News of Thursday, 27th June 2024
B - ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની થર્ડ કલાસ પરીક્ષા વ્યવસ્થા ! : સમયસર પરીક્ષા લેવામાં નાપાસ
સર્વર ડાઉન થતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો બે વાર સમય બદલવો પડયો

રાજકોટ તા. ૨૭ : બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ત્રણેક વર્ષથી કાર્યકારીઓ દ્વારા વહીવટ ચાલી રહ્યો છે. એક સમયે દેશ-વિદેશમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિધ્ધીઓના ગુણ ગવાતા હતા. આજે છબરડા, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચર્ચામાં હોય છે.
આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીજા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારે રાબેતા મુજબ પરીક્ષા ચાલુ રહી હતી અને બપોરે અચાનક પરીક્ષાનો સમયમાં ફેરફાર કરવામાં આવતા પરીક્ષાર્થીઓ શું ફરીથી પ્રશ્નપત્ર ફુટયું ? સહિતની અનેકવિધ ચર્ચાઓ ચાલી હતી. દરમિયાન ૧૫ મીનીટ બાદ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા વિભાગ દ્વારા બીજો મેલ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો કે, પરીક્ષા ૩.૩૦ને બદલે ૪ વાગ્યે શરૂ થશે.
પરીક્ષા વિભાગ દ્વારા અચાનક બે વખત સમય બદલતા પરીક્ષા કેન્દ્ર ઉપર દોડધામ મચી ગઇ હતી.
વિવાદાસ્પદ કાર્યકારી પરીક્ષા નિયામક નિલેશ સોનીનો ફોન સતત વ્યસ્ત આવતો હોય સંપર્ક થઇ શક્યો નથી. કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવેનો સંપર્ક થતાં તેઓએ સર્વર ડાઉન હોવાનું જણાવ્યું હતું. સમયસર પરીક્ષા લેવાશે તેવી હૈયાધારણા આપી હતી.
(4:38 PM IST)










