News of Thursday, 27th June 2024
કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપર વાનના સ્ટાફને પુરતું વેતન ચૂકવોઃ રવિવારી બજારના ગરીબોને હેરાન કરોમાં
ગરીબ પાથરણાવાળાઓને લેન્ડ ગ્રેબિંગની નોટીસો ફટકારાઇ તે કેટલે અંશે વ્યાજબી છે... : રાજકોટ તાલુકાના ખેત મજૂરોને ફાળવાયેલ જમીનમાં માથાભારે લોકોનું દબાણ છેઃ તે કેમ તંત્ર દૂર કરતું નથી... : ત્રણ સળગતા પ્રશ્નો અંગે ૧પ દિ'માં જવાબ આપવા કલેકટરને તાકિદઃ નહીં તો ધરણા : રજૂઆત સમયે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આક્રમક એડી. કલેકટરને ટકોર કરી તો કાર્યકરોનો પણ ઉધડો લીધો

આજે ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણીએ રાજકોટના ત્રણ સળગતા પ્રશ્નો અંગે એડી. કલેકટરને આવેદન પાઠવ્યું હતું, આ સમયે કોંગ્રેસના આગેવાનો હાજર રહેલ, ૧પ૦ થી ર૦૦ લોકો રજૂઆત માટે દોડી આવ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ર૭: રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અતુલ રાજાણી તથા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, આગેવાનો અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી વિગેરે ર૦૦ જેટલા કાર્યકરો-આગેવાનોના ટોળા સાથે કલેકટરને આવેદન પાઠવી શહેરના સળગતા સવાલોને વાચા આપવા રજૂઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટિપ્પર વાહનના ડ્રાઇવર અને સંલગ્ન સ્ટાફને લઘુતમ વેતન ચૂકવવામાં આવતું નથી, પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને અન્ય શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરી એમનું અપરંપાર શોષણ કરવામાં આવે છે. તેમનું ભયંકર શોષણ કરવામાં આવી રહ્યું છે. માંગણી કરીએ છીએ કે, એમને નિયમાનુસાર લઘુત્તમ વેતન ચૂકવાય, પગાર સ્લીપ મળે, એમની પી.એફ. જમાં થાય એ માટે શ્રમ વિભાગને અને મ્યુનિ. કોર્પોરેશને જરૂરી નિર્દેશો આપશો.આજ પ્રમાણે રાજકોટ શહેરના સેંકડો પાથરણાં વાળા, રેંકડીવાળા જેઓ રવિવારી બજાર ભરતાં હોય છે. જેમનો શહેરની ઇકોનોમિક એકિટવિટીમાં મહત્વનો રોલ હોવાનું આ દેશની સંસદમાં પારીત થયેલા સ્ટ્રીટ વેન્ડર્શ એકટમાં નોંધવામાં આવ્યું છે તેઓને સિંચાઇ વિભાગ દ્વારા ત્યાંથી ખસેડી દેવાની અને આ ગરીબ પાથરણાવાળાઓને લેન્ડ ગ્રેબિંગ કરવાની નોટિસો ફટકારવામાં આવી છે, તો આ સંદર્ભે લેન્ડ ગ્રેબિશ્રંગની કોઇ કાર્યવાહી આવા રોજ કમાઇને રોજ ખાનારા ગરીબો ઉપર ન કરવામાં આવે અને તેઓને જયાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સુનિヘતિ કરવામાં ન આવે ત્યાં સુધી એ સ્થળેથી દૂર પણ કરવામાં ના આવે.વધુમાં જણાવવાનું કે, રાજકોટ તાલુકાના ખેતમજૂરોને સરકારે ૧૯૭૧ની આસપાસ જમીનોની ફાળવણી કરી ખેડૂત બનાવ્યા હતા, પરંતુ આ રપ એકર જમીનોમાં માથા ભારે લોકોનું દબાણ છે અને એ બાબતની અરજદાર ખેડુતોની વારંવારની રજૂઆતો બાદ પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. એટલે સુધી કે આપની કક્ષાએથી અને સંબંધિત મામલતદારો દ્વારા પણ DILR ને આ બાબતે માપણી કરવા જણાવેલ છે (નકલ સામેલ છે) જેથી કબજો સોંપી જમીન લાભાર્થીઓને ખેડતા કરી શકાય. ઉલ્લેખનીય છે કે જે તંત્ર ગરીબ શ્રમિક પાથરણાં વાળા ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવા તૈયાર થયું છે એ જ તંત્ર એટલે કે આપની કચેરી આ ખેડૂતોની જમીનોમાં થયેલા દબાણો હટાવવા કેમ લેન્ડ ગ્રેબિંગ કરવા માંગતી નથી એ એક સવાલ છે. આ ત્રણેય મુદ્દે અમો ધારાસભ્યના આ આવેદનપત્ર બાદ શું કામગીરી કરેલ છે એની અમોને દિન-૧પમાં જાણ કરશો અન્યથા આપશ્રીની કચેરી બહાર ચોકકસ મુદતના ધરણાં ઉપર બેસવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેશો.
આવેદન આપવા સમયે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આક્રમક હતા...એડી. કલેકટરને જણાવેલ કે સાહેબ અમારી આ રજૂઆત છે...તમે ઉભા થઇને આવેદન સ્વીકારો, ધારાસભ્યની આ ટકોર બાદ એડી. કલેકટરે ઉભા થઇ આવેદન સ્વીકારેલ, ધારાસભ્યનું આ આક્રમક વલણ જોઇ સ્થાનીક કોંગી નેતાઓ અચંબિત થઇ ગયા હતા. ધારાસભ્ય મેવાણીએ પોતાના કાર્યકરોને પણ ખખડાવ્યા હતા, અને જણાવેલ કે પાંચ લોકોએ જ અંદર આવવાનું છે, નિયમ છે છતાં શું કામ પાલન નથી કરતા, કાર્યકરોમાં સોંપો પડી ગયો હતો.
(2:36 PM IST)










