તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Monday, 10th June 2024
રાજકોટ જેલના કેદી, બારવણના યુવાન અને ભીલવાસના મહિલાનું હૃદય બેસી જતાં મોત
સનાળી ગામનો જયંતી વનાણીયા એન.ડી.પી.એસના કેસમાં ત્રણ વર્ષથી રાજકોટ જેલમાં હતોઃ પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા.૧૦: એન.ડી.પી.એસના ગુનામાં રાજકોટ જેલમાં રહેલા કેદીનું તથા બારવણ ગામના યુવાનનું અને સદરબજાર ભીલવાસના મહિલાનું હૃદય બેસી જતા મોત નિપજ્યું છે.
મળતી વિગત મુજબ રાજકોટ સેન્ટ્રલ જેલમાં બેરેક નં.૪માં કાચા કામનો કેદી જયંતી રાયસંગભાઇ વનાળીયા(ઉ.વ.૪૩) (રહે. વિંછીયાના સનાળી ગામ) ગઇકાલે બેરેકમાં હતો ત્યારે તે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ. જે.જી. તેરૈયા સહિતે સિવિલ હોસ્પિટલે પહોંચી તપાસ હાથધરી હતી. મૃતક જયંતી એન.ડી.પી.એસ.ના કેસમાં છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ જેલમાં સજા ભોગવતો હતો. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. તે ત્રણભાઇમાં નાનો હતો.
જયારે બીજા બનાવમાં કુવાડવા નજીક બારવણ ગામમાં રહેતા ગાંડુભાઇ શામજીભાઇ સાકરીયા(ઉ.વ.૩૯) બે દિવસ પહેલા રાત્રે પોતાના ઘરે જમીને સુતા હતા ત્યારે તેને એકાએક ગભરામણ થતા બેભાન થઇ જતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે કુવાડવા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજ્યું હતું. મૃતક ગાંડુભાઇ ખેતી કરતા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ટી. મહેશ્વરી સહિતે કાર્યવાહી કરી હતી. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
જયારે ત્રીજા બનાવમાં સદર બજાર ભીલવાસ શેરી નં.રમાં રહેતા નફીસાબેન ઇનાયતભાઇ મકવાણા (ઉ.વ.૪૨) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક નફીસાબેનને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. એ.આર. વરૂએ કાર્યવાહી કરી હતી
(4:14 PM IST)










