<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th June 2024

લોન ફ્રોડના બધા પુરાવા અમારી પાસે, જાહેરમાં ચર્ચા કરવા ચેલેન્‍જ

રાજકોટ નાગરીક બેંકના સીઇઓ સહિતનાઓએ કરેલા ફ્રોડ અંગે દસ્‍તાવેજી પુરાવા નાગરિક બેંક બચાઓ સંઘ પાસે ઉપલબ્‍ધ :ગુજરાત હાઇકોર્ટમાં વ્‍હીસલ બ્‍લોઅર વિબોધ દોશીની આરબીઆઇ દ્વારા ફ્રોડનો રિપોર્ટ રજુ કરવા પીટીશન દાખલ : કાલબાદેવી બ્રાંચ દ્વારા મુંબઇથી ૧૧૦ કિ.મી. દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મિલ્‍કત સામે રૂપિયા ૮૦ લાખની ફ્રોડ લોન વર્ષ ૨૦૨૦માં અપાયેલી, આજે પણ ત્‍યાં અધુરૂ બાંધકામ, બેંકના લોન ખાતામાં આશરે ૯૦ લાખ જેટલી લેણી રકમ નીકળે છે, આ મિલ્‍કતની માર્કેટ વેલ્‍યુ ૨૦ લાખની આસપાસ પણ નથી

રાજકોટઃ આગામી દિવસોમાં સહકારી બેન્‍કીંગ ક્ષેત્રે મોટી નવાજુનીના એંધાણ દર્શાય રહ્યા છે. છેલ્લા ૨૦ મહીનાથી પોતાની નોકરીને દાવ પર લગાડનાર તેમજ જેમને સુપ્રિમકોર્ટે પણ વ્‍હીસલ બ્‍લોઅર કીધા છે તેવા નાગરિક બેંકના ગેરકાયદેસર રીતે ટર્મીનેટ થયેલા સ્‍લીપેજ રીકવરીના મેનેજર શ્રી વિબોધ દોશીએ ગુજરાત હાઈક્રોટમાં પીટીશન ફાઈલ કરેલ છે. રાજકોટ નાગરિક બેંકની મુંબઈમાં આવેલી કાલબાદેવી બ્રાંચના ૨૫ ફ્રોડ લોન ખાતાઓ તેમજ જુનાગઢ બ્રાંચના ૩૫ ફ્રોડ લોન ખાતાઓ અંગે પોતાની નોકરીની ફરજના ભાગરૂપે અને માતળ સંસ્‍થા પ્રત્‍યેની અડગ નિષ્ઠા દર્શાવીને શ્રી વિબોધ દોશી બેંકમાં અપાયેલી ૬૦ ફ્રોડ લોન કે જે પબ્‍લિક મની ના કરોડો રૂપિયા ખોટા થઈ ગયા છે તેની સામે વ્‍હિસલ બ્‍લોઅર તરીકે સંઘર્ષ કરી રહ્યા છે.

નાગરિક બેંક બચાઓ સંઘની યાદી મુજબ જુની અને જાણીતી વિશ્વસનીય એવી રાજકોટ નાગરિક સહકારી બેંકના સાત દાયકાના ઈતિહાસમાં અભુતપુર્વ ફ્રોડ લોન સ્‍કેમ બહાર લાવનાર શ્રી દોશીને બીરદાવવાને બદલે આ કૌભાંડમાં સીઈઓ સહીતના મોટા માથાઓ સંડોવાયેલા હોવાથી તેઓને ગેરકાયદેસર રીતે ૩૦ સપ્‍ટેમ્‍બર-૨૦૨૩ ના સીધા જ ટર્મીનેટ કરી દેવામાં આવેલ. જેની સામે મનાઈહુકમ મેળવવા શ્રી દોશી ગુજરાત હાઈકોર્ટમાં ગયેલ અને સ્‍ટે મેળવેલ પરંતુ બાદમાં ડીવીઝન બેંચે સ્‍ટે કાઢી નાખેલ. આથી શ્રી વિબોધ દોશી સુપ્રિમ કોર્ટમાં ગયેલ અને ત્‍યાંથી સ્‍ટે મેળવીને બેંકમાં ચાર મહીના નોકરી કરવામાં સફળ થયેલ. બેંક દ્વારા અનેક નામાંક્‍તિ વકીલો બાદ છેલ્લે દેશના પ્રથમ ક્રમાંકિત એડવોકેટ શ્રી હરિષ સાલ્‍વેને શ્રી દોશી સામે રોકેલ, પબ્‍લીક મનીના લાખો રૂપિયાની ફી સ્‍વભાવિક રીતે બેંકે શ્રી સાલ્‍વેને એટલા માટે ચુકવી કે આ લોનના ફોડ જો સુપ્રિમમા બહાર આવે તો બેંક મેનેજમેન્‍ટ ની મોટી હસ્‍તીઓને પણ જેલની સજા ભોગવવાનો વારો આવી શકે. તા.૨૨-૪-૨૦૨૪ ના સુપ્રિમ કોર્ટે ટર્મીનેશન સામેનો સ્‍ટે કાઢી નાખેલ પરંતુ વિબોધ દોશી વ્‍હિસલ બ્‍લોઅર છે તે સ્‍વીકારીને ગુજરાત હાઈકોર્ટને ઓગસ્‍ટ અંત સુધીમાં આ અંગેનો હુકમ કરવા સ્‍પષ્ટ રીતે આગ્રહપુર્વક જણાવેલ છે. હાઈકોર્ટમાં આ મેટર ચાલી રહી છે તે દરમ્‍યાન શ્રી દોશીએ વધુ એક પીટીશન દાખલ કરીને નાગરિક બેંકના ફ્રોડ લોન કૌભાંડ અંગે રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયા ઉંડી તપાસ કરીને સત્‍ય શોધક રીપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરે તેવી દાદ માંગેલ છે. લોનો ફ્રોડ હોવાના સીલસીલાબંધ દસ્‍તાવેજી આધાર પુરાવાઓ પણ પીટીશન સાથે જોડવામાં આવેલ છે. આ ૩૧ મી મેં એ વયમયાદાના કારણે શ્રી દોશી બેંકમાંથી નિવળત થઈ ગયા છે. પરંતુ તેમનો સત્‍ય માટેનો સંઘર્ષ ચાલે છે અને ચાલતો જ રહેશે.

 આ દરમ્‍યાન આરએસએસ અને જનસંઘ-ભાજપના જુના જોગીઓ તેમજ બેંકના નિવળત અધિકારી અગ્રણીઓએ પણ આ લડતમાં ઝંપલાવ્‍યુ છે. નાગરિક બેંક બચાવો સંઘની સ્‍થાપના ચંદુભા પરમાર, શરદભાઈ વોરા, બાલુભાઈ શેઠ વિગેરે અનેક નિઃસ્‍વાર્થી આગેવાનો મારફત થયેલ છે તેમાં મહામંત્રી તરીકેની મહત્‍વની જવાબદારી શ્રી દેશીને સોંપવામાં આવેલ છે. કાલબાદેવી બ્રાંચ મારફત મુંબઈ થી ૧૧૦ કી.મી દૂર બ્રાંચના કાર્યક્ષેત્રની બહાર રાઈગઢ જિલ્લાના અલીબાગ તાલુકાના એક ગામડાના સર્વે નંબરમાં અધુરા બાંધકામ વાળી મીલ્‍કત સામે રૂપિયા એંસી લાખની ફોડ લોન સને-૨૦૨૦ માં અપાયેલી છે. માત્ર ૮૦ ચો.મી. પર સાવ અધુરૂ બાંધકામ આજે પણ છે અને ત્‍યાં લાઈટ, પાણી, ડ્રેનેજ કે રસ્‍તા જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્‍ધ નથી. ત્‍યાં મકાન ખરીદીની લોન આપવામાં આવેલ છે.અતિ અગત્‍યની અને ચોંકાવનારી હકીકત એ છે કે આ લોન બેંકના સીઈઓ અને જનરલ મેનેજર શ્રી વિનોદ કુમાર શર્મા અને ડેપ્‍યુટી જીએમ શ્રી રજનીકાંત રાયચુરા ધ્‍વારા મંજુર કરેલ છે. બેંકના આ લોન ખાતામાં બાકી લેણી રકમ આજે આશરે નેવુ લાખ જેટલી છે છતાં કોઈ કોઈપણ નીચી રકમના ટેન્‍ડર ભરવા સામે આવ્‍યુ નથી. બેંકે આપેલ લોનની રકમ કરતા પણ ખુબ નીચા ભાવે ઘણા મહીનાઓ પહેલા ટેન્‍ડર બહાર પાડયા છે પરંતુ મીલ્‍કતની માર્કેટ વેલ્‍યુ રૂપિયા વીસ લાખ આસપાસ પણ નથી અને આજુબાજુ દૂર દૂર પણ માનવ વસાહત નથી જેથી મીલ્‍કત ખરીદનારા મળતા જ નથી.લોન આપતા સમયે બેંકે જ વેલ્‍યુઅર પાસે ગેરકાયદેસર રીતે ઘણી મોટી કિંમતના વેલ્‍યુએશન રિપોર્ટ મેળવેલા, દસ્‍તાવેજ થયા વગર માત્ર સાટાખતના આધારે લોની પાસે મિલ્‍કત મોર્ગેજ કરાવી લીધેલ જે મોર્ગેજ લીગલ ટાઇટલ તરીકે ટકી શકે તેમ જ નથી. જેથી બેંકે નામ પુરતો મીલ્‍કતનો જે કબજો લીધેલ તે પણ હાલમાં વેચનાર બીલ્‍ડર્સે પાછો મેળવી લીધેલ છે. મિલ્‍કત ખરીદનાર એટલે કે લોની સંપુર્ણ બીનામી છે અને બેંકના આ રૂા.એંસી લાખની રકમ વેચનાર બીલ્‍ડર્સ અને અન્‍ય એક અનેક કૌભાંડો કરનાર મુખ્‍ય સુત્રધાર હજમ કરી ગયા છે. તદુપરાંત કાલબાદેવીની ૨૩ ફોડ લોન પણ કે જે દરેક લોન સરેરાશ રૂા.૨૫,૦૦,૦૦૦/- ની હશે તેમાં પણ બેંકને કરોડો રૂપિયાનું બુચ લાગી ગયેલ છે. મેલીમુરાદથી જ લોન અપાયેલ એટલે બેંકને મોટો ચુનો લાગી ગયો છે તે સ્‍વભાવિક છે. કાલબાદેવીની આ ૨૫ ફ્રોડ લોનને સમર્થન આપતો ઈન્‍વેસ્‍ટીગેશન રીપોર્ટ બેંકના ઉચ્‍ચ અધિકારીશ્રી હેમાંગ ઢેબર તેમજ તુષાર મહેતા દ્વારા બેંકને અપાઈ ગયેલ છે તેમ છતા નાગરીક બેંકના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ દ્વારા અગમ્‍ય કારણોસર તેને દબાવી દિધો છે, જે રીપોર્ટ શ્રી દોશી પાસે છે અને તે હાઇકોર્ટમાં પણ રજૂ કરી દીધેલ છે.

 જુનાગઢ બ્રાન્‍ચમાં પણ જુદા જુદા બેનામી લોકોના આધાર કાર્ડ, પાનકાર્ડ ભેગા કરીને તેમને સહીઓ કરવા માટે એકાદ લાખ જેવી સરેરાશ રકમ લાલચના હેતુથી વિપુલ ગચ્‍ચર પરિવાર દ્વારા આપેલી હતી. બેંકના આશરે રૂા. પાંચ કરોડ જેવી રકમ આ એક જ પરિવારે નાણાકીય હેરફેર કરીને મેળવી લીધાનું બેંકની કોમ્‍પ્‍યુટર સીસ્‍ટમ્‍સના ડેટા જ સ્‍પષ્ટપણે આજે પણ દર્શાવે છે. આ લોનોમાં બેન્‍કીંગ નિયમો સાથે માત્ર બાંધછોડ નથી કરી પરંતુ નિયમોને બિલકુલ કોરાણે મુકી દીધેલ છે. આ અંગેનો જુનાગઢ બ્રાન્‍ચ મેનેજરનો ૩૫ લોન ખાતાનુ બ્‍લેક લીસ્‍ટ તેમજ અન્‍ય પુરાવાઓ પણ શ્રી દોશી પારસે ઉપલબ્‍ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

નાગરિક બેંકનો બીઝનેશ હાલમાં રૂા. દસ હજાર કરોડથી વધુ છે ત્‍યારે તેના સુપ્રિમો અને સુકાની એવા સીઈઓ જ જયારે ફોડ લોન આપે તેમજ અપાયેલી અન્‍ય ફ્રોડ લોનને સંપૂર્ણપણે નકારી કાઢે ત્‍યારે બેંકના દસ લાખથી વધુ થાપણદારો, સભાસદો, ગ્રાહકો વિગેરેની પરસેવાની કમાણીનું ભવિષ્‍ય શું??! એની ગંભીર ચિંતા સાથે શ્રી ચંદુભા પરમાર, શ્રી વિબોધ દોશી, શ્રી શરદ વોરા, શ્રી બાલુભાઈ શેઠ સહીતના અગ્રણીઓ મેદાને પડયા છે. બેંકના વર્તમાન ડીરેકટરો અને ચેરમેન કોઈ અગમ્‍ય અને ભેદી કારણોસર શ્રી શર્મા ના તાબામાં છે અને શ્રી શર્મા મેનેજમેન્‍ટને બ્‍લેકમેઈલ કરતા હોવાનું સ્‍પષ્ટ રીતે જણાય આવે છે.

રીઝર્વ બેંક હજુ તપાસ કરી રહી છે તે પહેલા બેંકના ચેરમેને રીઝર્વ બેંકે ક્‍લીનચીટ આપી દીધા હોવાનું જાહેર કર્યું છે. નાગરિક બેંક બચાવો સંઘ ધ્‍વારા કલીનચીટ આપ્‍યા અંગેના આધાર પુરાવાઓ જાહેર કરવાની ચેલેન્‍જ આપતા ચેરમેન અને મેનેજમેન્‍ટે ભેદી મૌન સેવી લીધુ છે.

બેંક બચાવો સંઘના અગ્રણીઓને શ્રી શર્માએ ચોર કોટવાલને દંડે એ કહેવત સાચી પાડીને બદનક્ષીની ૨૫ દિવસ પહેલા નોટીસ આપેલ છે જેનો સણસણતો જવાબ પણ અપાઈ ગયો છે. પોતે આર્થિક અપરાધી હોવાથી બદનક્ષી અંગેની ફરીયાદ હજુ સુધી કોર્ટમાં દાખલ કરેલ નથી.

નાગરીક બેંકના બની બેઠેલા કાયમી સુપર ચેરમેનશ્રી જ્‍યોતિન્‍દ્ર મહેતા (મામા) ખાનગી પેઢીની જેમ બેંકને ચલાવે છે. મહેતા (મામા) બેંકના ખર્ચે પોતાની રાષ્‍ટ્રીય સહકારી નેતાની ઈમેજ બનાવવા અનેક વર્ષોથી કાર્યરત છે તે જગજાહેર છે. તેઓના દુરાગ્રહથી બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ બેંકના કોંભાડયાઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી અને ઉલ્‍ટાનુ જવાબદારોને છાવરે છે. તે બેંકની શાખ, લાખો લોકોનો બેંક પ્રત્‍યેનો વિશ્વાસ તેમજ બેંકના આર્થિક ભવિષ્‍યને વિપરીત અસર કરનારી સાબિત થઈ રહી છે. બેંકના પૂર્વ ડિરેકટર અને હાલના રીઝર્વ બેંક ઓફ ઈન્‍ડીયાના ડિરેકટર શ્રી સતિષ મરાઠે (મુંબઇ)ની વગનો ઉપયોગ કરી જ્‍યોતિન્‍દ્ર મહેતા રીઝર્વ બેંકમા પોતાની મનમાની કરાવી રહ્યાની આધારભૂત માહિતી નાગરીક બેંક બચાવો સંઘને મળી છે. નાગરીક બેંક બચાવો સંઘના મહામંત્રીશ્રી વિબોધ દોશીએ અંતમાં જણાવ્‍યુ છે કે, લોન ફ્રોડ અંગેના તમામ દસ્‍તાવેજી આધાર પુરાવાઓ સંઘ પાસે ઉપલબ્‍ધ છે. સંઘના અગ્રણીઓએ બેંક મેનેજમેન્‍ટને આ તમામ ફ્રોડ અંગે જાહેર ચર્ચા કરવા કે સંયુક્‍ત પત્રકાર પરીષદ કરવા સ્‍પષ્ટ ચેલેન્‍જ-પડકાર -પણ ફેંકયો છે.

(4:12 PM IST)