<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ટીઆરપીનુ સ્‍ટ્રકચર જ ગેરકાયદેઃ કોઇપણ મંજૂરી લેવાઇ ન હોવાથી આસી. ટાઉન પ્‍લાનર અને વોર્ડ એન્‍જીનીયર જવાબદાર બન્‍યા

બાંધકામ અંગે સ્‍થળ ખરાઇ કરવાની જવાબદારી જેના શિરે હતી તેવા આર એન્‍ડ બી ના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા પણ સસ્‍પેન્‍ડ અને પારસ કોઠિયાઃ ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનું એનઓસી નહી હોવા છતાં હકારાત્‍મ અભિપ્રાય આપી ગંભીર ગુનાહીત બેદરકારી દાખવા બદલ પી.આઇ. વી.આર.પટેલ અને એન.આઇ.રાઠોડ સસ્‍પેન્‍ડઃ ફાયર એન.ઓ.સી. વગરના સ્‍ટ્રકચર સામે કોઇ કાર્યવાહી ન થતા બેદરકારી બદલ ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોર પણ સસ્‍પેન્‍ડ

રાજકોટ તા.ર૭ : શહેરના નાના મવા  રોડ પર આપેલ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ બાદ કાટમાળ હટાવવા અને મૃતદેહો શોધવાની કામગીરી પુર્ણ કરી લેવામાં આવી છે ત્‍યારે ગેમઝોનનું સ્‍ટ્રકચર, મંજુરી વિના તથા   સ્‍થળની ખરાઇ સહિતની બાબતોમાં બેદરકારી દાખવવા બદલ  મનપાના આસી. ટાઉન પ્‍લાનર ગૌતમ જોશી, વોર્ડ નં.૧૦ના એન્‍જીનીયર જયદીપ ચૌધરી ને ફાયર સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોર અને માર્ગ  અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર. સુમા અને પારસ કોઠિયા તથા બે પી.આઇ. વી.આર.પટેલ એન.આઇ. રાઠોડની જવાબદારી ગણી ફરજ મોકુફ કરાતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. કયા અધિકારીઓને કયા કારણોસર સસ્‍પેન્‍ડ કરાયા તેની વિગતો આ મુજબ છે.

આસી. ટાઉન પ્‍લાનર વોર્ડ ઇજનેર શા માટે સસ્‍પેન્‍ડ

શહેરના નાનામવા ગામના સર્વે નં.૪૯, ટીપી સ્‍કિમ નં.ર૦ (નાનામવા) પ્‍લોટ નં.રમા ટીઆરપી મોલ ખાતે બનાવવામાં આવેલ સ્‍ટ્રકચરની મંજુરી ટાઉન પ્‍લાનીંગ શાખામાંથી મેળવવામાં આવેલ ન હોવાનું ધ્‍યાને આવેલ છે. તથા આ સ્‍ટ્રકચર (ગેમીંગ ઝોન) મંજુરી વગર લાંબા સમયથી કાર્યરત હતુ. છતાં પણ આ મંજુરી વગરના સ્‍ટ્રકચર સામે કોઇ કાર્યવાહી થયેલ જણાતી નથી. આ અંગેની જવાબદારી આસિ. ટાઉન પ્‍લાનર કક્ષાના અધિકારીની હોય, જે અંગે નિયંત્રણ તથા સુપરવિઝનની કામગીરી આપના હસ્‍તક હોય, જે ફરજના ભાગરૂપે  બેદરકારી સ્‍પષ્‍ટ જણાય છે. આ પ્રકારની ગંભીર બેદરકારી, ગેરજવાબદારી કોઇપણ સંજોગોમાં ચલાવી શકાય તેમ ન હોય, આસિ. ટાઉન પ્‍લાનર ગૌતમ ડી. જોશીને તાત્‍કાલીક અસરથી સોંપેલ ફરજ પરથી તથા વોર્ડ  એન્‍જીનીયર જયદીપ ચૌધરીને પણ સસ્‍પેન્‍ડ કરવા મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલે હુકમ કર્યો છે.

ફાયર સ્‍ટેશન ઓફિસર શા માટે સસ્‍પેન્‍ડ ?

રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વિસીઝ શાખામાં સ્‍ટેશન ઓફિસર તરીકે ફરજ બજાવતા શ્રી રોહિત વિગોરાને કાલાવડ રોડ ફાયર સ્‍ટેશનના વિસ્‍તારમાં ફાયર અને ઇમરજન્‍સી સર્વિસીજ લગત સુપરવિઝનની કામગીરી તથા ફાયર એન.ઓ.સી. અંતર્ગત સ્‍થળ પર તપાસ અંગેની કામગીરી સોંપવામાં આવેલ છે.

શહેરના નાનામવા ગામના સર્વે નં.૪૯, ટી.પી. સ્‍કિમ નં.ર૦ (નાનામવા) પ્‍લોટ નં.રમાં ટીઆરપી મોલ ખાતે બનાવવામાં આવેલ સ્‍ટ્રકચર અંગે ફાયર એનઓસી ફાયર એન્‍ડ ઇમજરન્‍સી સર્વિસીઝ શાખામાંથી લેવામાં આવેલ ન હોવાનું ધ્‍યાને આવેલ છે તથા આ સ્‍ટ્રકચર (ગેમીંગ ઝોન) ફાયર એન.ઓ.સી. વગર લાંબા સમયથી કાર્યરત હોવાનું ધ્‍યાને આવેલ છે. છતા પણ આ ફાયર એન.ઓ.સી. વગરના સ્‍ટ્રકચર સામે કોઇ કાર્યવાહી થયેલ જણાતી નથી. આ અંગેની જવાબદારી સ્‍ટેશન ઓફિસર કક્ષાના અધિકારીની હોય, જે કરજના ભાગરૂપે બેદરકારી સ્‍પષ્‍ટ જણાય છે. આ પ્રકારની ગંભીર બેદરકારી - ગેરજવાબદારી કોઇપણસંજોગોમાં ચલાવી શકાય તેમ ન હોય સ્‍ટેશન ઓફિસર રોહિત વિગોરાને તાત્‍કાલીક અસરથી સોંપેલ ફરજ પરથી સસપેન્‍ડ કરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે. મ્‍યુનિ. કમિશનર આનંદ પટેલ .

પોલીસ ઇન્‍સપેકટ વી. આર. પટેલ અને રાઠોડ શા માટે સસ્‍પેન્‍ડ થયા?

ટીઆરપી ગેમ ઝોનની કંપની રેસ-વે એન્‍ટરપ્રાઇઝને એમ્‍યુઝમેન્‍ટ પાર્ક ચાલુ કરવા અંગે બુકીંગ લાયસન્‍સ આપવા અંગે પોલીસ કમિશ્‍નર રાજકોટ તરફથી તા. ૧૧/૮/ર૩ ના પત્રથી તત્‍કાલીન તાલુકા પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેકટર વી. આર. પટેલને તપાસ માટે મોકલવામાં આવેલા પ્રકરણ સંદર્ભે ફાયર બ્રિગેડ અને પીજીવીસીએલનું એન.ઓ.સી. નહીં હોવા છતાં હકારાત્‍મક અભિપ્રાય આપી ગંભીર ગુન્‍હાહિત બેદરકારી દાખવી હતી. આ બદલ ડી.જી.પી. વિકાસ સહાય દ્વારા તેમને તાકીદે સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

આ ઉપરાંત પી.આઇ. એન. આઇ. રાઠોડને પણ તે ગાળામાં તેમને સોંપાયેલ ગેમઝોન સંદર્ભની કાર્યવાહીમાં બેદરકારી બદલ સસ્‍પેન્‍ડ કરાયા છે. ત્‍યારે તેઓ લાયસન્‍સ બ્રાંચમાં ફરજ બજાવતા હતાં. તેમણે પણ સંબંધીત વિભાગોના વાંધા પ્રમાણપત્રો ન હોવા છતાં પોઝીટીવ અભિપ્રાય આપી લાયસન્‍સ આપ્‍યું હતું.

માર્ગ અને મકાન વિભાગના બે નાયબ કાર્યપાલક ઇજનેર આ કારણોથી ફરજ મોકુફ

રાજકોટ ખાતે રેસ-વે એન્‍ટરપ્રાઇઝની એમ્‍યુઝમેનન્‍ટ પાર્ક ખો આગ લાગવાની ગંભીર ઘટના બનેલ છે. રેસ-વે એન્‍ટરપ્‍રપ્રાઇઝની એમ્‍યુઝમેન્‍ટ પાર્ક ચાલુ કરવા અંગે બુકીંગ લાયસન્‍સ આપવા અંગેની અરજી પોલીસ કમિશ્‍નરશ્રી, રાજકોટ શહેરના પર તા. ૧૧ ઓગસ્‍ટથી અરજદારની અરજીમાં સામેલ પ્‍લાન પ્રમાણે ચકાસણી કરી અભિપ્રાય આપવા એમ. આર. સુમા, અને પારસ કોઠિયાને સાઇટ પ્‍લાન/૪ર૪પ, તા. ૧૪ સપ્‍ટે. થી અહેવાલ મોકલેલ જેમાં પ્‍લાન પ્રમાણેની કોઇપણ જાતની સ્‍થળ ખરાઇ કર્યા વગર પ્રાથમિક બાંધકામ કરવાની શરતે તેઓના વિભાગમાં રીપોર્ટ આપી ફરજમાં ગંભીર બેદકારી દાખવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્‍ટીએ જણાય છે. જે સબબ તેઓ સામે ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧ ની જોગવાઇ હેઠળ શિસ્‍ત વિષયક કાર્યવાહી સૂચિત હોઇ તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઇ, ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ) નિયમો-૧૯૭૧ ના નિયમ પ (૧) (ક) ની જોગવાઇ હેઠળનો હુકમની નાયક ચેરમેન માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ દિનેશ પટેલ દ્વારા કરવામાં આવ્‍યો છે.

(4:12 PM IST)