<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રવિવારે રાજકોટ જીલ્લામાં ૧II લાખથી વધુ બાળકોને પોલિયો વિરોધી રસી અપાશે

૨૩ જૂને મહાઅભિયાન : ૯૨૫ રસીકરણ બૂથો બનાવાયા : ૧૭૨૨ ટીમો ઉભી કરાઇ : ૧૮૬ સુપરવાઇઝર તથા ૧૮૫ મોબાઇલ ટીમ

રાજકોટ તા. ૧૮ : દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહયુ છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહયા છે. અને દેશમાંથી બાળલકવા નાબુદ થવાની તૈયારી છે. આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્વારા તા. ૨૩ જુન-ર૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

રાજકોટ કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લાનુ આ અંગેનુ આયોજન સંપુર્ણ કરી લેવામાં આવેલ. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૬૯૯૮૨ બાળકોને રસી આપવા માટે ૯૨૫ રસીકરણ બુથ બનાવવામાં આવેલ છે. ૧૭૨૨ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે ૧૮૬ સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૧૮૫ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે. રેલ્વે સ્ટેશન, બસસ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

તા.૨૩ જુન ૨૦૨૪ના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવેલ અને ત્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે. અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે. આ માટે ૧૭૨૨ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે.

કામગીરીના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટી બનાવવામાં આવી છે, જેની મીટીંગ યોજી આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ છે. તેમજ જિલ્લા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી તમામ, મેડીકલ ઓફિસરશ્રી, પ્રા.આ.કે./ અર્બન આરોગ્ય કેંદ્રો તમામ, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર તમામને તાલીમ આપવામાં આવેલ. તાલુકા કક્ષાની કમિટી બનાવવામાં આવી છે. જિલ્લાના વર્ગ-૧ ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિમવામાં આવેલ છે.

આ અભિયાનને સફળતા મળે તે માટે પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવી રહી છે. પોસ્ટર, બેનર, પત્રિકા, માઇકીંગ, વ્યકિતગત મુલાકાત, ભીંતસુત્રો, કેબલ, રેડીયો, ટી.વી., સોસ્યલ મીડીયા દ્વરા પ્રચાર પ્રસાર તેમજ પ્રેસ મારફત પ્રચાર પ્રસારની કામગીરી થઇ રહી છે.

તા.૨૩,જુન-૨૦૨૪ ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા દરેકને જાહેર અપીલ કરવામાં આવે છે. બાળક સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય રસી અપાવવી.

જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.સિંધ તેમજ આરોગ્ય વિભાગની ટીમ આ કામગીરી સંભાળી રહયા છે.

(3:24 PM IST)