<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

કોઠારીયા રોડ શિવધામ સોસાયટીમાંથી દારૂ ભરેલી સ્‍કોર્પિયો સાથે સૂરજ પકડાયો

ઝડપાયેલા શખ્‍સની અગાઉ હત્‍યાની કોશિષ સહિત ૭ ગુનાઓમાં સંડોવણી : ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર એલસીબી ઝોન-૧ ટીમના બી. વી. બોરીસાગર, વિજેન્‍દ્રસિંહ ઝાલા અને ટીમની કામગીરીઃ મનરૂપગીરી અને હિતેષભાઇની બાતમી

રાજકોટ તા. ૧૪: શહેરમાં દારૂની હેરાફેરી અટકાવા એલસીબી ઝોન-૧ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી કોઠારીયા રોડ શિવધામ સોસાયટીમાંથી એક શખ્‍સને અડધા લાખના દારૂ-વોડકા ભરેલી સ્‍કોર્પિયો ગાડી સાથે પકડી લીધો હતો.

પોલીસે શિવધામ સોસાયટીમાં દરોડો પાડી સુરજ જબ્‍બરભાઇ કુનડા (ઉ.વ.૨૭-રહે. શિવધામ સોસાયટી-૨, રણુજા મ઼દિર પાસે)ને પકડી લીધો હતો. તેના હસ્‍તકની સ્‍કોર્પિયો ગાડી જીજે૦૩એનએફ-૦૦૮૭માંથી રૂા. ૨૪ હજારની ગ્રીનલેબલ વ્‍હીસ્‍કીની ૪૮ બોટલો, રૂા. ૨૪ હજારની વ્‍હાઇટ લેક વોડકાની ૪૮ બોટલો તથા રૂા. ૪૮૦૦ના વ્‍હાઇટ લેક વોડકાના ૧૮૦ એમએલના ૪૮ ચપલા મળી કુલ રૂા. ૫૨૮૦૦નો દારૂનો જથ્‍થો મળતાં તે તથા વાહન મળી ૧૦,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી સુરજની ધરપકડ કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્‍યા મુજબ ઝડપાયેલો આ શખ્‍સ અગાઉ ગાંધીગ્રામ-૨ પોલીસમાં હત્‍યાની કોશિષના ગુનામાં, આજીડેમમાં બે ગુનામાં, ભક્‍તિનગર, માલવીયાનગરમાં મારામારી-ધમકીના બે ગુનામાં અને ભક્‍તિનગર તથા આજીડેમમાં દારૂ તથા મારામારીના મળી કુલ ૭ ગુનામાં અગાઉ સંડોવાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. હિતેષભાઇ પરમાર, રવિરાજભાઇ પટગીર, સત્‍યજીતસિંહ જાડેજા અને દિવ્‍યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. હેડકોન્‍સ. મનરૂપગીરી ગોસ્‍વામી અને કોન્‍સ. હિતેષભાઇ પરમારને બાતમી મળી હતી.

(3:44 PM IST)