News of Monday, 1st July 2024
ચોમાસા સાથે મચ્છરજન્ય રોગચાળો દેખાયોઃ ડેન્ગ્યુ-મેલેરીયાના કેસ નોંધાયા
શરદી,ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી, ટાઇફોડના ૧૨૯૬ દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ ૩૬ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટ, તા. ૧: શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ચોમાસોની શરૂઆત થતા મચ્છરજન્ય રોગચાળો દેખાયો છે. છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના એક એક કેસ નોંધાયા છે.આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૨૪ જુનથી ૩૦ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાનો ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં ડેન્ગ્યુ અને મેલેરીયાના એક-એક એટલે બે કેસ નોંધાયો છે. સીઝનનાં મેલેરીયાના ૯, ડેન્ગ્યુના ૨૦ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૧૨૫૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૨૦ તેમજ સામાન્ય તાવના ૩૫૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૧૭ તથા ટાઇફોડનો ૧ સહિત કુલ ૧૨૫૦ થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ
સબબ ૨૬૩ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૫,૯૬૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૦૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૫૦૦થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૨૬૩લોકોને નોટીસ પાઠવી હતી.(૨૮.૧)
વિશ્વકર્મા-હરિઓમ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં ગોઠણડૂબ પાણીની સમસ્યા કયારે ઉકેલાશે? લત્તાવાસીઓમાં રોષ
આ ગાડા મારગ નહીં કોઠારીયા વિસ્તારનો રોડ છે
વોર્ડ નં. ૧૮ના કોર્પોરેટરો સહિત અધિકારીઓને અનેકવાર રજુઆતઃ સમસ્યા જૈસે થેઃ જાયે તો કહાં જાયે જેવી સ્થિતિ
રાજકોટ,તા. ૧: શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા-હરિ ઓમ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર ગોઠણડુબ પાણી ભરાવાથી વિસ્તારવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લત્તાવાસીઓએ રોષ સાથે જણાવ્યું હતુ કે આ વિસ્તારના પ્રશ્નની આ કોર્પોરેટરોને અનેક વખત રજુઆત કરવા છતા પરિસ્થિતી જૈ સે જોવા મળી રહી છે.
માનવી ત્યાં સુવિધાના સુત્રને ચરિતાર્થ કરવામાં મનપા તંત્ર ઉણુ ઉતર્યું છે. શહેરના વોર્ડ નં. ૧૮ના કોઠારીયા રોડ સ્થિત લાલ બહાદુર વિસ્તાર પાસેની વિશ્વકર્મા તથા હરિઓમ સોસાયટીના રસ્તાઓની હાલત ગાડા માર્ગ કરતા પણ બદતર બની છે. પહેલા જ વરસાદમાં રાજકોટમાં પાણી ભરાવાની ફરિયાદોની સામે રસ્તા પણ તુટી ગયા છે. અહીં ગોઠણસમા પાણી રોડ ઉપર ભરાયા છે. લત્તાવાસીઓ દ્વારા અનેકવાર તંત્રને ફરિયાદ કરી હોવા છતા પરિસ્થિતિમાં કોઇ ફેર પડયો નથી. અહીંના કોર્પોરેટરો, મનપાના અધિકારીઓ-પદાધિકારીઓ એક પણ વખત પૃચ્છા કરવા પણ ફરકયા ન હોવાથી સ્થાનીકોમાં રોષ ભભુકી રહ્યો છે. લોકોને પારાવાર મુશ્કેલીઓમાંથી પસાર થવું પડી રહ્યુ હોવા છતાં તંત્રના બધેરા કાને ફરિયાદ પહોંચતી ન હોવાનો ઘાટ ઉભો થયો છે.
(4:19 PM IST)










