News of Sunday, 2nd June 2024
રાજકોટમાં છેલ્લા ચાર દિ'માં ફાયર એન.ઓ.સી અને બી.યુ સર્ટિફિકેટ વિનાનાં હોસ્પિટલ- શાળા-ગેમઝોન સહિત ૧૬૦ સ્થળો સીલ
વિવિધ કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવી: ફાયર NOC અને BU સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU સર્ટિફિકેટ અને ફાયર NOC સંબંધકર્તાએ મેળવી લેવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈની શહેરીજનોને જાહેર સૂચના

રાજકોટ: મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯ મે થી તા.૦૧ જુન દરમ્યાન વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૬૦ સંકુલો સીલ કરવામાં આવ્યા છે,
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ બનાવવામાં આવેલ ટીમો દ્વારા તા.૨૯ મે થી તા.૦૧ જુન દરમ્યાન કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૩ ગેઇમ ઝોનની ચકાસણી કરાવામાં આવી અને આ તમામ ૧૩ ગેઇમ ઝોન સીલ કરાયા. આ ઉપરાંત ૧૪૯ હોસ્પિટલમાં ચકાસણી કરી ૧૩ હોસ્પિટલોને સીલ કરવામાં આવી. ૮૨ જેટલા કોમર્શિયલ એકમો/મોલ/શોપિંગ કોમ્પ્લેક્ષ/શોપ્સમાં ચકાસણી કરી ૨૨ એકમો સીલ કરવામાં આવ્યા. ૧૯૧ ટ્યુશન ક્લાસ/એજ્યુકેશન સંસ્થાઓમાં ચકાસણી અકરી ૭૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૧૦ પાર્ટી પ્લોટ/ટેમ્પરરી સ્ટ્રક્ચરની ચકાસણી કરી આ તમામ ૧૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૨૨ જેટલા હોટલ/રેસ્ટોરન્ટ/બેન્કવેટ હોલની ચકાસણી કરી તે પૈકીના ૦૯ સંકુલો સીલ કરાયા. વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૫૩ જેટલા અન્ય બિલ્ડીંગો (સિનેમા, જીમ વિગેરે)ની ચકાસણી કરી તેમાંથી ૨૩ બિલ્ડીંગો સીલ કરવામાં આવી.
આથી સંબંધિત તમામને આ જાહેર સુચનાથી જાણ કરવામાં આવે છે કે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ તથા તે હેઠળ અમલીકૃત CGDCR ની જોગવાઈ મુજબ ઈમારત/મિલકત માટે બાંધકામ વપરાશ પ્રમાણપત્ર (BU) લેવાનું રહે છે તથા ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ-૨૦૧૩ તથા તે હેઠળના નિયમો-૨૦૧૪ તેમજ રેગ્યુલેશન-૨૦૨૩ની જોગવાઈ અનુસાર ફાયર NOC મેળવવાનું રહે છે.
ઉપરોક્ત જોગવાઈ અનુસાર આથી જણાવવાનું કે, રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી ઉપરોક્ત કાયદાકીય જોગવાઈને પાત્ર તમામ ઈમારત/મિલકત માટે ઈમારત/મિલકતધારકોએ BU સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU સર્ટિફિકેટ તેમજ ફાયર NOC લેવા પાત્ર એકમ/સંકુલ માટે ફાયર NOC સંબંધકર્તાએ મેળવી લેવાના રહેશે તેમજ જેઓએ મેળવેલ ન હોય તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરે જણાવેલ છે.
(9:40 PM IST)










