News of Tuesday, 18th June 2024
રૂડા ઓફિસમાં ફાયર સેફટી નથી : તાકિદે સીલ કરો...
ફાયર - NOC ચેકીંગમાં વ્હાલા - દવલાની નીતિ : વેપારીઓને કનડગત કરવાની વૃતિ બંધ કરવા માંગણી : કોંગ્રેસ આક્રમક : આગેવાનો રૂડા કચેરીએ દોડી ગયા : ચેરમેન - સીઇઓ - ટીપીઓને વિસ્તૃત આવેદન પાઠવ્યું

રાજકોટ શહેર કોગ્રેસના આગેવાનો આજે રૂડા કચેરીઍ દોડી ગયા હતા અને ફાયર સેફટી ન હોય રૂડા અોફિસ સીલ કરવા સહિતની માંગણી ઉઠાવી આવેદન પાઠવ્યું હતું. (તસ્વીર : સંદીપ બગથરિયા)
રાજકોટ તા. ૧૮ : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ રૂડાના ચેરમેન - સીઇઓ - ટીપીઓને આવેદનપત્ર પાઠવી રૂડા ઓફિસમાં ફાયર સેફટી નથી, સીલ કરોની માંગણી કરી હતી તેમજ રૂડા ઓફિસ બિલ્ડીંગનું ફાયર એનઓસી હોય તો જાહેર કરો અને ન હોય તો કોર્પોરેશન રૂડા ઓફિસને સીલ કરો. ફાયર સેફટીના વર્ષ ૨૦૨૩ ના લેટેસ્ટ રૂલ્સ સાથે રૂડા ઓફિસ બિલ્ડીંગ સુસંગત નથી. રૂડાને નિયમ લાગુ ન પડે ? રૂડા ઓફિસમાં પુરતા ફાયર એક્ષ્ટીંગ્યુશર્સ પણ નથી ફાયર સેફટીના નિયમોનો ભંગ છતાં કાર્યવાહી કેમ નહીં? રૂડા એરિયામાં ફાયર એનઓસીના ચેકીંગમાં વ્હાલા-દવલા નિતી, વેપારીઓની કનડગત કરવાની વૃતિ પણ બંધ કરોની રજૂઆતો કરી હતી.
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત ૨૭ નિર્દોષ નાગરિકો બળીને ભડથુ થઈ ગયા બાદ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સાથે હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા પણ તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી નું ચેકીંગ કરવામાં આવી રહયું છે. પરંતુ રૂડા ઓફિસ બિલ્ડીંગમાં જ ફાયર સેફટી નથી તે વાસ્તવિકતાને નજર અંદાજ કરવામાં આવી રહી છે. તેમ આવેદન પાઠવી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી સહિતના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એવી માંગણી છે કે જો રૂડા ઓફિસ પાસે ફાયર એનઓસી હોય તો જાહેર જનતા સમક્ષ પ્રદર્શીત કરો. શું રૂડા ઓફિસનું ૪૦ વર્ષ જુનું બિલ્ડીંગ ફાયર સેફટીના વર્ષ ૨૦૨૩ ના લેટેસ્ટ રૂલ્સ મુજબ અપડેટ છે ? શું રૂડા ઓફિસમાં ફાયર એક્ષ્ટીંગ્યુશર્સ છે ? રૂડા ઓફિસને ફાયર સેફટીના નિયમો લાગુ ન પડે ? જો લાગુ પડતા હોય તો શહેરની અન્ય મિલ્કતો-સંકુલોની જેમ રૂડા ઓફિસ બિલ્ડીંગ પણ સીલ થવું જોઈએ પરંતુ આજ દિવસ સુધી સીલ કરાયુ નથી.
વધમાં કોંગ્રેસ પ્રમખ અતલ રાજાણીએ જણાવ્યું છે કે, રૂડા એરિયામાં હાલ જે ફાયર સેફટી અને ફાયર એનઓસીનું ચેકીંગ કરવામાં આવી રહયું છે તેમાં પણ રૂડાના સ્ટાફ દ્વારા વ્હાલા-દવલાની નિતી દાખવવામાં આવી રહી છે અને વ્યાજબી રજૂઆતો ધ્યાને નહીં લઈને વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે.
રૂડા કચેરીમાં કયારેય સ્ટાફ હાજર હોતો નથી ત્યારે કોઈ મુદ્દે રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પણ એક પ્રશ્ન છે. રૂડા ઓફિસમાં બે દરવાજા છે જેમાં એક દરવાજો શ્રોફ રોડ તરફ અને બીજો દરવાજો જામનગર રોડ તરફ છે પરંતુ જામનગર રોડ તરફનો દરવાજો કાયમ બંધ રખાય છે તેવું શા માટે ? તેનો ખુલાસો કરશો. રૂડા ઓફિસ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં મિની ઓડિટોરીયમ છે તેમાં પણ એન્ટ્રી-એકઝીટના અલગ દરવાજા કે ઈમરજન્સી એકઝીટની કોઈ સુવિધા નથી. રૂડા ઓફિસમાં આજથી બરાબર એક માસ પછી ફરી કોંગ્રેસ ચેકીંગ કરવા આવશે ત્યાં સુધીમાં ફાયર સેફટીની સુવિધા નિર્માણ કરી લેશો.
હાલ રૂડા કચેરીમાં ચેરમેનની જગ્યા વર્ષોથી ખાલી પડેલ હોય અને પુરતું મહેકમ પણ છે નહિ અનેક જગ્યાઓ ખાલી હોય તે જગ્યાઓ ભરાતી નથી અને શાસકોની આંતરીક ખટપટને પગલે ચેરમેનની જગ્યા પણ વર્ષોથી ખાલી પડેલ છે તેમ છતાં સીલ મારવાના પગલે રૂડા કચેરીનો સ્ટાફ હોતો નથી અને કચેરી ખાલીખમ રહેતી હોય છે જે પગલે કામકાજ અર્થે આવતા નાગરીકોને પારાવાર હાડમારી વેઠવી પડે છે, તેમ આવેદનમાં ઉમેરાયું હતું.
આવેદન દેવામાં અતુલ રાજાણી સાથે સર્વશ્રી જશવંતસિંહ ભટ્ટી, દિલીપભાઇ આસવાણી, મેઘજીભાઇ રાઠોડ, નાગજીભાઇ વિરાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, જીતુભાઇ ઠાકર, સલીમભાઇ કારીયાણી, મનિષાબા વાળા, હિરલબેન રાઠોડ, મયુર શાહ, દિપ્તીબેન સોલંકી, મીનાબેન જાદવ વિગેરે જોડાયા હતા.
(3:36 PM IST)










