News of Tuesday, 18th June 2024
ઇકોગેંગ ઝડપાઇઃ વાંકાનેર, કોટડા સાંગાણી અને રાજકોટના શખ્સોએ ત્રણ ગુના કબુલ્યા
ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ...કહી મુસાફરને લિફટ આપી ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ ચોરી મુસાફરને ઉતારી મુકતાં : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમને સફળતાઃ વિપુલ, કિશન અને રીયાઝ પકડાયા : હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કોન્સ. હરસુખભાઇ સબાડની બાતમી : વિપુલ ડ્રાઇવીંગ કરતો, રિયાઝ શિકાર શોધતો અને કિશન ઉલ્ટી ઉબકાનું નાટક કરી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતો

રાજકોટ તા. ૧૮: મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલ્ટી ઉબકાના ઢોંગ કરી તેના ખિસ્સા કાપી લઇ બાદમાં તેને ઉતારી મુકવાના બનાવો અગાઉ બનતા હતા. હવે ઇકો કારમાં મુસાફરને લિફટ આપી ખિસ્સા કાપવાની ઘટના બનવા માંડી છે. આવો એક ગુનો માલવીયાનગર પોલીસમાં નોંધાયો હતો. દરમિયાન આ ગુનામાં વાંકાનેર, કોટડા સાંગાણી અને રાજકોટના ત્રણ શખ્સોને પકડી લેતાં તેણે આવા ત્રણ ગુનાની કબુલાત આપી છે.
લક્ષ્મીનગરમાં પીજીવીસીએલ કચેરીએ બીલ ભરીને ચાલીને જીવરાજ પાર્ક તરફ જઇ રહેલા પ્રોૈઢને ઇકોના ચાલકે ‘ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ, મુકી જઇએ' કહી લિફટ આપી હતી. બાદમાં આગળ બેઠેલા શખ્સે ઉલ્ટીનું નાટક કરી આ પ્રોૈઢના ખિસ્સામાંથી રોકડ સેરવી તેને ઉતારી મુક્યા હતાં. આ ગુનો ડિટેક્ટ થયો છે. હેડકોન્સ. જયદેવસિંહ પરમાર અને કોન્સ. હરસુખભાઇ સબાડની બાતમી પરથી વિપુલ નાનજીભાઇ પરમાર (ઉ.૨૩-રહે. અમરસર વાંકાનેર), કિશન ઉર્ફ કિશો મગનભાઇ પાંભણીયા (ઉ.૨૨-રહે. શિવનરગ-૪ જુના યાર્ડ પાસે રાજકોટ) અને રીયાઝ છોટુભાઇ બુખારી (ઉ.૨૪-રહે. કોટડા સાંગાણી ઉંચો ઢોળો)ને નાનામવા સર્કલ પાસેના પટમાંથી પકડી લીધા છે. આ ત્રણેય નવા કોઇ મુસાફરને શોધી શિકાર કરે એ પહેલા પકડી લેવાયા હતાં. તેની પાસેથી જીજે૧૨બીએફ-૧૭૭૦ નંબરની ઇકો કાર તથા રોકડા ૮ હજાર કબ્જે લેવાયા છે. પુછતામાં આ ત્રણેયએ વધુ બે ગુના કબુલ્યા છે. જેમાં ગોંડલ ચોકડીએ એક મુસાફરને બેસાડી એક હજાર તથા ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે એક મુસાફરને બેસાડી આઠસો રૂપિયા કાઢી લીધા હતાં.
વિપુલ ડ્રાઇવીંગ કરતો, રીયાઝ કોને બેસાડવો એ નક્કી કરતો અને કિશન ઉર્ફ કિશો ઉલ્ટી ઉબકાનું નાટક કરી મુસાફરના ખિસ્સામાંથી પર્સ-રોકડ ચોરી લેતો હતો. મોજશોખ માટે ત્રણેય આ રવાડે ચડયાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી વી. જી. પટેલની સુચના અનુસાર પીઆઇ જે. આર. દેસાઇ, પીઆઇ એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરા, હેડકોન્સ. અજયભાઇ વિકમા, જયદેવસિંહ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્સ. હરસુખભાઇ સબાડ, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટી, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી કરી હતી. જયદેવસિંહ પરમાર અગાઉ ડીસીબીમાં નોંધપાત્ર ફરજ બજાવી ચુક્યા છે. ગત ૨૫મીએ લક્ષ્મીનગર નાલા પાસે થયેલી લૂંટમાં પણ તેમની બાતમી પરથી સફળતા મળી હતી.
(11:44 AM IST)










