તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Friday, 14th June 2024
સતત બીજા દિવસે સ્કૂલ વાન-રીક્ષાઓ બંધ : RTO દ્વારા મોદી સ્કૂલ પાસે ૮ વાન ચાલકોને ઝપટે લેવાયા..
૮૦ ટકા વર્ધી ચાલકોએ બંધ રાખતા વાલીઓ હેરાન-પરેશાનઃ ભારે દેકારો : સ્કૂલોની બસો નિયમીત દોડે છેઃ આજે જે ઝપટે ચડયા તેમને ૧૦ થી રપ હજારનો દંડ ફટકારાયો... : આજથી બે દિ' સેન્ટમેરી-સેન્ટ પોલ-SNK સ્કૂલના વાન સંચાલકોએ બંધ પાળી હડતાલ કરતા દોડધામ

રાજકોટ તા. ૧૪: RTOના કડક નિયમો તથા એકધારા ચેકીંગને કારણે આજે સતત બીજા દિવસે રાજકોટના ૮૦ ટકા સ્કૂલ વાન-રીક્ષાઓ ચાલકોએ બંધ પાળી અઘોષિત હડતાલ શરૂ કરી દેતા વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા છે, વાલીઓમાં ભારે દેકારો મચી ગયો છે, પરંતુ RTO ના નિયમો સામે સ્કૂલવાન-રીક્ષા ચાલકો ઝૂકવા તૈયાર નથી, જેના પરિણામે અંધાધૂંધી ફેલાઇ છે.
આજે સતત બીજા દિવસે RTO પોલીસ દ્વારા મોદી સ્કૂલ પાસે ચેકીંગ હાથ ધરાયું હતું, મોદી સ્કૂલના વાન-ચાલકોએ બાળકો ભરેલી ગાડી આસપાસની ગલીઓમાં વાળી કે RTOનું તંત્ર ત્રાટકયું હતું, અને નિયમોના ભંગ સબબ ૮ વાન ચાલકોને ઝપટે લઇ સ્થળ ઉપર જ ૧૦ થી રપ હજારનો દંડ ફટકાર્યો હતો.
બીજી બાજુ આજથી બે દિ' સેન્ટમેરી, એસએનકે સેન્ટ પોલ વિગેરે સ્કૂલના વાન સંચાલકોએ બંધ પાળી હડતાલ જાહેર કરી દીધી છે.
સ્કૂલ વાન સંચાલકોનું કહેવું છે કે પ્રાયવેટ બદલે ટેકસી પાસિંગ કરવા સહિતનો તથા વીમો, સ્પીડોમીટર, ફિટનેસ સર્ટિફિકેટ, CNG ટેન્ક વીમો, વિગેરેનો કુલ ૪૦ થી ૬૦ હજારનો ખર્ચ થાય જે પરવડે તેમ નથી.
હાલ તો RTO વર્ધી ચાલકો વચ્ચે વાલીઓ પિલાઇ રહ્યા છે, કારણ કે વાલીઓએ ન છૂટકે સ્કૂલ બસનો સહારો લેવાનો વારો આવ્યો છે, જેની ફી સ્કૂલ વાન કરતા વાર્ષિક બમણી હોય, મધ્યમ વર્ગમાં ભારે દેકારો છે, બીજી બાજુ સ્કૂલ વાન-રીક્ષાના ચાલકો પણ ૧પ થી ર૦ ટકાનો ભાવ વધારો કરે તેવી શકયતા હોય વાલીઓને વધુ માર પડશે.
(3:14 PM IST)










