News of Friday, 14th June 2024
આજી નદીમાંથી નડતરરૂપ બાવળના ઝાડ તાકિદે દુર કરોઃ રજૂઆત
નદીમાં પુર આવશે તો વોર્ડ નં. ૭, ૧પ, ૧૬ માં પાણી ઘુસી જશેઃ આ અંગે યોગ્ય કરવા વોર્ડ નં. ૧પ ના કોંગી કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇએ ડે.કમીશનરને પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ૧૪ :.. શહેર વચ્ચે આજી નદી આવેલ છે તેમાં નદી વચ્ચે મોટા મોટા બાવળના ઝાડ ઉભા છે નદીમાં મોટા પ્રમાણમાં વેલ પણ જોવા મળે છે આના કારણે વોર્ડ ૧૫ વોર્ડ, ૧૬ વોર્ડ, ૪, ૭, ૬ અને ૫ મચ્છરોનો ઉપદ્રવ તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય કરવા કોંગ્રેસના કોર્પોરેટરો વશરામ સાગઠીયા અને કોમલબેન આજે ડે. મ્યુનિ. કમિ. ને પત્ર પાઠવી માંગ કરી છે.
કોંગી કોર્પો. એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરની પરિસ્થિતિમાં આજી નદી એક વોકળા સમાન બની ગઈ છે. આ નદીમાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને શહેરના લોકો કાયમી રામનાથ મહાદેવના દર્શને જાય છે જે રામનાથ મહાદેવનુ મંદિર શાસકોના હિસાબે ઘણા વર્ષોથી વિકાસ રહિત પડ્યું છે અને દર ચૂંટણીમાં રામનાથ મહાદેવના મંદિરના વિકાસની વાતો કરીને મત લેનાર લોકોને પણ મારે કહેવું છે તમને હાલ આ આજી નદી દેખાતી નથી. ચોમાસામાં ઉપરવાસ વરસાદ વધારે પડશે અને નદીમાં પૂર આવશે તો આ પૂરના પાણી વોર્ડ નંબર ૭, ૧પ, ૧૬ માં ઘૂસી જશે અને મોટી જાનમાલને નુકસાની થાય તેવું બની શકે તો નુકસાનની જવાબદાર કોણ શિરે રહેશે ?
અંતમાં નદીની વચ્ચે આવેલા મોટા મોટા બાવળના ઝાડો દૂર કરવા અને નદી સાફ કરવા જેથી કરીને વરસાદ આવે ત્યારે કોઈ પણ પ્રકારની જાન માલને નુકસાનીન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે અને તેમ છતાંય આ દબાણ દુર નહિ કરવામાં આવે તો જે કાઈ નુક્સાન થાય તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તેમજ રાજકોટ જિલ્લા કલેકટર તંત્રની રહેશે. તેમ પત્રમાં જણાવ્યું છે.
(3:06 PM IST)










