News of Monday, 10th June 2024
૧૫મીએ પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ : ૨૫મીએ રાજકોટ બંધ
રાજકોટ ખાતે કોંગ્રેસના ત્રિદિવસીય ધરણા-અનસનનું સમાપનઃઅગ્નિકાંડના પીડિતોના પરિવારોને ન્યાય અપાવવા લડત ચાલુ રહેશે : કોંગી ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનો આક્રોશ-ભાજપ બેશરમી અને નફફટાઇપૂર્વક ઘરે બેસીને પોતાના મંત્રીઓ-નેતાઓને બચાવવામાં લાગ્યું છે!: જરૂર પડયે મુખ્યમંત્રીના બંગલાને ઘેરાવ કરવામાં આવશેઃ હાલની સિટ પર કોઇ વિશ્વાસ નથીઃ ૨૫મીએ અગ્નિકાંડના પીડિતોની પ્રથમ માસિક પૂણ્યતિથીએ રાજકોટ શહેરમાં બંધ પાળવાનું આયોજન

ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની માંગણી સાથે શહેર કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસના અનસનનું ગઇકાલે સમાપન થયું હતું. આ વખતે પીડિતોના સ્વજનોએ આગેવાનોને પારણા કરાવ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૦: શહેરના નાના મવા રોડ મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષ લોકોનો ભોગ લેવાઇ ગયો છે. આ હતભાગીઓના પરિવારજનોને ન્યાય મળે તે માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે ઉપવાસ આંદોલન ચાલુ કરાયું હતું. જેમાં રવિવારે છેલ્લા દિવસે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મહેશ રાજપૂત, લાલજી દેસાઇ અને પાલ આંબલીયાને પીડિતોના પરિવાર દ્વારા પારણા કરાવાયા હતાં. આ વખતે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અમારી લડત પુરી નથી થઇ, ભાજપ બેશરમી અને નફફટાઇપુર્વક ઘરે બેસીને પોતાના મંત્રીઓ અને નેતાઓને બચાવવામાં લાગ્યું છે. પીડિતોના પરિવારોને ન્યાય અપાવવા અમે ૧૫મી જુને પોલીસ કમિશનર કચેરીને ઘેરાવ કરશું અને ૨૫મીએ રાજકોટ બંધ પાળવા સોૈને હાથ જોડીને વિનંતી કરીશું. જરૂર પડયે મુખયમંત્રીના બંગલે પણ ઘેરાવ કરવામાં આવશે.
અનસનના અંતિમ દિવસે ગેમ ઝોનના કર્મચારી એવા એક હતભાગી સ્વ. આશાબેન કાથડના બહેન પારણા કરાવતી વખતે રડી પડયા હતાં અને જીજ્ઞેશ મેવાણીને હું તમને ભાઇ માનુ છું, તમારી પાસે ન્યાયની અપેક્ષા છે તેમ કહ્યું હતું. આ વખતે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ન્યાય માટેની લડત પુરી થવાની નથી. અમે ૧૫મી જુને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરીશું અને ૨૫મીએ પિડીતોની પ્રથમ માસિક પુણ્યતિથીએ રાજકોટ બંધ રાખવામાં આવે તેવી લોકોને હાથ જોડીને વિનંતી કરીશું.
ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ રોષ સાથે જણાવ્યું હતું કે જરૂર પડયે મુખ્યમંત્રીને પણ ઘેરાવ કરવામાં આવશે, પીડિતોના પરિવારને એક કરોડની સહાય ચુકવવામાં આવશે. તટસ્થ અધિકારીઓની સિટની રચના કરી દોઢ વર્ષમાં પરિવારોને ન્યાય મળે અને જવાબદારોને કડક સજા થાય તેવી કાર્યવાહીની માંગણી છે. મેવાણીએ આગળ કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ બેશરમી અને નફફટાઈ પૂર્વક ઘરે બેસીને ભાજપના મંત્રીઓ અને નેતાઓને બચાવવામાં લાગ્યું છે. ભાજપ સાઇલેન્ટ છે, હવે આક્રોશ સાથે એવું થાય છે કે, ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય જઈએ અને કહીએ કે તમારામાં શરમનો એક પણ છાંટો ન હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો.
તેમણે આગળ કહ્યું કે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ ૧૫થી ૨૦ તાલુકામાંથી એક-બે લોકો રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારના સમર્થન માટે આવ્યા છે. ગુજરાતની ભાજપ સરકાર કે પોલીસ મને નથી લાગતું કે અગ્નિકાંડના પીડિતોને ન્યાય આપવા માંગતી હોય. અખબારો અને મીડિયા રિપોર્ટસના આધારે એવું દેખાઈ રહ્યું છે કે કેટલા બધા લોકો અગ્નિકાંડમાં ભીનું સંકેલવામાં લાગ્યા છે એટલા માટે જ કહીએ છીએ કે આ સિટ ભીનું સંકેલો સમિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલની સિટ પર કોઈ જ વિશ્વાસ નથી. આજે આ ઉપવાસ આંદોલનનો છેલ્લો દિવસ છે. જોકે અમારી લડત ચાલુ રહેશે અમારી ટીમ સમગ્ર રાજકોટ શહેરમાં ફરી વળશે. લગભગ ૧૫મી જૂને રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે અને રાજ્ય સરકાર અમારી માંગણીઓને લઈને શું વિચારે છે તેઓ સવાલ કરવામાં આવશે. ધારાસભ્ય મેવાણીએ આગળ જણાવ્યું હતું કે રાજકોટવાસીઓને એવું કહેવા માગું છું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મળત્યુ પામેલા પુત્રના આઘાતમાં એક પિતાનું મળત્યુ થયું છે અને અન્ય એક કિસ્સામાં મળત્યુ પામેલા યુવાનના બહેન જેઓ પ્રેગનન્ટ હતાં તેમનું મિસકેરેજ થઈ ગયું હતું.
આ પ્રકારની ભયંકર દુર્ઘટના બાદ પણ ગુજરાતમાં ભાજપના ૧૫૬માંથી એક પણ ધારાસભ્ય પીડિત પરિવારની સાથે નથી. ભાજપના ૨૫માંથી એક પણ સાંસદ અહીં આવવા તૈયાર નથી. મુખ્યમંત્રીએ પણ જે તે વખતે અહીં ૧૫-૨૦ મિનિટનો આટો માર્યો અને પીડિત પરિવાર સાથે કંઈ પણ લેવાદેવા ન હોય તેમ નીકળી ગયા હતા. ગળહમંત્રી, સી. આર. પાટીલ હોય કે રાજકોટના વિજય રૂપાણી કે જેમને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સર્વોચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા તેઓ પણ પીડિત પરિવારની મુલાકાતે આવ્યા નથી. ભારતીય જનતા પક્ષ બેશરમી અને નફફટાઈપૂર્વક ઘરે બેસીને ભાજપના મંત્રીઓ અને નેતાઓને બચાવવામાં લાગ્યો છે. અમુક પીડિત પરિવારોની એવી પણ તૈયારી છે કે મુખ્યમંત્રીના આવાસની બહાર બેસી જાય. પીડિત પરિવારો ચૂપ બેસવાના નથી.
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે ધરણાના અંતિમ દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાલભાઈ આંબલીયા દ્વારા ઉપવાસી છાવણીમાં જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં ન્યાયની લડત ચાલુ રાખવામાં આવશે અને દરેક વોર્ડમાં ન્યાયની લડત લઈ જવાશે. તે અંતર્ગત તારીખ ૧૫ જુનના પોલીસ કમિશનરને ઘેરાવ તથા તારીખ ૨૫મીના અગ્નિકાંડના મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ હોઇ જે પગલે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ધરણાના અંતિમ દિવસે ત્રણ દિવસ ઉપવાસ કરનારા લાલજીભાઈ દેસાઈ જીગ્નેશભાઈ મેવાણી ગાયત્રીબા વાઘેલા મહેશભાઈ રાજપુત અને દિપ્તીબેન સોલંકીને પીડિત પરિવારોના હસ્તે પારણા કરાવ્યા હતા. ત્રણેક દિવસમાં જુનાગઢ , જામનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાંથી આગેવાનોએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અજોડ કરણી સેનાના રાજકોટના પ્રમુખ ક્રિપાલસિંહ ઝાલા, અક્ષીતસિહ જાડેજા, નવલસિંહ જાડેજા, તીર્થરાજ સિંહ ગોહિલ બ્રહ્મસેનાના અધ્યક્ષ દર્શિતભાઈ જાની, રૂદ્ર શક્તિ મહિલા મંડળના માયાબા જાડેજા, ભાર્ગવીબા ગોહિલ, વિલાસબા સોઢા ગુજરાત ખેડૂત એસોસિયેશનના પ્રમુખ ભરતસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ધરણાના અંતિમ દિવસે ઉપવાસી છાવણી ખાતે શાસકોને ભગવાન સદબુદ્ધિ આપે અને મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે ધૂન, ભજન, કીર્તન કરવામાં આવેલ હતા. છેલ્લે દિવસે રાજકોટના પ્રબુદ્ધ નાગરિકો, પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, વોર્ડ પ્રમુખો, કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મહેશભાઈ રાજપુત, નરેન્દ્રભાઈ સોલંકી, બ્રિજરાજસિંહ રાણા, હાર્દિપ રાજપુત, રોહિતસિંહ રાજપૂત, એડવોકેટ અશોકસિંહ વાઘેલા, ડી પી મકવાણા, હિતેશભાઈ વોરા, સુરેશભાઈ બથવાર, મયુરસિંહ પરમાર, શૈલેષભાઈ કપુરીયા,ᅠ દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, રણજીતભાઈ મુંધવા, દીપુ રવૈયા, હિરલબેન રાઠોડ, મનીષાબા વાળા, નરેશભાઈ પરમાર, નરેશભાઈ સાગઠીયા, જલ્પેશ વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, રાજુભાઈ ચાવડીયા, ગીરીશભાઈ પટેલ, ગજેન્દ્રસિંહ ઝાલા સહિતના રાજકીય સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
(3:08 PM IST)










