<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

આર્થિક રીતે ખુવાર થઇ ગયા ‘ચા' પીવાના પણ પૈસા નહોતા એટલે સ્‍કૂલ વાન-રીક્ષાની હડતાલ પૂરી કરી

હવે જે થવુ હોય તે થાયઃ ભગવાનનો સહારો છેઃ વાન એસો.ના પ્રમુખ બહાદુરસિંહ સાથે વાતચીત.... : બાળકો-વાલીઓ હેરાન થતા હતાઃ રાજકોટમાં ૩ હજાર સ્‍કુલ વાન-રીક્ષાનો સવારથી ધમધમાટ શરૂ... : સરકારે મચક ન આપતા વાન ચાલકો હતપ્રભ થઇ ગયાઃ હાલ સવારમાં આરટીઓનું કોઇ ચેકીંગ નહી હોવાનો નિર્દેશ સ્‍કુલ સંચાલકો વાલીઓને બોલાવી અમારા વિદ્યાર્થીઓને ‘બસ' માં લઇ ગયા

રાજકોટ તા. ૧૯ :.. આરટીઓના કડક નિયમો-ચેકીંગ સામે ગઇકાલે રાજકોટ સહિત રાજયભરમાં ૮૦ હજાર જેટલા સ્‍કુલ વાન-રીક્ષા ચાલકો બેમુદતી હડતાલ પર ઉતરી ગયા હતા, વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા, બાળકો પણ હેરાન થયા હતા, અધુરામાં પુરૂ આરટીઓ તથા સરકારે કોઇ નિર્ણય નહી લેતા, કોઇ બાંધછોડ, મચક નહી આપતા હતપ્રભ બની ગયેલા વાન-રીક્ષા ચાલકોએ ગઇ રાત્રે જ જાહેરાત કરી માત્ર ૧ દિવસમાં પોતાની હડતાલ સમેટી લીધી છે. અને આજ સવારથી રાજકોટમાં ૩ હજાર સ્‍કુલ વાન-રીક્ષા ચાલકોનો બાળકોને મૂકવા-લાવવા અંગેનો ફરીથી ધમધમાટ શરૂ થયો છે, સામે વાલીઓને પણ હાશકારો થયો છે.

દરમિયાન આ બાબતે રાજકોટ સ્‍કુલ વાન એસો.ના બહાદૂરસિંહ ગોહીલે આજે સવારે ૮ વાગ્‍યે ‘અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, સરકારે-આરટીઓ એ અમારી કોઇ માંગણી હાલ સ્‍વીકારી નથી. કયાં સુધી રાહ જોઇએ, અમે આર્થિક રીતે સાવ ખૂવાર થઇ ગયા, ૧૦  લાખની ગાડી હોય અને આવક સાવ શૂન્‍ય હોય તો શું કરવું, અમારી પાસે ‘ચા' પીવાના પણ પૈસા નહોતા, કુટુંબનું ગુજરાન કેમ ચલાવવું, હવે અમે ભગવાનનો સહારો માની હડતાલ પૂરી કરી છે.

તેમણે જણાવેલ કે અમે બાળકો-વાલીઓ જે રીતે હેરાન થતા હતા, તે જોઇ શકયા નથી, આથી હડતાલ પૂરી કરી છે, સવારથી ૧૦૦ ટકા સ્‍કુલ વાન-રીક્ષા ચાલકોએ બાળકોને સ્‍કૂલે મૂકયા છે, હાલ સવારમાં આરટીઓનું કોઇ ચેકીંગ નથી.

બીજુ એ કે સ્‍કુલ વાન-રીક્ષા ચાલકો બંધ રહેતા સંખ્‍યાબંધ સ્‍કુલના સંચાલકોએ વાલીઓની મીટીંગ બોલાવી દબાણ કરી અમારા બાળકોને ફરજીયાત બસમાં ખેંચી ગયા છે, પરીણામે અમારી પાસે હવે પ૦ ટકા બાળકો રહ્યા છે, આ અન્‍યાય છે, હવે આરટીઓ ચેકીંગ કરશે અને દંડ ભરવાનો થશે તો ભરી દઇશું, બાકી હડતાલ પુરી  કરી દેવાઇ છે.

(10:59 AM IST)