<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th June 2024

કોઠારીયાના ખરાબા પર આશરો બાંધનારાઓ પર રહેમ રાખજો : મકાન ધારકોની કલેકટરને રજુઆત

દબાણો હટાવવા જ હોય તો પહેલા વગદારોએ કરેલા દબાણો દુર કરો પછી ગરીબોના ઘર પાડજો : અસરગ્રસ્તો

રાજકોટ તા. ૨૪ : રાજકોટના કોઠારીયા ગામના સર્વે નં. ૩૫૨ પર પૈકી ખરાબાની જમીન પર કાચા પાકા મકાન બાંધી આશરો મેળવનાર લોકોને મકાન પાડી નાખવાની નોટીસો મળતા ફફડાટની લાગણી પ્રસરી છે.

અસરગ્રસ્તોએ આ બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવી ઘર વિહોણા ગરીબોનો આશરો નહીં છીનવવા રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યુ છે કે કોઠારીયા સર્વે નં. ૩૫૨ પૈકી ખરાબાની જમીન પર ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં રોજી રળવા આવતા લોકોએ કાચા પાકા મકાનો બનાવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ લોકોને ૧૦ દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટીસો મળી છે.

આ ગરીબોનો આશરો છીનવાઇ જશે તો ઘરવિહોણા બની જશે. જો મકાનો પાડવા જ હોય તો અન્ય વગદારો મોટા મોટા દબાણો કરીને બેઠા છે તે લોકોના દબાણો પહેલા દુર કરવા જોઇએ. તેવી રજુઆત કકકડતી આંતરડીએ આ અસરગ્રસ્તોએ કરી છે.

આર.ઓ.સી. મીટીંગમાં તમામ સરકારી જમીન પરના દબાણો દુર કરવાની સુચના તંત્રને અપાઇ છે. તો પહેલા રાજકીય વગદારો દ્વારા સરકારી ખરાબાઓમાં ઉભા કરાયેલ અને વેચી દેવાયેલા મકાનોને દુર કરવા જોઇએ. નહીં કે ગરીબોના મકાન પાડવા જોઇએ.

અહીં વસતા લોકો આર્થિક પછાત વર્ગના છે. જેથી સરકારની જોગવાઇ મુજબ આ ઘરવિહોણા લોકોને ૧૦૦ વાર જગ્યા મફતમાં આપી ભારતીય બંધારણની જોગવાઇ મુજબ રોટી-કપડા-મકાનના હકો પુરા પાડવા જોઇએ. તેવી માંગણી આવેદનપત્રના માધ્યમથી આ અસરગ્રસ્તોએ ઉઠાવી છે.

તસ્વીરમાં અસરગ્રસ્તોની કલેકટરને થયેલ રજુઆતની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા દિપ્તીબેન સોલંકી, વિજયસિંહ ચૌહાણ, જયાબેન ચૌહાણ, જશુબેન વાંક, ભુપતભાઇ, વલ્લભભાઇ સોરાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:36 PM IST)