<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

૨૦ વર્ષનો નિરવ બી. ટેકમાં અભ્યાસ કરતો હતો, માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

અંબિકા ટાઉનશીપ સિલ્વર એવન્યુના વેકરીયા પરિવારે લાડકવાયો ગુમાવતાં કલ્પાંત : મિત્ર સાથે ગેમ ઝોનમાં ગયો હતોઃ મિત્રનો બચાવ થયો હતોઃ સાંજે મૃતદેહ સોંપાયો : અટીકા હરિઓમ સોસાયટીનો ૨૫ વર્ષિય મિતેશભાઇ જાદવ બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધાર હતોઃ બેંકમાં નોકરી કરતો હતો

રાજકોટ તા. ૨૯: ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભભૂકેલી આગમાં જીવતા ભુંજાઇ ગયેલા સત્તાવીસથી વધુ લોકોના મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવા પડ્યા છે. જેમ જેમ ઓળખ થતી ગઇ તેમ તેમ મૃતદેહો સ્વજનોને સોંપાતા ગયા છે. આજ સુધીમાં ૨૫ મૃતદેહ સોંપી દેવાયા છે. જેમાં એક મૃતદેહ અંબીકા ટાઉનશીપ જીવરાજ પાર્ક પાસે આવેલા સિલ્વર એવન્યુ એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતાં નિરવ રસિકભાઇ વેકરીયા (ઉ.વ.૨૦) નામના બી.ટેકના છાત્રનો હતો. ડીએનએ સેમ્પલ મેચ થતાં ગઇકાલે સાંજે તેનો મૃતદેહ સોંપાતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો હતો. નિરવ માતા-પિતાનો એકનો એક લાડકવાયો હતો. જાણવા મળ્યા મુજબ નિરવ દર્શન યુનિવર્સિટીનો બી. ટેકનો વિદ્યાર્થી  હતો અને બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. નિરવ તેના મિત્ર પ્રિયાંક સાંગાણી સાથે ગેમ ઝોનમાં ગયો હતો. બપોર બાદ બંને મિત્રો ગેમ ઝોનમાં ગયા બાદ આગ ભભૂકી હતી જેમાં મિત્ર બચી ગયો હતો જ્યારે નિરવ આગમાં ફસાઇ ગયો હતો અને ગઇકાલે સાંજે પરિવારને તેનો નિષ્પ્રાણ દેહ મળ્યો હતો. આ પરિવાર મુળ જેતપુરના પ્રેમગઢનો વતની છે. યુવાન દિકરાની અંતિમવિધી વખતે પરિવારજનો હીબકે ચડ્યા હતાં.

ભોગ બનેલો અન્ય યુવાન મિતેશભાઇ બાબુભાઇ જાદવ (ઉ.વ.૨૫) અટીકા ઢેબર રોડ સાઉથ અંબા ખોડલ મંદિર નજીક આવેલા હરિઓમ પાર્કમાં રહેતો હતો. તે બેંકમાં નોકરી કરતો હતો. શનિવારે રજા હોઇ ગેમ ઝોનમાં ચક્કર લગાવવા માટે ગયેલ અને આગમાં ફસાઇ ગયો હતો. કરૂણતા એ છે કે મિતેશભાઇ બે બહેનનો એકનો એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. અંતિમયાત્રામાં આંસુનો દરિયો છલકાયો હતો. આમ ગેમઝોનનો આગકાંડ અનેક પરિવારોના હર્યાભર્યા માળા વેરવિખેર કરી ગયો છે.

કોઇ રજામાં મજા કરવા ગયું હતું, તો કોઇ ૯૯ની સ્કીમ હોવાને કારણે ગેમઝોનમાં પહોંચ્યું હતું, કોઇ સમય પસાર કરવા તો કોઇ અલગ અલગ ગેમની મોજ માણવા ગયું હતું...પણ આ બધામાંથી આગમાં સ્વાહા થઇ ગયેલા લોકોને કયાં ખબર હતી કે શનિવાર તેમની જિંદગીનો અંતિમ દિવસ બની જશે!

(5:00 PM IST)