<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st July 2024

કાલે કલેકટર તંત્ર વીવીપેટની ચીઠ્ઠીઓ કાઢી નાશ કરશેઃ ખર્ચના ઓબ્‍ઝર્વર મીશ્રા રાજકોટમાં

વીવીપેટની ચીઠ્ઠી માટે ઉમેદવાર પાસે ૭ દિવસનો સમય હતોઃ પરંતુ કોઇ અરજી ન આવી : કાલે સાંજે ૪ વાગ્‍યે રાજકોટ બેઠક ઉપર ચુંટણી લડનારને ફાઇનલ હિસાબો આપવા બોલાવાયા

રાજકોટ, તા., ૧: રાજકોટ લોકસભા બેઠકની ચુંટણી પુર્ણ થઇ, ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા, કુલ ૯ ઉમેદવારો વચ્‍ચે જંગ થયો હતો. હવે ખર્ચના ફાઇનલ હિસાબો જોવાશે.

આ માટે કલેકટર તંત્રે તૈયારીઓ શરૂ કરી છે.  બીજી બાજુ ચુંટણી પંચના રાજકોટ બેઠક માટેના ખર્ચના ઓબ્‍ઝર્વર શ્રી માધવ મીશ્રા રાજકોટ આવી પહોંચ્‍યા છે. જેના પરીણામે કાલે સાંજે ૪ વાગ્‍યે તેમની ઉપસ્‍થિતિમાં રાજકોટ બેઠક ઉપર ચુંટણી લડનાર તમામ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિને ચુંટણીમાં જે કંઇ ખર્ચ કર્યો હોય તેના ફાઇનલ હિસાબો લઇને આવવા કલેકટર તંત્રે બોલાવ્‍યા છે. આ સમયે કલેકટર શ્રી પ્રભવ જોષી, અર્ચના નોડલ ઓફીસર અને ડીડીઓશ્રી નવનાથ ગવ્‍હાણે ખાસ ઉપસ્‍થિત રહેશે. આવતીકાલે જે ઉમેદવાર હિસાબો રજુ નહી કરે તો તેમને ૧પ દિ'ની મુદત અપાશે અને બાદમાં નિર્ણય લેવાશે.

દરમિયાન કલેકટર તંત્ર કાલે વીવીપેટની તમામ ચિઠ્ઠીઓ કાઢી નાશ કરશે. ચુંટણી પુર્ણ થયા બાદ જે ઉમેદવારને ચિઠ્ઠીઓ જોઇતી હોય તો  ૭ દિવસનો સમય અપાયો હતો. પણ કોઇ અરજી આવી નથી. આમાં ઉમેદવારે ૪૦ હજાર ભરવાના હોય છે. પરંતુ કોઇ અરજી નહી આવતા હવે ચિઠ્ઠીઓનો નાશ કરાશે તેમ સાધનોએ ઉમેર્યુ હતું.

(4:18 PM IST)