News of Tuesday, 18th June 2024
સ્કૂલવેન ચાલકો અને રિક્ષાચાલકોની હડતાલઃ ભગતસિંહજી ગાર્ડન પાસે મોટી સંખ્યામાં ચાલકો એકઠા થયા
અમુક સ્કૂલ તરફથી હડતાલમાં નહિ જોડાવાની ચીમકી અપાતાં અનેક વેન ચાલકો હડતાલથી બાકાત રહ્યાઃ અમદાવાદ એસોસિએશનના આદેશ મુજબ રાજકોટ વેન ચાલકો આગળ નિર્ણય લેશેઃ રાજકોટમાં ૪૦૦૦ વેન ચાલકો છેઃ તેમાંથી મોટા ભાગના હડતાલમાં જોડાયાઃ આરટીઓએ ૧૪ બાળકોની છુટ આપી, પણ બાકડાનો ઉપયોગ ન કરે તો ૮ બાળકો જ સમાય

રાજકોટઃ ગેમ ઝોન અગ્નિકાંડને પગલે આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા સ્કૂલ વેન અ અને સ્કૂલ રિક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકોને બેસાડનારા ચાલકો વિરૂધ્ધ ઝુંબેશ શરૂ થવાની હોઇ તેના વિરોધમાં આજે રાજ્યભરના સ્કૂલ વેન અને રિક્ષાચાલકોએ હડતાલ પાડી છે. રાજકોટ સ્કૂલ વેન એસોસિએશનના આગેવાનોના કહેવા મુજબ રાજકોટમાં અડધો અડધ સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાલ પર છે. અમુક સ્કૂલ તરફથી વેન ચાલકો, રિક્ષા ચાલકોને હડતાલમાં સામેલ નહિ થવા દબાણ થયું હોઇ તેના કારણે અમુક ચાલકો હડતાલમાં જોડાયા નથી. બાકીના વેન ચાલકો, રિક્ષચાલકોએ સવારે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે એકઠા થઇ આરટીઓ અને ટ્રાફિક પોલીસની કનડગત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં ૪૦૦૦ સ્કૂલ વેન ચાલકો છે અને સામે એટલા રિક્ષાચાલકો પણ છે. સ્કૂલ વેન ચાલકોના કહેવા મુજબ અગાઉ વેનમાં ૧૬ થી ૨૦ બાળકોને બેસાડવામાં આવતાં હતાં. બાકડાની પરમીશન માટે અમદાવાદ આરટીઓએ અગાઉ પાસીંગ મંજુર કરી દીધુ હતું. પરંતુ બાદમાં આ પાસીંગ ત્યાં રદ કરી નખાયુ હતું. રાજકોટમાં વેન સાથે બાકડાનું પાસીંગ અપાતુ જ નથી. હાલમાં વેનમાં ૧૪ બાળકોની મંજુરી અપાઇ છે. પરંતુ બાકડા પર પરમીશન ન હોય તો વેનમાં ૧૪ નહિ માત્ર આઠ જેટલા બાળકોને જ બેસાડી શકાય. આ કારણે સ્કૂલ વેન ચાલકોને આર્થિક માર ખમવો પડે છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસ આ સમસ્યાનો નિવેડો લાવે તેવી અમારી માંગણી છે. રાજકોટમાં અડધાથી વધુ વેન ચાલકો હડતાલમાં સામેલ થયાનું જણાવાયું છે. તસ્વીરમાં ભગતસિંહજી ગાર્ડન પાસે એકઠા થયેલા મોટી સંખ્યામાં સ્કૂલ વેન અને રિક્ષાના ચાલકો જોઇ શકાય છે. અમદાવાદ એસોસિએશનની સાથે જ પોતે જે નિર્ણય લેવાનો હશે તે લેશે તેમ જણાવાયું હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)
(3:08 PM IST)










