News of Monday, 24th June 2024
જવાહર રોડ પર સીંગતેલના ડેપોમાં સેલ્સમેન હરેશભાઇ સેજપાલનું હૃદય રોગના હુમલાથી મોત
ઘંટેશ્વર ૨૫ વારીયામાં બચુભાઇ મોસપરાનું બેભાન થઇ ગયા બાદ મોત

રાજકોટ તા. ૨૪: હૃદયરોગના હુમલાથી મૃત્યુની વધુ એક ઘટના બની છે. જેમાં જવાહર રોડ પર સીંગતેલના ડેપોમાં નોકરી કરતાં સેલ્સમેન સવારે નોકરી પર હતાં ત્યારે એકાએક બેભાન થઇ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.
જાણવા મળ્યા મુજબ રેલનગર ન્યુ કર્ણાવતી સ્કૂલ પાસે મહર્ષિ અરવિંદ ટાઉનશીપ જી-વીંગ ૩૦૮માં રહેતાં હરેશભાઇ જગજીવનદાસ સેજપાલ (ઉ.વ.૬૫) સવારે સવા નવેક વાગ્યે જવાહર રોડ પર આવેલા રાણી સીંગતેલના ડેપો પર હતાં ત્યારે બેભાન થઇ જતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા અને ભાવેશભાઇ મકવાણાએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
મૃતયુ પામનાર હરેશભાઇ સેજપાલને સંતાનમાંએક પુત્રી અને બે પુત્ર છે. પોતે ચાર પાંચ વર્ષથી રાણી સીંગતેલ ડેપોમાં સેલ્સમેન તરીકે નોકરી કરતાં હતાં. સવારે નોકરી પર હતાં ત્યારે હાર્ટએટેક આવી ગયાનું પરિવારજને જણાવ્યું હતું.
બીજા બનાવમાં જામનગર રોડ ઘંટેશવર પાસે ૨૫ વારીયામાં રહેતાં બચુભાઇ રવાભાઇ મોસપરા (ઉ.વ.૫૧) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્યુ પામનાર નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. મગજમાં ગાંઠ થઇ હોઇ બિમાર રહેતાં હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ અને ભાવેશભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
(1:49 PM IST)










