તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રાજકોટમાં સાળાઓના હાથે બનેવીને છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ
પત્નીને સાસરીયે લઈ જવાના મુદ્દે ખેલાયો ખૂની ખેલઃસમગ્ર મામલે ત્રણ જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચતા શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષોના કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ,તા.૨૦
છેલ્લા બે વર્ષથી પોતાના પિયર ખાતે રહેતી પરણીતાને પોતાના સાસરીએ લઈ જવાનું કહેતા વિરમ અને ટાપરીયા પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બોલાચાલીની ઘટનામાં સશસ્ત્ર અથડામણ થતા મામલો હત્યા સુધી પહોંચી ગયો છે. સમગ્ર મામલે ૨૬ વર્ષીય વીરા ટાપરિયા નામના વ્યક્તિની હત્યા તેના જ સાળા સહિતના વ્યક્તિઓ દ્વારા છરીના ઘા ઝીંકી કરી નાંખી છે. તો સમગ્ર મામલે ત્રણ જેટલા વ્યક્તિઓને ઇજા પહોંચતા શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષોના કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રવિવારના રોજ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વિરપર ગામ ખાતે જાણધારી માતાજીના મંદિરે ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગમાં મરણ જનાર વિરા ટાપરીયા પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. તેમજ આ પ્રસંગે તેના સાળા તેમજ સસરા સહિતના પરિવારજનો પણ ત્યાં ધાર્મિક પ્રસંગ ખાતે હાજરી આપવા પહોંચ્યા હતા. મૃતકના ૬૦ વર્ષીય પિતા પાલા ટાપરિયા દ્વારા શેઠવડાળા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૧૧૪ અંતર્ગત નાથા વિરમ, પુના વિરમ, રાજુ ઉર્ફે રાજો વિરમ તેમજ માંડણ વિરમ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતક વિરા ટાપરીયાના લગ્ન માંડણ વિરમની દીકરી હીર સાથે બે વર્ષ પૂર્વે થયા હતા. લગ્નના ત્રણ મહિના પછી વીર પોતાના માવતર રિસામણે જતી રહી છે. પુત્ર વધુ માવતર જતા રહ્યા બાદ બંને વેવાઈ વચ્ચે પણ મનભેદ ચાલુ છે. બે વર્ષ પૂર્વે માંડણ વિરમ સાથે મારામારી પણ થઈ હતી જે તે સમયે તે બાબતની ફરિયાદ પણ નોંધાઈ હતી. પુત્રવધુ હીર દ્વારા મૃતક અને તેના પરિવારજનો દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવે છે તે બાબતની પોલીસ ફરિયાદ પણ વિસાવદર ખાતે આઇપીસી ૪૯૮ મુજબ કરવામાં આવી હતી. ત્યારે રવિવારના રોજ ધાર્મિક પ્રસંગ ખાતે બંને વેવાઈ પક્ષના વ્યક્તિઓ સહિત કુલ ૧૫૦ જેટલા માણસો એકત્રિત થયા હતા. દરમિયાન મૃતક વીરા ટાપરિયા દ્વારા પોતાના સસરા તેમજ સાળા સહિતના વ્યક્તિઓને પત્ની હીરને સાસરીયે મોકલવા માટે વાતચીત કરી હતી. જે વાત કરતા વિરા ટાપરીયાના ત્રણેય સાળા ઉસકેરાઇ જતા કહ્યું હતું કે, તમે અમારી બેનને દુઃખી કરો છો. અમારે તેને મોકલવી નથી તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. જે દરમિયાન પુના વિરમ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે વિરાને છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ રાજુ ઉર્ફે રાજો દ્વારા પોતાની કાર દ્વારા વિરા ટાપરિયાને ઠોકર મારીને પાડી દીધો હતો. ત્યારબાદ નાથા વિરમ દ્વારા પોતાની પાસે રહેલી છરી વડે વિરાને છરી વડે ઘા માર્યો હતો. સમગ્ર મામલે વીરા ટાપરિયાને ૧૦૮ મારફતે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કર્યો હતો.
સામા પક્ષે ૬૦ વર્ષીય માંડણ વિરમ દ્વારા આઇપીસી ૩૨૬, ૩૨૩, ૧૧૪ અંતર્ગત પાલા ટાપરીયા, વિજસુર ટાપરીયા, માંડણ ટાપરીયા અને જીવા ટાપરીયા વિરુદ્ધ શેઠ વડાળા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, બે વર્ષથી દીકરી રિસામણે હોય તે બાબતનો બંને પક્ષ વચ્ચે મનદુખ ચાલી આવી રહ્યું છે. ત્યારે માંડણ વિરમની રિસામણે રહેલી દીકરીને તેના પતિ વીરા ટાપરીયા દ્વારા સાસરીયે ખાતે મોકલવાનું કહેતા વિરમ પરિવાર દ્વારા દીકરીને સાસરીમાં ત્રાસ આપવામાં આવતો હોવાથી નથી મોકલવી તેવું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતક વિરા ટાપરિયા સહિતના વ્યક્તિઓ ઉશ્કેરાઈ જઈ છરી વડે હુમલો કરતા સમગ્ર ઘટનામાં માંડણ વિરમ અને તેના બે પુત્રોને ઇજા પહોંચતા ૧૦૮ મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં બંને પક્ષના વ્યક્તિઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત આરોપીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.
(9:07 PM IST)










