News of Monday, 3rd June 2024
મનપાએ ફાયર સેફટી મુદ્દે સીલ કરેલ મિલ્કતોના નામ જાહેર કરવાના બંધ કર્યાઃ અનેક તર્ક-વિતર્ક
રાજકોટમાં છેલ્લા ચાર દિ'માં ફાયર એન.ઓ.સી અને બી.યુ સર્ટિફિકેટ વિનાનાં હોસ્પિટલ- શાળા-ગેમઝોન સહિત ૧૬૦ સ્થળો સીલ : વિવિધ કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવીઃ ફાયર NOC અને BU સર્ટિફિકેટ લેવા પાત્ર એકમ/સંકુલ માટે BU સર્ટિફિકેટ અને ફાયર NOC સંબંધકર્તાએ મેળવી લેવા મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈની શહેરીજનોને જાહેર સૂચના

રાજકોટ, તા., ૩: મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૯ મે થી તા.૦૧ જુન દરમ્યાન વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૬૦ સંકુલો સીલ કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઈઝ બનાવવામાં આવેલ ટીમો દ્વારા તા.૨૯ મે થી તા.૧ જુન દરમ્યાન કુલ ૫૨૦ એકમોની ચકાસણી કરવામાં આવેલ જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૩ ગેઇમ ઝોનની ચકાસણી કરાવામાં આવી અને આ તમામ ૧૩ ગેઇમ ઝોન સીલ કરાયા. આ ઉપરાંત ૧૪૯ હોસ્પિટલમાં ચકાસણી કરી ૧૩ હોસ્પિટલોને સીલ કરવામાં આવી. ૮૨ જેટલા કોમર્શિયલ એકમો/મોલ/શોપિંગ કોમ્પ્લેક્ષ/શોપ્સમાં ચકાસણી કરી ૨૨ એકમો સીલ કરવામાં આવ્યા. ૧૯૧ ટયુશન ક્લાસ/એજ્યુકેશન સંસ્થાઓમાં ચકાસણી કરી ૭૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૧૦ પાર્ટી પ્લોટ/ટેમ્પરરી સ્ટ્રક્ચરની ચકાસણી કરી આ તમામ ૧૦ સંકુલો સીલ કરાવામાં આવ્યા. ૨૨ જેટલા હોટલ/રેસ્ટોરન્ટ/બેન્કવેટ હોલની ચકાસણી કરી તે પૈકીના ૦૯ સંકુલો સીલ કરાયા. વધુમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ૫૩ જેટલા અન્ય બિલ્ડીંગો (સિનેમા, જીમ વિગેરે)ની ચકાસણી કરી તેમાંથી ૨૩ બિલ્ડીંગો સીલ કરવામાં આવી.
મનપા દ્વારા ફાયર સેફટી અને બીયુ પરમીશનની શરૂઆતની ચેકીંગ ઝુંબેશ દરમિયાન એકમોના નામ સાથેની વિગતો પ્રસિધ્ધ કરાતી હતી. જયારે શનિવારથી મનપાની સતાવાર યાદીમાં સીલ કરેલ મિલ્કતોની માત્ર સંખ્યા જ દર્શાવામાં આવતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સાથે ભારે કચવાટ ઉભો થઇ રહયો છે.
આજે ૪૪ એકમોની ચકાસણીઃ ૧૦ સીલ
રાજકોટ : મહાનગરપાલિકા વિસ્તાર માં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશન કલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનર શ્રી દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવા માં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૩ના રોજ બપોરે ૧.૦૦ વાગ્યા સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૪૪ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૧૦ સંકુલો સીલ કરવામાં આવ્યા છે.
(3:27 PM IST)










