથી બંધ થઇ ગયા છે આમ છતા દર્દીઓ માટે પ્રાઇવેટ ટેબલફેન કે, નાના પંખાની વ્યવસ્થા પણ કરવા દેવમાં આવતી નથી જેના કારણે દર્દીઓની હાલત કફોડી થઇ ગઇ છે. જો કે, એઇમ્સના સતાવાર સુત્રોએ જણાવ્યું હતુ કે, ઓવરલોડના કારણે એ.સી.ના અમૂક યુનિટ ચાલુ-બંધ રહેવાની સમસ્યા છે તો અમૂકના વાયરિંગ બળી ગયા છે. એઇમ્સના વહિવટી તંત્ર દ્વારા આ માટે તાબડતોળ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રાજકોટમાં કરોડોના ખર્ચે બનેલી એઈમ્સ હોસ્પિટલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે, પરંતુ રાજકોટ એઈમ્સમાં દર્દીઓને કડવો અનુભવ થયો છે છેલ્લા ઘણા દિવસથી એઈમ્સમાં ખાસ કરીને બાળકોના વિભાગમાં એસી બંધ હોવાથી 44 ડિગ્રીની બળબળતી ગરમીમાં બાળ દર્દીઓની હાલત ફફોડી બની ગઈ છે. બીજી તરફ સારવારમાં દાખલ બાળકોના પરિવારજનોને ઘરેથી ટેબલફેન લાવવાની પણ મનાઈ ફરમાવી દેતા નાના બાળકોને અને તેના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
એક તરફ આધુનિક સુવિધાઓથી સજજ અને 1200 કરોડના ખર્ચે બનેલી રાજકોટની આ એઈમ્સ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ હોવાની વાતો વચ્ચે વાસ્તવિક્તા કઈક અલગ જ હોવાનું દેખાઈ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટ એઈમ્સનું વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે અને જેમાં ખાનગી હોસ્પિટલોને પણ ટક્કર મારે તેવી સુવિધાની વાતો કરતા એઈમ્સના સત્તાધીશો છેલ્લા 40 દિવસથી બંધ એસીને રિપેરીંગ કરાવવા માટે કોઈ ગંભીરતા લઈ રહ્યા નથી તેવું સ્પષ્ટ થાય છે. એઈમ્સમાં હાલ ઓપીડી સહિતની દર્દીઓને સારવારમાં દાખલ કરવાની સુવિધા સાથે એઈમ્સને શરૂ કરવામાં આવી છે.
મલ્ટી સ્પેશિયલિસ્ટ સુવિધાના આકર્ષક બેનર હેઠળ શરૂ કરાયેલી એઈમ્સમાં હાલની સ્થિતિએ જોઈએ તો દર્દીઓને સારવાર સાથે સુવિધા સાથે દુર્વિધા પણ મળી રહી છે. એઈમ્સને સેન્ટ્રલી એસી બનાવવામાં આવી છે. જેથી દર્દીઓને સારી સગવડ મળી શકે, પરંતુ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે.
રાજકોટમાં અને ખાસ કરીને ગુજરાતમાં કદી ન જોઈ હોય તેવી ઉચ્ચ ગુણવત્તા અને ઉચા સ્તરની આરોગ્ય સેવાઓ માટે એઈમ્સને શરૂ કરવામાં આવી છે. અને નજીવાદરે સારવાર તેમજ 15 જેટલી ઓપીડી સહિતની સુવિધાઓ કાર્યરત છે. ત્યારે ઉનાળાના પ્રારંભમાં જ એઈમ્સમાં દર્દીઓને ભરબપોરે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
આ બાબતે એઈમ્સનો તમામ વહીવટ સંભાળતા એડમીન વિભાગના જયદેવસિંહ વાળા સાથે વાતચીતમાં તેમણે વોર્ડમાં એસી બંધ હોવાનું સ્વીકાર્યુ હતું અને છેલ્લા બે દિવસથી બંધ એસીને રિપેરીંગ કરી ફરી ચાલુ કરાવવા માટેની કામગીરી ટુંક સમયમાં જ શરૂ થઈ જશે. એઈમ્સમાં બાળકોના વોર્ડ સહિતના અનેક વોર્ડમાં સેન્ટ્રલી એસી બિલ્ડીંગમાં વીજલોડ કેપેસીટી કરતા વધુ જતાં યાંત્રિક ખામીના કારણે અનેક વોર્ડમાં એસી બંધ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
(8:25 PM IST)










