News of Saturday, 8th June 2024
ઉમિયા ચોક વૈકુંઠધામના કારખાનેદાર હરસુખ બુસા ધર્મપત્નિ અને પુત્ર સાથે ભેદી રીતે ગૂમ
દેણામાં આવી ગયાની શક્યતાઃ પિતાજી નાગજીભાઇ બુસાએ માલવીયાનગર પોલીસમાં જા ણ કરતાં તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૮: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઉમિયા ચોક વૈકુંઠધામ સોસાયટી-૧માં રહેતાં અને કાંગશીયાળી પાસે સબ મર્શીબલના પાર્ટનું કારખાનુ ધરાવતાં હરસુખભાઇ નાગજીભાઇ બુસા (ઉ.વ.૪૦) તા. ૧૪/૫ના રોજ સાંજે ઘરેથી પોતાના પત્નિ મનિષાબેન (ઉ.વ.૩૯) અને પુત્ર તિર્થ (ઉ.વ.૧૪) સાથે નીળક્યા બાદ ભેદી રીતે ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી છે. સતત તપાસ કરવા છતાં પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરવામાં આવી છે. આ અંગે કાલાવડના મોટાવડાળા ગામે રહેતાં હરસુખભાઇના પિતાજી નાગજીભાઇ પોપટભાઇ બુસાએ માલવીયાનગર પોલીસમાં ગૂમ થયાની જાણ કરી છે. હરસુખભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા છે. તેમના પત્નિ મનિષાબેનના માવતર કાલવડના બાવાખાખરીયા ગામે રહે છે. હરસુખભાઇના ભાઇના જણાવ્યા મુજબ હરસુખભાઇ ગયા મહિને ૧૪/૫ના રોજ ઘરેથી નીકળી ગયા છે. તેમનો ફોન પણ સતત બંધ આવી રહ્યો છે. ઠેકઠેકાણે શોધખોળ કરવા છતાં કોઇ પત્તો મળી રહ્યો નથી. કદાચ દેણાં આવી ગયાની શક્યતા જણાય છે. જો કે અમે અલગ રહેતા હોઇએ તેની વધુ કોઇ માહિતી નથી. માલવીયાનગર પોલીસ મથકના કે. બી. શેખલીયાએ ગુમની નોંધ કરી છે. વધુ તપાસ હેડકોન્સ. સોનાબેન મુળીયા ચલાવી રહ્યા છે. તસ્વીરમાં દેખાતા હરસુખભાઇ, તેમના પત્નિ કે પુત્ર વિશે કોઇને માહિતી હોય તો માલવીયાનગર પોલીસનો ૬૩૫૯૬ ૨૯૯૦૨ ઉપર અથવા નાગજીભાઇ બુસાનો ૯૭૨૭૮ ૫૭૨૧૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(3:06 PM IST)










