<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો: રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લામાં વરસાદી માહોલ

- જામકંડોરણાના દળવી, કાનાવડાળા અને ચરેલ ગામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો રતનપર, પાળિયાદ તેમજ સુરેન્દ્રનગર અને જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગના મતે આગામી 15 જૂનની આસપાસ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે. એવામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગેરૂપે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી તૂટી પડ્યો હતો.

 રાજકોટમાં વહેલી સવારથી જિલ્લામાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એવામાં બપોર બાદ જામકંડોરણાના દળવી, કાનાવડાળા અને ચરેલ ગામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

આવી જ રીતે જામનગરના જામજોધપુર અને અમરેલીના ધારીમાં વરસાદી માહોલ જામ્યો હતો. આ ઉપરાંત બોટાદ જિલ્લાના રતનપર, પાળિયાદ તેમજ સુરેન્દ્રનગર અને જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. આ ઉપરાંત વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોટાભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસતુ હોય છે. જો કે આ વખતે મેઘરાજાની વહેલી પધરામણી થવાની શક્યતા જોવાઈ રહી છે. જેથી ખેડૂતો દ્વારા પણ મોટાભાગની પોતાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે હજુ કેટલાક ભાગોમાં કેરીનો પાક હોવાના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે

(9:07 PM IST)