<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

પાર્કિંગમાં ખુલ્લા દરવાજાને લીધે અંદર પડી ગયેલી બાળકીનું લિફટ આવતાં ચગદાઇ જતાં કરૂણ મોત

પંચાયત ચોક શિવશક્‍તિ રોડ પર હેવલોક એપાર્ટમેન્‍ટમાં અરેરાટી ઉપજાવતી ઘટના : નેપાળી દંપતિ પાંચ્‍ માસ પહેલા જ અહિ પેટીયુ રળવા આવ્‍યું છેઃ ત્રણ વર્ષની દિકરીના મોતથી ગમગીની

રાજકોટ તા. ૨૭: શહેરના પંચાયત ચોક નજીક શિવશક્‍તિ સોસાયટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં અરેરાટીજનક ઘટનામાં ફુલડા જેવી બાળકીનું મોત થયું છે. અહિ પાંચેક મહિનાથી રહેતાં અને ચોકીદારી કરતાં નેપાળી દંપતિની ૩ વર્ષની દિકરી પાર્કિંગમાં રમતી હતી ત્‍યારે લિફટનો દરવાજો કોઇપણ કારણોસર ખુલી જતાં લિફટ ન હોઇ બાળકી તેમાં ગબડી પડી હતી. એ પછી ઉપરથી અચાનક લિફટ આવતાં અંદર રહેલી આ બાળકી ચગદાઇ જતાં કમકમાટીભર્યુ મોત નિપજ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ પંચાયત ચોક નજીક હેવલોક એપાર્ટમેન્‍ટમાં રહેતાં બિમલ કાર્કીની દિકરી મરીના (ઉ.વ.૩) સવારે સાડા દસેક વાગ્‍યે એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં રમતી હતી. રમતી રમતી તે લિફટ પાસે ગઇ હતી. આ વખતે લિફટ ઉપર હતી છતાં દરવાજો ખુલ્લો હતો, અથવા તો રમતા રમતાં બાળકીએ ખોલી નાંખ્‍યો હતો. બાદમાં અજાણ એવી આ બાળકી  લિફટના ગેપમાં પડી ગઇ હતી. એ દરમિયાન ઓચીંતી લિફટ આવી જતાં તે ચગદાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. ચીસ સાંભળી લોકો દોડી આવ્‍યા હતાં.

પિતા બિમલ, માતા ક્રિષ્‍નાબેન સહિતના પણ પહોંચ્‍યા હતાં. લિફટના એન્‍જિનીયરને બોલાવી બાળકીને બહાર કાઢવામાં આવી હતી. તેણીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તબિબે ટુંકી સારવારને અંતે મૃત જાહેર કરતાં કલ્‍પાંત સર્જાયો હતો. મરીના માતા-પિતાની એકની એક દિકરી હતી. આ દંપતિ અહિ પાંચેક મહિનાથી રહે છે અને ચોકીદારી કરે છે. બનાવથી એપાર્ટમેન્‍ટના રહેવાસીઓમાં પણ ગમગીની વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે યુનિવર્સિટી પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:33 PM IST)