<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

સિવિલ હોસ્‍પિટલના બીજા ન્‍યુરો સર્જન ડો. મિલન સેંજલીયાનું રાજીનામુઃ જામનગરથી ન્‍યુરો આવશે

સુપર સ્‍પેશિયાલિટી બિલ્‍ડીંગના ન્‍યુરો વિભાગમાં હવે સિનીયર રેસિડેન્‍ટથી ગબડાવાઇ રહ્યું છે ગાડુઃ તત્‍કાળ વ્‍યવસ્‍થા થઇ જશેઃ તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી

રાજકોટ તા. ૨૭: શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં લાંબા સમય પછી ન્‍યુરો સર્જનની સેવા શરૂ થઇ હતી અને દરરોજ ઓપીડીમાં મોટી સંખ્‍યામાં દર્દીઓ લાભ લઇ રહ્યા હતાં. પરંતુ છ મહિના પહેલા ન્‍યુરો સર્જરી વિભાગના હેડ એવા ડો. અંકુર પાંચાણી રાજીનામુ આપી નીકળી ગયા બાદ હવે એસોસિએટ પ્રોફેસર ડો. મિલન સેંજલીયાએ રાજીનામુ આપી દેતાં ન્‍યુરો સર્જરી વિભાગની જવાબદારી એક માત્ર સિનીયર રેસીડેન્‍ટ ઉપર આવી ગઇ છે. પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં ઘણા લાંબા સમયથી ન્‍યુરો સર્જનની અછત હતી. અનેક રજુઆતો બાદ અહિ બે  ન્‍યુરો સર્જનની સેવા ઉપલબ્‍ધ બની હતી અને સુપર સ્‍પેશ્‍યાલિટી વિભાગમાંદરરોજ ઓપીડીમાં આ સેવાનો દર્દીઓને લાભ મળી રહ્યો હતો.  પરંતુ અગાઉ આ વિભાગના હેડ ડો. અંકુર પાંચાણી રાજીનામુ આપી નીકળી ગયા હતાં. હવે આ વિભાગના જ અન્‍ય તબિબ ડો. મિલન સેંજલીયા પણ અઠવાડીયા પહેલા મેડિકલ કોલેજના ડીન સમક્ષ રાજીનામુ ધરીને સિવિલ હોસ્‍પિટલ છોડી ગયા છે. તેમણે રાજીનામામાં અંગત કારણ દર્શાવ્‍યું છે.

અગાઉ ડો. પાંચાણીએ રાજીનામુ આપ્‍યું તે વખતે પણ કોઇ સ્‍પષ્‍ટ કારણ સામે આવ્‍યું નહોતું. તેમના ગયા પછી  ડો.મિલન સેંજલીયા અને સિનિયર રેસિડેન્‍ટ ડો.સંદીપ ભીમાણીથી ન્‍યુરો વિભાગ ચલાવવામાં આવતો હતો. એક માત્ર ન્‍યુરો સર્જન પર ઈમરજન્‍સી ઉપરાંત અઠવાડિયામાં બે વખત ઓપીડી અને ઈન્‍ડોર દર્દીઓની સારવારની જવાબદારી હતી. બે ન્‍યુરો સર્જને વારાફરતી રાજીનામા આપી દેતાં હવે  એક જ સિનિયર રેસિડેન્‍ટ ડોક્‍ટર આ વિભાગમાં સેવા આપી રહ્યા છે. 

દરમિયાન તબિબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે ન્‍યુરો વિભાગમાં વ્‍યવસ્‍થા હાલ કરી દેવામાં આવી છે. જામનગરથી ન્‍યુરો સર્જનને અહિ લાવવામાં આવશે અને ઝડપથી આ કાર્યવાહી થઇ જશે.

(3:15 PM IST)