<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

નવી કોર્ટ બિલ્‍ડીંગમાં સફાઇ કામદાર અક્ષય સોઢાનું બેલીફ રૂમમાં ઢળી પડયા બાદ હોસ્‍પિટલમાં મૃત્‍યુ

હાર્ટએટેકના અન્‍ય બનાવમાં રામનાથપરામાં બંગાળી કારીગર દેબાશીષ સુતા બાદ જાગ્‍યો જ નહિ

રાજકોટ તા. ૧૩: હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુની વધુ બે ઘટના બની છે. જેમાં જામનગર રોડ પર નવી કોર્ટમાં સફાઇ કામદાર તરીકે કામ કરતો યુવાન બેલીફ રૂમમાં હતો ત્‍યારે ઢળી પડતાં મૃત્‍યુ થયું હતું. બીજા બનાવમાં રામનાથપરામાં બંગાળી યુવાનનું રાતે જમીને સુતા બાદ હાર્ટએટકથી મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતો અક્ષય વિજયભાઇ સોઢા (ઉ.વ.૩૨) નામનો યુવાન સવારે જામનગર રોડ નવી કોર્ટ બિલ્‍ડીંગના બેલીફ રૂમમાં હતો ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર બે ભાઇમાં નાનો હતો. સંતાનમાં એક પુત્ર છે. બેલીફ રૂમમાં સફાઇ કામ કરીને બેઠો હતો ત્‍યારે એકાએક ઢળી પડયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં રામનાથપરા શેરી નં. ૬માં રહેતો મુળ બંગાળનો દેબાશીષ બૈદ્યનાથ પાત્રા (ઉ.વ.૨૬) નામનો યુવાન રાતે કામેથી આવી જમીને સુઇ ગયા બાદ સવારે તેના ભાઇએ જગાડતાં ન જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવની જાણ એ-ડિવીઝન પોલીસને કરવામાં આવી હતી. તે ચાંદીકામ કરતો હતો. બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું.

૧૩ વર્ષના સોહિલનું બેભાન હાલતમાં મોત

સંત કબીર રોડ ભગીરથ સોસાયટી-૨માં રહેતો સોહિલ મહેશભાઇ મોઢવાડીયા (ઉ.વ.૧૩) જન્‍મથી માનસિક દિવ્‍યાંગ હોઇ સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. પિતા છુટક મજૂરી કરે છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

તમામ બનાવોમાં બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ જે તે પોલીસ સ્‍ટેશનને જાણ કરી હતી.

(2:20 PM IST)