News of Saturday, 25th May 2024
ઓમ સમર્પણ શરાફી મંડળીનો સંચાલક શૈલેષ ઠુમ્મર ૨૬૨ રોકાણકારોના ૧.૫૦ કરોડ ખાઇ ગયો
કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ પર રાધેશ્યામ કોમ્પલેક્ષની ઓફિસને તાળા લાગી જતાં રોકાણકારોમાં દેકારો બી-ડીવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે તત્કાળ કાર્યવાહી કરી આરોપીને સકંજામાં લીધોઃ રિમાન્ડ મેળવવા તજવીજ એજન્ટ પરેશભાઇ પરસાણા, તેના પત્નિ કાજલબેન તથા અન્ય એજન્ટોના નાણા પાકતી મુદ્દતે ન ચુકવ્યાઃ રોકાણ પર ૫ થી ૧૦ ટકા વળતરની લાલચ આપી ઠગાઇ કરી

રાજકોટ તા. ૨૫: શહેરમાં વધુ એક મંડળીએ ફૂલેકુ ફેરવતાં રોકાણકારોમાં દકોરો મચી ગયો છે. કુવાડવા રોડ નજીક ૮૦ ફૂટ રોડ પર રાધેશ્યામ કોમ્પલેક્ષમાં સ્થિત ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળીના સંચાલકે અમારી મંડળીમાં રોકાણ કરશો તો પાંચથી દસ ટકા જેટલુ વ્યાજ આપશું તેવી લાલચ ૨૬૨ જેટલા રોકાણકારોના ૧ કરોડ ૫૦ લાખથી વધુની રકમ ખાઇ જતાં નાના મોટા રોકાણકારોમાં દેકારો મચી ગયો છે. બી-ડિવીઝન પોલીસ સુધી ફરિયાદ પહોંચતા પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે તત્કાળ કાર્યવાહી કરી ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પોલીસે કુવાડવા રોડ આંબા ભગત સોસાયટી મેઇન રોડ મારૂતિનગર-૩માં રહેતાં અને ૮૦ ફુટ રોડ પર રાધેશ્યામ કોમ્પલેક્ષમાં સમર્પણ શરાફી મંડળીમાં રૂપિયા કલેકટ કરવાનું કામ કરતાં પરેશભાઇ મોહનભાઇ પરસાણા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી આ મંડળીના સંચાલક શૈલેષ બાબુભાઈ ઠુમ્મર (રહે. શ્રીરામ પાર્ક મેઈન રોડ, બ્રહ્માણી પાર્ક શેરી નં. ૧) વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૪૦૯ મુજબ અમારી મંડળીમાં રોકાણ કરશો તો નાણાં પર ૫ થી ૧૦ ટકા જેટલું વ્યાજ આપીશું કહી ફરિયાદી પરેશભાઇ તથા બીજા ૨૬૨ રોકાણકારોના રૂપિયા ૧,૫૦,૪૨,૪૬૭ ઓળવી જઇ છેતરપીંડી કર્યાનો ગુનો નોંધ્યો છે.
પરેશભાઈએ પોલીસને જણાવ્યું કે ૨૦૧૦માં હું કુવાડવા રોડ પર આવેલી શ્રી સમર્પણ શરાફી સહકારી મંડળીમાં રૂપિયા કલેકશનનું કામ કરતો હતો. જયાં આરોપી શૈલેષ મંત્રી તરીકે હતો. જેથી બંને એક બીજાને ઓળખતા હતા. ૨૦૧૫માં શૈલેષે આ મંડળીમાંથી અલગ થઈ પોતાની ઓમ સમર્પણ શરાફી સહકારી મંડળી શરૂ કરી હતી. જેમાં ૨૦૧૬થી હું એજન્ટ તરીકે ડેઈલી કલેકશનનું કામ કરતો હતો. શૈલેષે ગ્રાહકોને જે લોકો મંડળીમાં રૂપિયાનું રોકાણ કરશે તે રોકાણના વાર્ષિક પાંચથી દસ ટકા દરે પાકતી મુદતે વળતર આપશે તેવી ખાત્રી આપી હતી. જેથી મેં રોકાણકારો શોધ્યા હતાં. આ રીતે મારી પાસે ૧૭૫ ગ્રાહકો હતાં. જેથી પાસેથી હું રૂપિયા કલેક્ટ કરી શેૈલેષની મંડળીમાં જમા કરાવતો હતો. મારી સાથે મારા પત્નિ કાજલબેન પણ એજન્ટ તરીકે કામ કરતાં હતાં. તેમજ મહેન્દ્ર જસવંતભાઇ અકબરી પણ એજન્ટ હતાં.
મેં કટકે કટકે ૨૦૧૭થી કુલ૮ લાખ એફડીમાં રોક્યા હતાં. અલગ અલગ પાકતી મુદતની એફડી હતી. ૨૦૨૦માં પાકતી મુદતે આ રકમ રૂા. ૧૦,૪૦,૦૦૦ થતી હતી. જે મેં સંચાલક શૈલેષ ઠુમ્મર પાસે માંગતા તેણે હાલ મારે પૈસાની જરૂર છે, તમે મને ૧૦ લાખ ૪૦ હજાર ઉછીના આપો. તેમ કહેતાં સંબંધના દાવે મેં આ રકમ તેને આપી હતી. અલગ અલગ ગ્રાહકોના અને મારા તથા મારા પત્નિના મળી કુલ ૨૨,૩૮,૮૧૪ મારે આ મંડળી પાસેથી લેવાના હતાં. પણ મંડળી દસ દિવસથી બંધ થઇ ગઇ છે.
આ ઉપરાંત મારા હસ્તકના ૯૪ ગ્રાહકોના ડેઇલી કલેક્શનના અલગ અલગ નાણા કુલ રૂા.૩૫,૦૪,૬૦૦ તથા મારા પત્નિ કાજલબેન હસ્તકના ૭૯ ગ્રાહકોના ૩૪,૮૭,૨૦૦ તેમજ અન્ય એજન્ટ દિનેશભાઇ વાઘજીભાઇ પીપળીયા હસ્તકના ૧૬ ગ્રાહકોની રકમ ૭.૮૪ લાખ, અન્ય એજન્ટ મહેન્દ્રભાઇ અકબરીના ૭૩ ગ્રાહકોના૧૦,૪૦,૫૫૩, કાંતિભાઇ માલીના રૂા. ૧૦,૪૦,૫૫૩ મળી કુલ રૂા. ૧,૫૦,૧૨,૪૬૭ની રકમ શૈલેષ ઠુમ્મરની મંડળીમાં જમા કરાવ્યા હતાં. આ તમામ રકમ શૈલેષે નિયત સમયે પરત ન આપી મંડળીની ઓફિસ બંધ કરી દઇ ઠગાઇ કરતાં રોકાણકારોમાં દેકારો મચી ગયો હતો.
પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ કે. ડી. મારૂ, રાઇટર હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફની ટીમે આરોપી શૈલેષ બાબુભાઇ ઠુમ્મરને સાણસામાં લઇ રકમ રિકવર કરવા પુછતાછ હાથ ધરી છે અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
(1:22 PM IST)










