<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

આડેધડ સીલ સામે વેપારીઓ- શાળા સંચાલકોમાં રોષ : ધારદાર રજૂઆત

ચેમ્‍બર ઓફ કોમર્સ તથા શાળા સંચાલક મંડળ સહિતના વિવિધ એસોસીએશન દ્વારા ફાયર NOC-BU પરમિશન માટે સમય આપવા માંગ : કમિશનર દેવાંગ દેસાઇને આવેદનપત્ર પાઠવ્‍યું : RMCમાં સ્‍ટાફ ઓછો હોવાથી સીલ ખોલવામાં વાર લાગશે તેવો જવાબ મળતા વિરોધનો શૂર ઉઠયો. : પ્રિ-સ્‍કૂલ સંચાલકોને ઉધડો લેતા મ્‍યુનિ. કમિશ્‍નર રેસિડેન્‍સીયલ વિસ્‍તારમાં પ્રિ-સ્‍કૂલ ચલાવી શકાય તેના જવાબમાં કમિશનરે કહ્યુ હતુ કે પ્રિ-સ્‍કૂલમાં, રેસિડેન્‍સીયલ બિલ્‍ડિંગમાં ચલાવી શકાય નહીં GDCRમાં અલગ અલગ મુદ્દાઓ છે.કોર્પોરેશન નિયમ અનુસાર કામ કરશે.

આડેઘડ સીલ સામે રોષ : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા સરકારની સુચના અન્‍વયે ફાયર એન.ઓ.સી. તથા બાંધકામ પરવાનગી સર્ટીફીકેટ વિનાની મિલ્‍કતની કામગીરી કરવામાં આવી રહી ત્‍યારે મનપા તંત્ર દ્વારા આડેધડ મરાતા સીલ લઇને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્‍થાઓના આગેવાનો દ્વારા મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇને આ અંગે તાકિદે યોગ્‍ય કરવા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં મોટી સંખ્‍યામાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો, શિક્ષકો વિવિધ પ્‍લેકાર્ડ સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૧૧: ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્‍યાએ અગ્નિશામક યંત્રો અને એનઓસી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કાયદાકીય કાર્યવાહીમાં તંત્રેને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી સંપુણ સહયોગ આપે છે. પરંતુ વહિવટીતંત્ર દ્વારા શહેરમાં તમામ જગ્‍યાએ ફાયર NOC તથા BU Permission કારણે સીલ મારી દેવામાં આવી રહયા છે અને વેપાર-ઉદ્યોગકારોને ઘણી મુશ્‍કેલીઓ પડી રહી છે. જેના અનુસંધાને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ અન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના નેજા હેઠળ વિવિધ એસોસીએશનો, વેપાર-ઉદ્યોગકારો-શાળા સંચાલકો-બેન્‍કો-હોસ્‍પિટલો-હોટલો-કલાસીસના પ્રતિનિધિશ્રીઓ દ્વારા રાજકોટ મ્‍યુનિસિપલ કમિશનરશ્રીને આજરોજ રૂબરૂ મળી જે જે સ્‍થળે સીલ મારવામાં આવ્‍યા છે તે તાત્‍કાલીક ખોલી આપવા તેમજ ફાયર સેફટી ઈન્‍સ્‍ટોલેશન અંગે તથા નિયમોમાં ઘણી વિસંગતતાઓ રહેલ છે તેના માટે પુરતો સમય આપી પ્રક્રિયાને વધુ સરળ કરવા ભારપૂવક રજૂઆત કરવામાં આવેલા. જેમા આશરે ૨૦૦૦ થી વધુ લોકો જોડાયેલ હતા.

ચેમ્‍બર ઓફ કોમર્સની સતાવાર યાદીમાં જણાવ્‍યુ છે કે આ રજુઆતમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવના અધ્‍યક્ષ સ્‍થાને ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદ મંત્રીશ્રી નૌતમભાઈ બારસીયા, ટ્રેઝરર વિનોદભાઈ કાછડીયા તેમજ અલગ અલગ સંસ્‍થાઓના આગેવાનો જેવા કે શ્રી ડો. પરસોતમભાઈ પીપળીયા, શ્રી ડી.વી. મહેતા, શ્રી ડો. લાલચંદા વગેરે મ્‍યુનિસિપલ કમિશનરશ્રીને વિવિધ પ્રશ્‍નોની ભારપૂર્વક રજુઆત કરતા મ્‍યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવેલ કે રાજય સરકાર તમામ મહાનગરપાલિકાઓ સાથે ચર્ચા-વિમર્સ કરીને બે દિવસમાં એ.સો.પી. જાહેર થઈ જશે. તેમજ શાળા સંચાલકોને ગુરૂવાર સુધીમાં શાળા ખોલવા ખાત્રી આપેલ છે. આ રજુઆતમાં ચેકિંગ દરમ્‍યાન કનડગત બાબતે ભારપૂવંક રજુઆત કરતા કમિશનરશ્રી દ્વારા ખાત્રી આપવામાં આવેલ છે કે કોઈપણ જાતનું ગેરવર્તન કરવામાં નહી આવે તે બાબત ખાસ ધ્‍યાન રાખવામાં આવશે.

સાથોસાથ તમામ વેપાર-ઉદ્યોગકારોએ ફાયર NOC તેમજ તેને સંલગ્ન તમામ નિયમોનું પાલન કરવાની ખાત્રી આપેલ છે. રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની આ રજુઆત માત્ર પ્રક્રિયા સરળીકરણ માટેની છે નહી કે કોઈ નિયમોમાં બાંધછોડ કરવા. ચેમ્‍બર ઓફ કોમર્સના સભ્‍ય સંસ્‍થાઓ વતી મિલ્‍કતો સીલ કરવા બાબતે અને ફાયર સેફટીના નિયમોનુ પાલન કરવા અંગે પૂરતો સમય આપવા રજૂઆત કરેલ. આ રજૂઆતમા વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્‍યા હતા અને કમિશ્નર તરફથી સકારાત્‍મક રીતે અભિગમ વ્‍યકિત કરેલ હતો તેમજ તેમને જણાવેલ કે આવશ્‍યક સેવાઓ સત્‍વરે પૂનઃ ચાલુ થાય તે માટે વચગાળાની મિલ્‍કતો ખોલવાની પરમિશન શરતો સાથે આપવામાં આવશે. ત્‍યારબાદ તમામ વ્‍યાપારી યુનિટોને પણ શરતો સાથે મિલ્‍કતો ખોલવાની પરમીશન આપવામાં આવશે.

ચેમ્‍બર ઓફ કોમર્સે કરેલ રજૂઆતમાં જણાવ્‍યું હતું કે, ડિસેમ્‍બર-૨૦૨૩ ફાયરના પરીપત્રની રાજકોટ શહેરના નાગરિકો તથા રાજકોટ મ્‍યુનિસીપલ કમિશ્નર કોર્પોરેશનના વોર્ડના અધિકારીશ્રીઓ અને પદાધિકાશ્રીઓને ખ્‍યાલ નથી જેના લીધે અરાજકતાઓ ઉભી થયેલ છે. હાલની પરિસ્‍થિતીમાં ઘણી બધી શાળાઓ, હોસ્‍પિટલો તથા અન્‍ય જરૂરી એકમો રાજય સરકાશ્રી દ્વારા જે ઇમ્‍પેકટનો કાયદો લાવેલ છે તેમાં પણ એપ્‍લાય થયેલા છે છતા પણ રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીશ્રી દ્વારા ઇમ્‍પેકટમાં એપ્‍લાય થયેલા છે તો પણ રાજકોટ મ્‍યુનિસીપાલ કોર્પોરેશનના અધિકારીશ્રી દ્વારા ઇમ્‍પેકટમાં એપ્‍લાય થયેલ અરજીઓ (ઈમ્‍પેકટ રજીસ્‍ટ્રેશનની રૂા. ૧૦૦ની રસીદ) જોયા વગર ફકત સીલ મારવાની જ કામગીરી કરેલ છે.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કે ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના રૂલ્‍સ કે ફાયરની એસ.ઓ.પી. જાહેર કરેલ નથી તેમના અધિકારીશ્રીઓ દ્વારા વોર્ડવાઇઝ અલગ-અલગ અર્થઘટન કરી મનસ્‍વી રીતે સીલ મારેલ છે.

રાજકોટ શહેરમાં જુદી-જુદી દુકાનો, સંસ્‍થાઓ, બેંકો, સમાજના કોમ્‍યુનિટી હોલ, હોસ્‍પિટલ અને શાળાઓને જે સીલ મારેલ છે તેમાં જૂના રૂલ્‍સ પ્રમાણે લગભગ ૯૦૫ કેસમાં ફાયર એન.ઓ.સી છે જ પરંતુ નવા નિયમ ડિસેમ્‍બર-૨૦૨૩ થી અજાણ હોવાને લીધે જે નિયમમાં ફેરફાર થયેલ છે તેને લીધે વિસંગતતા ઉભી થયેલ છે અને રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા જુદુ-જુદુ અર્થઘટન કરી ખોટી રીતે સીલ મારેલ છે. ફાયર એન.ઓ.સી.ના સાધનો ઈન્‍સ્‍ટોલ કરવા માટે નોટિસ આપેલ નથી, ડાયરેકટ સીલ મારેલ છે તે વ્‍યાજબી નથી. જી.ડી.સી.આરનું અમલીકરણ ગ્રામ પંચાયત, રૂડા તથા રાજકોટ મ્‍યુનિસીપલ કોર્પોરેશનમાં અર્થઘટન અને અમલીકરણ એકસરખું નથી.

ફાયર એન.ઓ.સી. અંગે રાજય સરકારનો ઓફલાઇન અરજી કરવાનો પરિપત્ર છે તો ફાયર એન.ઓ.સી. ઇન્‍સ્‍ટોલેશન માટે અમોને સમય મર્યાદા ફકત એક જ અઠવાડિયાનો આપવામાં આવેલ છે. ફાયર સેફટીની બાબતમાં રાજકોટ શહેરની તમામ સંસ્‍થાઓ ચિંતીત છે અને સરકારના નોમ્‍સ મુજબ ફાયરના સાધનો વસાવવા માટે તૈયાર છે.

રાજય સરકાર દ્વારા ઈમ્‍પેટના કાયદાનો અમલીકરણ ચાલુ છે જેથી (બી.યુ પરમિશન, હેતુફેર, વધારાનું બાંધકામ) વગેરે બાબતો રેગ્‍યુલાઈઝ થઈ શકે તેમ છે જે બાબત ધ્‍યાને લઈ ઝડપથી અમલીકરણ કરવા વિનંતી.

કોઈપણ સંસ્‍થા, એકમ કે વ્‍યકિતગત રીતે ફાયર એન.ઓ.સી. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સમય મર્યાદા આપવાની છે તે નિયમ મુજબ જો પોસિબલ હોય તો સેલ્‍ફ ડેકલેરેશન ઉપર સમય મર્યાદા આપવા વિનંતી. જેથી સમગ્ર શહેર, રાજયના નાગરિકો ફાયર એન.ઓ.સી. અંગે તથા ફાયરના સાધનો ઇન્‍સ્‍ટોલેશન કરવા માટે યોગ્‍ય સમય મર્યાદામાં પોતાની જવાબદારીએ કાર્ય પૂર્ણ કરે અને સમગ્ર શહેર અને સમગ્ર રાજય આ ચિંતા અને કાર્યભારમાંથી મુક્‍ત થઇ બધા સલામત બને તેવી આશા છે. તેમ અંતમાં જણાવ્‍યું હતું.

(4:31 PM IST)