News of Tuesday, 18th June 2024
નીટની પરિક્ષા રદ કરવાની માંગ સાથે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ મેદાને

રાજકોટ : નીટની પરીક્ષામાં ગેરરીતી જોવા મળી હોય આ પરીક્ષા રદ કરી ફરીથી લેવાની માંગણી આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવી છે. રાજકોટ ખાતે જોરદાર વિરોધ પ્રદર્શન કરી દેખાવો કરાયો હતો. સમિતિના ગુજરાત ઉપપ્રમુખ સુરજ બગડા, રાજકોટ શહેર પ્રમુખ પ્રણવ ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સમિતિના કાર્યકરો જોડાયા હતા. વિરોધ કરતા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સરકારી કોલેજમાં એડમીશન મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત તનતોડ મહેનત કરતા હોય છે. વાલીઓ કોચીંગ સેન્ટરોમાં મસમોટી ફી ભરે છે. પછી જયારે આ પરીક્ષામાં ગોટાળા સામે આવે ત્યારે મહેનતુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે યાતના ભોગવવી પડે છે. હાલ સમાચારપત્રોમાં ગેરરીતીઓ જાહેર થઇ છે. પરીક્ષાના રજીસ્ટ્રેશનની તારીખ વારંવાર લંબાવવી, પરિણામ અગાઉ જાહેર કરી દેવુ, પ્રશ્નપત્રોમાં છબરડા, ઓએમઆર જવાબપત્રમાં ગોટાળા, રેન્કીંગમાં ગોટાળા, ગ્રેસ માર્કસ આપવામાં ગોટાળા જેવી ગંભીર ક્ષતિઓ સામે આવી છે. આ બધી માનવીય ક્ષમ્ય ભુલો નથી. કોઇની કારકીર્દીનો સવાલ હોય છે. બીહાર અને પટનાની ઘટના તેના પુરાવા છે. અન્ય રાજય છોડીને ત્યાંના વિદ્યાર્થીઓએ ગોધરા પરીક્ષા આપવા આવવુ પડે તે શું સુચવે છે? જો ગોધરાના એક સેન્ટર પર સેટીંગ થઇ શકતુ હોય તો દેશના અન્ય સેન્ટરો પર પણ કઇ રીતે ભરોસો મુકી શકાય? તેવા સવાલો સમિતિના આગેવાનોએ ઉઠાવ્યા હતા. નીટની પરીક્ષા હાલ રદ કરી ફરીથી લેવામાં આવે તેમજ આ ઘટનામાં દોષીતો સામે કડક પગલા ભરવા માંગણી ઉઠાવાઇ હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ ઉપર પહોંચી જઇ છાત્ર સમિતિના આગેવાનોની અટકાયત કરી હતી. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:21 PM IST)










