<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

ભંગારની ફેરી કરતાં વિનોજની હત્‍યામાં શકમંદ ફૂટેજમાં દેખાયોઃ ફોનમાં તે દરરોજ ‘છાનોમાનો' કોઇની સાથે વાતો કરતો'તો!

શહેરમાં હત્‍યાની વધુ એક ઘટનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો કામે લાગી : બે ભાઇ એક બહેનમાં મોટો હતોઃ શનિવારે ભંગારની ફેરી કરવા ત્રણ પૈડાવાળી સાઇકલ લઇને નીકળ્‍યા બાદ રવિવારે સાઇકલ રેઢી મળી અને ડ્રીમ સીટી નજીક પટમાંથી માથા-મોઢા પર ઘા ફટકારી હત્‍યા કરાયેલી લાશ મળીઃ ‘દેશી'ની મહેફીલમાં ડખ્‍ખો કે ‘અંગત વ્‍યવહાર'માં વાંધો પડયો? અલગ અલગ દિશામાં પોલીસની તપાસઃ પત્‍નિ હેતલ સાતેક મહિના પહેલા વઢવાણ રિસામણે જતી રહી છેઃ ઝડપથી સફળતા મળવાની પોલીસને આશા

ભેદી હત્‍યાઃ રૈયાધાર મચ્‍છુનગર ક્‍વાર્ટરમાં રહેતો ભંગારનો ધંધાર્થી બાવીસ વર્ષનો વિનોજ રાફુચા શનિવારે ગૂમ થયા બાદ રવિવારે તેની ક્રુર હત્‍યા કરાયેલી લાશ રૈયાધાર ડ્રીમ સીટી શાંતિનગર રોડ પરના ઝાડી ઝાંખરાવાળા પટમાંથી મળી આવી હતી. તેની ભંગારની ફેરી માટેની ત્રણ પૈડાવાળી સાઇકલ પણ નજીકથી મળી હતી. ભેદ ઉકેલવા પોલીસ કામે લાગી છે. ઘટના સ્‍થળે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, મૃતકના સગા-સંબંધીઓ, વિનોજનો મૃતદેહ, ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના રવિવારે બની હતી. રૈયાધાર મચ્‍છુનગર ક્‍વાર્ટરમાં રહેતો બાવીસ વર્ષનો ભંગારનો ધંધાર્થી યુવાન શવિનારે ત્રણ પૈડાવાળી સાઇકલ લઇ નિત્‍યક્રમ મુજબ ભંગારની ફેરી કરવા ગયા બાદ ગૂમ થયા પછી રવિવારે સાંજે રૈયાધાર શાંતિનગર ડ્રીમસીટી નજીકના ઝાડી જાંખરાવાળા પટમાંથી તેની ભંગારની ફેરીની સાઇકલ અને અંદરના ભાગેથી માથા-મોઢા પર પથ્‍થર કે વજનદાર વસ્‍તુના ઘા ફટકારી હત્‍યા કરાયેલી લાશ મળતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. એક શકમંદ શખ્‍સ હત્‍યાનો ભોગ બનનારની સાઇકલ લઇ પટમાં મુકીને રૈયા તરફ જતો દેખાયો છે. આ શકમંદને શોધવા અને હત્‍યાનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે. દારૂની મહેફીલમાં ડખ્‍ખો થયો કે પછી કોઇ ‘અંગત વાત'માં વ્‍યવહાર ડખ્‍ખે ચડતાં હત્‍યા થઇ? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. હત્‍યાનો ભોગ બનનાર દરરોજ ફોનમાં કોઇને સાથે છાનોમાનો વાતો કરતો હતો, સામે કોણ છે? તે તેના માતા પુછે તો જણાવતો નહોતો.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે હત્‍યાનો ભોગ બનેલા વિનોદ ઉર્ફ વિનોજ દિનેશભાઇ રાફુચા (ઉ.વ.૨૨)ના માતા રૈયાધાર રાધેશ્‍યામ ગોૈશાળા નજીક મચ્‍છુનગર આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં હીરાબેન દિનેશભાઇ રાફુચા (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી અજાણ્‍યા અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨ મુજબ માથામાં કોઇ બોથડ વસ્‍તુના ઘા મારી હત્‍યા કર્યાનો ગુનો નોંધ્‍યો છે.

હીરાબેને ઘટનાની વિગતો આપતાં જણાવ્‍યું છે કે મારે સંતાનમાં બે દિકરા છે. જેમાં વિનોજ મોટો હતો. તેનાથી નાનો જીતુ (ઉ.વ.૧૫) અને તેનાથી નાની દિકરી સોનલ (ઉ.વ.૧૦) છે. મારા પતિ સાથે મારે અણબનાવ હોવાથી હું બારેક વર્ષથી તેનાથી અલગ મારા સંતાનો સાથે રહુ છું. મારો પતિ અમને મુકીને અમદાવાદ મકરબા ગામમાં તેના માતા-પિતા સાથે રહે છે. દિકરા વિનોજ (વિનોદ)ના લગ્ન ચાર વર્ષ પહેલા સુરેન્‍દ્રનગરના વઢવાણમાં રહેતાં મેઠાભાઇની દિકરી હેતલ સાથે થયા હતાં. આ બંનેને સંતાનમાં એક દિકરી રોશની (ઉ.વ.૨) છે. હેતલને મારા દિકરા વિનોજ સાથે અણબનાવ બનતાં તે સાથ આઠ મહિના પહેલા તેના માવતરે જતી રહી છે.

મારો દિકરો દરરોજ સવારે આઠથી નવ વાગ્‍યા આસપાસ તેની ત્રણ પૈડાવાળી સાઇકલ લઇ ભંગારની ફેરી કરવા જતો હતો. તે દરરોજ અલગ અલગ સોસાયટીઓમાં ફરીને ભગાર ભેગો કરી બપોરે ભંગારના ડેલે જઇ આ ભંગાર વેંચી બપોરે દોઢ સુધીમાં ઘરે આવતો રહે છે. એ પછી સાંજે તે ક્‍વાર્ટર નજીક તેના મિત્રો સાથે બેસવા જતો હોય છે. હું તેને રાતે અગિયારેક વાગ્‍યે ફોન કરુ એ પછી તે ઘરે આવી સુઇ જતો હોય છે. તે ઘરે હોય ત્‍યારે ફોનમાં કોઇની સાથે વાત કરતો હોય છે,  પરંતુ તે કોની સાથે વાત કરે છે? તેવં પુછુ તો જણાવતો નહોતો.

શનિવારે ૨૯મીએ સવારે સાડા આઠેક વાગ્‍યે તે સાઇકલ લઇને ભંગારની ફેરી કરવા માટે નીકળ્‍યો હતો. અને હું તેના દિકરાના કપડા લેવા માટે શનીવારીમાં માર્કેટ યાર્ડ પાસે ગઇ હતી. બપોરે દોઢેક વાગ્‍યે ઘરે આવી હતી અને નાના દિકરા-દિકરી માટે રસોઇ બનાવી હતી. મોડી બપોર થઇ ગઇ હોવા છતાં દિકરો વિનોજ ઘરે ન આવતાં પડોશમાં રહેતી સોનલને પડોશી રેખાબેનના ફોનમાંથી વિનોજને ફોન કરવાનું કહેતાં વિનોજે હમણા માલ વેંચીને આવુ છું તેવુ કહ્યું હતું.

પરંતુ એ પછી બપોરના ત્રણ વાગી ગયા છતાં દિકરો ન આવતાં ફરીથી ફોન કરાવતાં ફોન બંધ આવતો હતો. વારંવાર ફોન જોડવા છતાં તેનો સંપર્ક થતો ન હોઇ હું ચીંતામાં ડુબી ગઇ હતી. પડોશી રેખાબેનને સાથે લઇ રામાપીર ચોકડીએ આવેલા ભંગારના ડેલે ગઇ હતી. પણ ડેલો બંધ હતો. તેના માલિક સાથે ફોનથી વાત કરતાં તેણે કહેલુ કે આજે વિનોજ ભંગાર દેવા આવ્‍યો જ નથી. આ પછી મેં સગાને બોલાવી જાણ કરી રાતભર શોધખોળ કરી હતી. પણ પત્તો ન મળતાં રવિવારે સવારે પોલીસમાં ગૂમ થયાની જાણ કરી હતી.

બીજી તરફ આસપાસમાના વિસ્‍તારોમાં હું અને મારો ભાઇ, બહેન સહિતના દિકરા વિનોજને શોધતા હતાં. હું અને મારો ભાઇ ડ્રીમ સટીવાળા રોડ પર સ્‍કૂટર પર બેસીને પહોંચતા રસ્‍તાની બાજુના ખાલી પ્‍લોટમાં મારા દિકરાન વિનોજની પેડલવાળી સાઇકલ જોતાં અમે ત્‍યાં જતાં અને આપાસના કચરના ઢગલા, બાવળની ઝાડી ઝાંખરાવાળા પ્‍લોટમાં અંદર તપાસ કરતાં મારા ભાઇ સુરેશે મારા દિકરા વિનોજના ચપ્‍પલ જોયા હતાં. બાજમુાં કપડુ ઓઢેલુ કંઇક પડયું હોઇ મારા ભાઇએ કપડુ હટાવતાં જ માથા-મોઢા પર લોહીલુહાણ હાલતમાં મારો દિકરો વિનોજ દેખાયો હતો. જેથી હું રડવા માંડી હતી. ૧૦૮ બોલાવતાં તેના ડોક્‍ટરે તે મૃત્‍યુ પામ્‍યો હોવાનું જણાવ્‍યું હતું.

મારા દિકારને કોઇએ માથાના ભાગે પથ્‍થર કે પછી બીજી કોઇ વજનદાર વસ્‍તુ  ફટકારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મારા દિકરાના મોત બાબતે હાલ મને કોઇ પર શંકા નથી, તેને કોઇ મારી નાખે તેવી દુશ્‍મની પણ કોઇ સાથે નહોતી. તેમ વધુમાં માતા હીરાબેને જણાવતાં પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. આર. રત્‍નુ, લક્ષમણભાઇ મકવાણાએ ગુનો નોંધ્‍યો હતો.

પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ બી. આર. ભરવાડ, સમીરભાઇ શેખ, રઘુવીરસિંહ વાળા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ, વનરાજભાઇ સહિતની ડી. સ્‍ટાફની ટીમ, એલસીબી પીએસઆઇ આર. એચ. ઝાલા, હરપાલસિંહ જાડેજા, મોૈલિકભાઇ, જયંતિગીરી, અમીનભાઇ અને તેમની ટીમોએ ભેદ ઉકેલવા દોડધામ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમો પણ તપાસ કરી રહી છે. પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળ્‍યા હતાં. જેમાં એક અજાણ્‍યો શકમંદ હત્‍યાનો ભોગ બનનારની ભંગારની સાઇકલ લઇને નીકળતો અને સાઇકલ મુકી રૈયા ગામ તરફ જતો દેખાયો હતો. જો કે આગળ ફૂટેજ ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. બહુ ઝડપથી ભેદ ઉકેલાઇ જવાની પોલીસને આશા છે. (

(11:54 AM IST)