તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 29th June 2024
કટારીયા ચોકડી થશે ટ્રાફીક મુકત
રાજય સરકાર દ્વારા અન્ડર બ્રીજ તથા ફલાય ઓવરને સૈધ્ધાંતિક મંજુરી : ૧૩૮ કરોડના ખર્ચે કરાશે નિર્માણઃ શહેરમાં નાના-મોટા ૪ બ્રીજ બનાવવા કુલ ૧૮પ કરોડની ફાળવણીઃ રાજય સરકારનો આભાર વ્યકત કરતા મેયર સહીતના પદાધિકારીઓ-અધિકારીઓ

રાજકોટ, તા., ૨૯: સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરનો દિન પ્રતિદિન અવિરતપણે વિકાસ થઈ રહ્યો છે. શહેરની હદ વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં માધાપર, મનહરપુર-૧, મોટા મૌવા, મુંજકા અને ઘંટેશ્વર એમ પાંચ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થયેલ છે.
રાજકોટ શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ હોસ્પિટલ, નવી ડીસ્ટ્રીકટ કોર્ટ, ઝનાના હોસ્પિટલ, ખાનગી યુનિવર્સીટીઓ, જી.આઈ.ડી.સી., નવા બસપોર્ટ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વગેરેની સુવિધાઓ ઉપલબ્ધ થયેલ છે જેના કારણે આસપાસના નાના શહેરો અને ગામડાઓમાંથી ઘણા પરિવારો ધંધા રોજગાર માટે રાજકોટ શહેરમાં વસવાટ કરવા માટે આવી રહ્યા છે.
શહેરમાં છેવાડાના વિસ્તારોનાં વિકાસ તેમજ શહેરની વસ્તીમાં વધારાના કારણે, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે, વાહનોની અવર જવરમાં સરળતા રહે તેમજ પ્રદૂષણમાં ઘટાડો કરવાના હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં વધુ ચાર સ્થળોએ રૂ.૧૮૫.૭૯ કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ/અન્ડરબ્રિજનું નિર્માણ કરવા ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારને દરખાસ્ત મોકલવામાં આવેલ હતી. આ દરખાસ્તનો રાજ્ય સરકાર દ્વારા ત્વરિત જ નિર્ણય કરી, મંજુરીની મ્હોર આપવામાં આવી છે.
રાજકોટ શહેરમાં રૂ.૧૮૫.૭૯ કરોડના ખર્ચે નવા ચાર ઓવરબ્રિજ/અન્ડરબ્રિજ બનાવવાની દરખાસ્તને સરકારશ્રીની મંજુરી મળતાં, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, બાંધકામ કમિટી ચેરમેન ભાવેશભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શહેરમાં અગાઉ પણ નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજની દરખાસ્તને ત્વરિત મંજુરી આપવામાં આવેલ હતી જેના કારણે શહેરમાં ટ્રાફિકથી ધમધમતા મુખ્ય ચોક જેવા કે, નાના મૌવા સર્કલ, કે.કે.વી.ચોક ખાતે મલ્ટી લેવલ ફ્લાય ઓવરબ્રિજ (શ્રીરામ બ્રિજ), જડુસ ચોક ખાતે ફ્લાય ઓવરબ્રિજ, રામાપીર ચોક ખાતે ફ્લાયઓવરબ્રિજ તેમજ હોસ્પિટલ ચોક ખાતે થ્રી આર્મ ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવેલ. સરકારના માર્ગ અને મકાન વિભાગ/નેશનલ હાઈવે દ્વારા શહેરના એન્ટ્રી પોઈન્ટ માધાપર ચોકડી ખાતે તેમજ ગોંડલ ચોકડી ખાતે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
શહેરમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપરાંત રામવન (અર્બન ફોરેસ્ટ), મહાત્મા ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર, રાજકોટ ઝૂઓજીકલ પાર્ક (પ્રદ્યુમન પાર્ક), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, તાાનાગાર, ઓડીટોરીયમ, કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી, વિધાર્થી વાંચનાલય, શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં ઇલેક્ટ્રિક અને સી.એન.જી. ફયુઅલ આધારિત બસ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આગામી દિવસોમાં શહેરમાં વધુ એક નવું સિમાચિホ એશિયાટિક લાયન સફારી પાર્કનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે.
નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજની વિગત
ક્રમ નવા ઓવરબ્રિજ/અન્ડરબ્રિજની વિગત રકમ રૂ.કરોડમાં
૧ વોર્ડ નં.૧૧માં કટારીયા ચોકડી પર અન્ડરબ્રિજ
તથા ફ્લાયઓવરબ્રિજ (ફેઇઝ-૨) ૧૩૮
૨ વોર્ડ નં.૧માં રૈયાગામથી સ્માર્ટ સિટીનાં
ડી.પી.રોડ પર આવેલ વોકળા બ્રિજ ૧૩.૫૦
૩ વોર્ડ નં.૯માં ૧૫૦ ફૂટ ન્યુ રિંગ રોડ પર
કટારીયા ચોકથી સ્માર્ટ સિટી તરફ જતા
રોડ પર ત્રણ બ્રિજનું વાઈડનીંગ ૨૦
૪ વોર્ડ નં.૧૮માં ખોખડદળ નદી ઉપર કોઠારીયા
તથા લાપાસરીને જોડતા રસ્તા પર
હાઈલેવલ બ્રિજ ૧૪.૨૯
કુલ રૂ. ૧૮૫.૭૯
કટારીયા ચોકડીએ બનનાર બ્રિજની માહિતી
શહેરના કટારીયા ચોક ખાતે નિર્માણ થનાર ફલાય ઓવર અને અંડરબ્રીજ સહીત ૪ બ્રીજ માટે રાજય સરકારે સૈધ્ધાંતીક મંજુરી આપી છે. જેમાં કટારીયા ચોક ખાતેના ફલાય ઓવરની કુલ લંબાઇ ૮૦૦ મીટર હશે. જયારે પહોળાઇ ર૪ મીટરની રાખવામાં આવશે. જે ફોર લેન હશે.
જયારે અંડર બ્રીજની કુલ લંબાઇ ૬૦૦ મીટર અને પહોળાઇ ૧૮ મીટરની હશે. ઉપરાંત બન્ને બ્રીજ જલારામ ફુડ કોર્ટ પાસેથી શરૂ થઇ કોસ્મોપ્લેક્ષ સીનેમા પાસે પુર્ણ થશે. આ બ્રીજ બનવાથી ટ્રાફીક સમસ્યામાં મોટી રાહત મળશે
(3:19 PM IST)










