News of Saturday, 25th May 2024
ફીટનેસ સર્ટી. મળ્યા બાદ કોમ્પલેક્ષ-૨ની દુકાનો ખુલી
જરૂરી રીપેરીંગ - મજબૂતાઇ હાથ ધર્યા બાદ શિવમ્ કોમ્પ્લેક્ષ-૨ને કોર્પો. તરફથી ફીટનેસ સર્ટીફીકેટ મળ્યુ

સર્વેશ્વર ચોકની રોનક પાછી ફરશે : હવે ટુંક સમયમાં શિવમ્ કોમ્પ્લેક્ષ-૧ને પણ મળશે સર્ટીફીકેટ : વોકળાનું કામકાજ હજુ ચૂંટણી પંચની કોર્ટમાં
રાજકોટ તા. ૨૫ : શહેરના સર્વેશ્વર ચોક ખાતે એક વર્ષ પહેલાની વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ગોઝારી ઘટના બાદ મનપા તંત્ર સફાળુ જાગ્યું હતું અને વોંકળા પર આવેલ શિવમ્ કોમ્પ્લેક્ષ ૧ અને ૨ ને સીલ મારી દેવામાં આવ્યું હતું. આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયેલ જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા.
મનપા તંત્ર દ્વારા બંને કોમર્શિયલ કોમ્પલેક્ષને પોતાના ખર્ચે એન્જીનિયર રાખી સ્ટેબીલીટી રીપોર્ટ આપવા નોટીસ ફટકારવામાં આવી હતી. હાલ બંનેમાંથી શિવમ્ કોમ્પલેક્ષ-૨નો સ્ટેબીલીટી રિપોર્ટ ફિટનેશ સર્ટી. મનપા દ્વારા આપવામાં આવ્યો છે. જ્યારે શિવમ્ કોમ્પ્લેક્ષ-૧નો રિપોર્ટ પણ થોડા દિવસોમાં રજૂ કરી દેવામાં આવશેનું મનપાના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. શિવમ્ કોમ્પલેક્ષ-૨ને કોર્પોરેશન તરફથી સર્ટી. આપ્યા બાદ દુકાનો ધડાધડ ખુલવા પામી છે. શિવમ્-૧ને ટુંક સમયમાં સર્ટી. મળશે.
વોંકળાને ફરી બાંધવા માટે કાર્યવાહીના ભાગરૂપે આચારસંહિતા ચાલુ હોય ચૂંટણી પંચ પાસે બાંધકામની પરવાનગી પણ માંગવામાં આવી હતી. પણ ચૂંટણી પંચે મનપાને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા રજૂઆત કરવા જણાવ્યું હતું.
(3:09 PM IST)










