News of Friday, 24th May 2024
થપ્પો રમાડવાના બહાને ૬ વર્ષના બાળક સાથે પંદર વર્ષના ટાબરીયાએ ન કરવાનું કર્યુ?!
બાળક સારવાર માટે દાખલ થયા બાદ પરિવારજનોએ પોલીસ સમક્ષ જણાવ્યું કે રમતાં રમતાં ઇજા થઇઃ કોઇ ફરિયાદ કરવી નથી

રાજકોટ તા. ૨૪: શહેરમાં એક વિસ્તારમાં રહેતાં છ વર્ષના બાળક સાથે પંદર વર્ષના એક ટેણીયાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની વાતે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જો કે છ વર્ષના બાળકના માતા-પિતાએ બાળકને રમતાં રમતાં સ્હેજ ઇજા થયાનું કહી આ મામલે ફરિયાદ નહિ કરવી હોવાનું જણાવતાં પોલીસે તે મુજબની નોંધ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ છ વર્ષના બાળકને ગત રાતે સિવિલ હોસ્પિટલમાં ગુદ્દા માર્ગે દુઃખાવો થતો હોવાની ફરિયાદ સાથે તેના વાલી સારવાર માટે લાવ્યા હતાં. અહિ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય એક સગીરે આચર્યુ હોવાનું વાલી તરફથી જણાવાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇ મકવાણાએ તાલુકા પોલીસમાં નોંધ કરાવી હતી. બનાવની જાણ થતાં જ પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા સહિતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં બાળકે રટણ કર્યુ હતું કે ઘરે માતા-પિતા ન હોઇ કામે ગયા હોઇ પોતે અને બીજા ભાઇ-ભાંડરડા હતાં. આ વખતે પંદર વર્ષના છોકરાએ આવી થપ્પો રમવાનું કહી બહેનને બહાર છુપાઇ જવા મોકલી હતી. નાનો ભાઇ સુતો હતો ત્યારે પોતાની સાથે એ છોકરાએ ખરાબ કર્યુ હતું. જો કે તબિબી તપાસમાં કોઇ ઇન્ટર્નલ ઇજા જોવા મળી નહોતી. બાળકના વાલીએ પણ બાળકને રમતાં રમતાં ઇજા થઇ હોઇ શકે તેવું કહ્યું હતું અને આ મામલે કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું કહેતાં પોલીસે નોંધ કરી હતી.
(3:44 PM IST)










