News of Monday, 3rd June 2024
લક્ષ્મીનગરના જ્વેલર્સને લૂંટી લેવાની ઘટનામાં કોડીનાર પંથકના બે પિત્રાઇને માલવીયાનગર પોલીસે દબોચ્યા
બાંધકામના ધંધામાં રોકાણ કરતાં ૨૨ લાખનું દેણું થઇ ગયું'તું તે ઉતારવા લૂંટનો પ્લાન ઘડયો હતો : પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમને સફળતાઃ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, જયદિપસિંહ ભટ્ટી અને મયુરદાન બાટીની બાતમીઃ બંને આરોપી રિમાન્ડ પર : ધર્મેશ સોલંકી ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે, જ્યારે તેનો પિત્રાઇ રવિ હોસ્પિટમલાં રિસેપ્સનીસ્ટ છેઃ ધર્મેશને દેણું થતાં લૂંટનો પ્લાન ઘડયો હતો : બંનેને એમ હતું કે લૂંટમાં જે માલ મળશે તેનાથી દેણું ઉતરી જશેઃ પણ મોટી મત્તા ન મળીઃ પહેલી જ વખત ગુનો આચર્યો અને પકડાઇ ગયા

રાજકોટ તા. ૩: લક્ષ્મીનગર નાલા પાસે ૨૫મી મેના બપોરે આનંદી જ્વેલર્સમાં ત્રાટકી બે શખ્સ ગ્રાહકનો સ્વાંગ રચી દૂકાનમાં આવ્યા બાદ દૂકાનદાર સાથે ઝપાઝપી કરી છરીથી ઇજા પહોંચાડી સોના ચાદીના દોઢેક લાખના દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતાં. આ ગુનાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી મુળ કોડીનારના દામલી ગામ નવાપરાના વતની અને હાલ રાજકોટ રહેતાં બે કાકા-બાપાના ભાઇઓ ધર્મેશ અરશીભાઇ સોલંકી (ઉ.વ.૨૫-રહે. લક્ષ્મીનગર રોડ, દાસી જીવણપરા-૨) તથા રવિ બાબુભાઇ સોલંકી (ઉ.વ.૨૭-રામધામ સોસાયટી, જયગીત સોસાયટી-૨)ને પકડી લીધા છે. ધર્મેશ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં કામ કરે છે અને રવિ ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરે છે. ધર્મેશે મિત્ર મારફત બાંધકામ સહિતના ધંધામાં સગા સંબંધી પાસેથી નાણા લઇ રોકાણ કર્યુ હોઇ તેમાં બાવીસેક લાખનું દેણું થઇ જતાં જ્વેલર્સને લૂંટવાનો પ્લાન ઘડયો હતો. મોટી મત્તા મળવાની આશા હતી પણ તેમાં સફળતા મળી નહોતી.
આ ગુનામાં માલવીયાનગર પોલીસે ધર્મેશ અને રવિ નામના બે પિત્રાઇ ભાઇને દબોચ્યા છે. માલવીયાનગર ડી. સ્ટાફના હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કોન્સ. હરસુખભાઇ સબાડ અને કોન્સ. જયદિપસિંહ ભટ્ટી તથા મયુરદાન બાટીને બાતમી મળી હતી કે લક્ષ્મીનગર આનંદી જ્વેલસમાં થયેલી લૂંટમાં સામેલ શખ્સો જીજે૩૨એડી-૬૧૧૮ નંબરના બાઇક સાથે પુનિતનગર પાણીના ટાંકા પાસે ઉભા છે. તેના આધારે બંનેને દબોચી લીધા હતાં. આ બંને પાસેથી ૫૦ હજારનું બાઇક, બે મોબાઇલ ફોન મળી ૯૦ હજારની મત્તા કબ્જે કરી તેણે લૂંટેલા દાગીના કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ધર્મેશ અને રવિ કાકા-બાપાના ભાઇ થાય છે. બંને રાજકોટ રહે છે અને ધર્મેશ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં છે તથા રવિ ખાનગી હોસ્પિટલમાં રિસેપ્સનીસ્ટ છે. ધર્મેશે અગાઉ મિત્ર મારફત બાંધકામના ધંધામાં રોકાણ કરતાં લાભ થયો હતો. એ પછી ફરી વખત લાખોનું રોકાણ કરવા સગા સંબંધી, જીજાજી પાસેથી નાણા લીધા હતાં. પણ આ વખતે ખોટ જતાં દેણામાં આવી જતાં તેમાંથી બહાર નીકળવા લૂંટનો પ્લાન ઘડયો હતો. જેમાં મોટા બાપુના દિકરા રવિને સામેલ કર્યો હતો. લૂંટ કરી બંને બાઇક પર ગોંડલ તરફ ભાગી ગયા હતાં. હવે પોલીસ ઓળખી નહિ શકે તેમ માની ગઇકાલે રાજકોટ આવતાં જ બાતમી પરથી દબોચાઇ ગયા હતાં.
ઉલ્લેખનિય છે કે આ કામગીરીમાં બાતમી મળી છે તે હેડકોન્સ. જયદેવસંહ પરમાર અગાઉ ક્રાઇમ બ્રાંચમાં નોંધપાત્ર કામગીરી બજાવી ચુક્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોનસ. અજયભાઇ વિકમા, જયદેવસિંહ પરમાર, હિરેનભાઇ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીની ટીમે આ કામગીરી કરી હતી. બંને આરોપી રિમાન્ડ પર હોઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.
(7:56 PM IST)










