News of Monday, 24th June 2024
મનપાના વિવિધ ૮ સંવર્ગની જગ્યાની ભરતી માટે પરીક્ષા યોજાઇ : ૧૪૦૦ ઉમેદવારો ગેરહાજર
૯૦થી વધુ જગ્યા માટે ૨૧૩૫ લોકોએ પરીક્ષા આપી

રાજકોટ તા. ૨૪ : મહાનગરપાલિકાની વિવિધ ૮ સંવર્ગની જગ્યાઓની ભરતી માટે લેખિત પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ. કુલ ૨૧૩૫ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવી હતી. જ્યારે ૧૪૨૪ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (૧) ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ,(૨) આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ, (૩)સીસ્ટમ એનાલીસ્ટ, (૪) ગાર્ડન સુપરવાઈઝર, (૫)વેટરનરી ઓફિસર, (૬) ગાર્ડન આસીસ્ટન્ટ, (૭) ટેકનીકલ આસીસ્ટન્ટ(લાઈબ્રેરી) અને (૮) આસીસ્ટન્ટ લાઈબ્રેરીયનની જાહેરાત આપવામાં આવેલ હતી આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી તા.૨૩ના શહેરનાં જુદા-જુદા કુલ-૦૪ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજન કરવામાં આવેલ, જેમાં એકંદરે કુલ ૩૫૫૯ ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-૨૧૩૫ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને ૧૪૨૪ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહેલ.
ઉમેદવારોને પરીક્ષા સમયના ૦૧ કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેકટ્રોનીકસ ગેઝેટ, કેલ્કયુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવેલ.
પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાનગરપાલિકાની વેબસાઈટ પર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરવામાં આવે છે. તેમ મનપાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે
(4:09 PM IST)










