<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ગેમઝોનની આગમાં ભોગ બનેલી બે બહેનો ખ્યાતિ અને હરિતાની અંતિમયાત્રામાં આંસુનો દરિયોઃ મેઘાણીનગરમાં રહેતાં સાવલીયા પરિવારમાં શોકની કાલીમા

જે દિકરીને સાસરે વળાવવાની હતી તેની 'અરથી'ને કાંધ દેવાની કપરી વેળા આવી ઘટનાના અઠવાડીયા પહેલા કેનેડાના અક્ષય ઢોલરીયા સાથે ખ્યાતિ સાવલીયાની સગાઇ થઇ હતીઃ અક્ષયના ડીએનએના રિપોર્ટની જોવાતી રાહ

.રાજકોટઃ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં કેનેડાથી રાજકોટ આવેલો અક્ષય કિશોરભાઇ ઢોલરીયા, તેની સગાઇ જેની સાથે થઇ હતી અને કોર્ટ મેરેજ કર્યા હતાં તે મેઘાણીનગરની યુવતિ ખ્યાતિ રીતલાલ સાવલીયા અને ખ્યાતિની બહેન હરિતા રતિલાલ સાવલીયા એમ ત્રણેય ભોગ બની ગયા છે. બે બહેનો ખ્યાતિ અને હરિતાના ડીએનએ મેચ થઇ જતાં ગઇકાલે રિપોર્ટ આવતાં આજે પરિવારજનોએ મૃતદેહ સંભાળ્યા હતાં. કોઠારીયા રોડ મેઘાણીનગરના નિવાસસ્થાનેથી બંને બહેનોની અંતિમયાત્રા નીકળી ત્યારે કલ્પાંત સર્જાયો હતો. ખ્યાતિ અને હરિતાને એક ભાઇ છે. ખ્યાતિની સગાઇ કેનેડાના અક્ષય કિશોરભાઇ ઢોલરીયા સાથે થઇ હતી. બંનેએ કોર્ટમેરેજ કર્યા હતાં અને આગામી ડિસેમ્બરમાં ધામધુમથી લગ્ન થવાના હતાં. જે દિકરીને સાસરે વળાવવાની સાવલીયા પરિવારને તૈયારી કરવાની હતી એ દિકરી અને તેની સાથે બીજી નાની દિકરીની અરથીને કાંધ આપવાની કપરી વેળા આવી પડતાં કાળો કલ્પાંત સર્જાયો હતો. લાડકવાયી દિકરીઓના બળીને ભડથું થઇ ગયેલા દેહ ડીએનએ પરિક્ષણ બાદ સાવલીયા પરિવારને સોંપાયા ત્યારે ગમગીની વ્યાપી ગઇ હતી. અક્ષય પણ મુળ રાજકોટનો હતો. પણ હાલ કેનેડા રહેતો હતો. તસ્વીરમાં ખ્યાતિ અને બહેન હરિતાની અંતિમયાત્રાના દ્રશ્યો અને શોકમય સ્વજનો જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:57 PM IST)