<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ટી પોસ્ટ-દેશી કાફે ખાતે આજે હાર્દિક દવેના સુર અને સંગીતથી ઠંડક છવાશે

લોકસંગીતની મેડલીને માણવાનો અવસર : ''ઇકતારા'' અંતર્ગત સ્વરના ગુંજનની અનેરી પ્રસ્તુતી : નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટ, તા. ર૪ : સુના સરવરિયાની પાળે હંસોની હાર મારે ગણવી..અને છાયે બેહો તો ઉતારા ઓરડા..જેવી ગુજરાતી લોકગીત મેડલીથી જેણે નવી પેઢીને પણ પ્રાચીન લોકસંગીતનું ઘેલું લગાડ્યું છે તેવા જાણીતા ગાયક હાર્દિક દવે આજે તા.૨૪ મીએ રાજકોટમાં ટી પોસ્ટ દેશી કાફે (કાલાવડ રોડ)ખાતે સુર અને સ્વરનો જાદુ સર્જવા આવી રહ્યા છે.ચાની દુનિયામાં ગુજરાતનું ગૌરવ એવા ટી પોસ્ટ દ્વારા ગીત સંગીતની સુમધુર પરંપરાને દોહરાવતા ''ઇકતારા'' શીર્ષક હેઠળ યોજાઈ રહેલો આ કાર્યક્રમ નિઃશુલ્ક છે.

હાર્દિક દવે ગુજરાતી લોક ગાયક, સંગીતકાર, સંગીત નિર્દેશક અને ગીતકાર છે. તે ઓનલાઈન મ્યુઝિક કલાસ ૅલોકશાલૉ ના સ્થાપક છે, લોક ડાઉન વખતે સ્ફુરેલો આ વિચાર આજે તો એક મિશાલ બની ગયો છે. જાણીતા ગાયક, સંગીતકાર હાર્દિક દવે સંગીત ઉદ્યોગમાં જાણીતું નામ છે, તેમને લોક સંગીત વારસામાં મળ્યું છે. તેમના માતા-પિતા પ્રફુલભાઈ દવે અને ભારતીબેન કુંચાલાનું સંગીત આજે પણ ગુજરાતના ઘર ઘર માં પ્રચલિત છે .માતા-પિતાના પગલાને અનુસરીને, હાર્દિકે અસંખ્ય જાદુઈ ટ્રેકસ સાથે સંગીત ઉદ્યોગમાં યોગદાન આપ્યું છે તેની તાજેતરની હિટ ફિલ્મ ''ખમ્મા વીરા ને'' રિલીઝ થઈ હતી જેમાં તેની બહેન જે એક પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે  છે તેણે તેની સાથે તેનો અવાજ આપ્યો હતો.

સ્વર અને સંગીત સાથે જેમનો પરિવાર અને જીવન વણાયેલા છે તેવા હાર્દિક દવેનો 'ઇકતારા' વિશ્વ સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કાર્યક્રમ છે.ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દશાણી કહે છે કે અમે વ્યવસાયની સાથે લોકસંગીતની વિરાસતનું પણ જતન કરવા માટે સતત આ પ્રકારના કાર્યક્રમો યોજીએ છીએ.જેમ ચા આપણા જીવન સાથે જોડાયેલી છે એમ ગીત સંગીત પણ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે.રાજકોટ વાસીઓ આજે  શુક્રવારે ટી પોસ્ટ - ધ દેશી કાફે ડ્રાઈવ ઇન સિનેમા રોડ,વાજડીખાતે રાત્રે ૯ – ૩૦ વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમને જરૂર માણે.જેમાં પ્રાચીન ગીતો અને લોક સંગીત માણવાનો અનેરો લ્હાવો મળશે

(5:07 PM IST)