તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Friday, 5th July 2024
૧૦ વર્ષના અનિકેત અને ૧૪ વર્ષની કાજલના ભાંડરડાઓની નજર સામે ખાણમાં ડૂબતાં મોત
રાવકી રહી ફેક્ટરીમાં મજૂરી કરતાં યુપીના રામસેવક શ્રીવાસનો પુત્ર અને રવિન્દ્રકુમાર અહિરવારના પુત્રી-પુત્રો સહિતના બાળકો રમવા ગયા ત્યારે કરૂણાંતિકા સર્જાઇ : અનિકેતનો પગ લપસતાં તેને બચાવવા જતાં કાજલ પણ ડૂબીઃ લાડકવાયાઓના મોતથી મજૂર પરિવારોમાં ગમગીનીઃ કાજલ અને તેના પરિવારજનો હજુ ગઇકાલે જ વતનથી પરત આવ્યા હતાં: તેણી બે ભાઇની એકની એક બહેન હતી

રાવકીના ખોડિયાર ધારની ખાણમાં ડૂબી જતાં મૃત્યુ પામનાર અનિકેત અને કાજલના નિષ્પ્રાણ દેહ તથા ફાઇલ ફોટો જોઇ શકાય છે
રાજકોટ તા. ૫: ચોમાસાનો આરંભ થયો હોઇ ઠેકઠેકાણે નદી નાળા, તળાવો, ખાણોમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે. આવા સ્થળોએ લોકો ન્હાવા જતાં હોય છે અને ઘણીવાર દૂર્ઘટનાનો ભોગ બની જતાં હોય છે. લોધીકાના રાવકી ગામે ગઇકાલે યુપીના મજૂર પરિવારના સાતથી આઠ બાળકો રાવકીમાં ખોડીયારધાર ખાણ પાસે રમવા ગયા હતાં. જેમાં રમતાં રમતાં ૧૦ વર્ષનો એક ટેણીયો ખાણની નજીકમાં જતાં પગ લપસતાં ડૂબવા માંડયો હતો. તેને બચાવવા જતાં ૧૪ વર્ષની બાળા પણ લપસીને પાણીમાં પડી જતાં આ બંનેના મોત નિપજ્યા હતાં. ઘટના બની ત્યારે બાળાના બીજા બે નાના ભાઇઓ સહિતના બાળકો હાજર હતાં. આ બધા હેબતાઇ ગયા હતાં અને દોટ મુકી પરિવારજનોને જાણ કરતાં બંનેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. પણ તેમાં જીવ રહ્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ રાવકી ગામે પ્રશાંત પોલીમર્સ નામની ફેક્ટરીમાં કામ કરતાં અને ત્યાંની લેબર રૂમમાં રહેતાં યુપીના જીવનર જતભાઇનો સાળો અનિકેત રામસેવક શ્રીવાસ (ઉ.વ.૧૦) તથા બાજુમાં આવેલી ગિરીરાજ પ્લાસ્ટીક નામની ફેક્ટરીમાં કામ કરતાં અને ત્યાંની રૂમમાં રહેતાં યુપીના રવિન્દ્રકુમાર પ્રતાપસિંગ અહિરવારની પુત્રી કાજલ (ઉ.વ.૧૪), બે પુત્રો સોનુ (ઉ.૭), મોનુ (ઉ.૧૦), ભત્રીજો વારીસ (ઉ.૯), ભત્રીજી અંશીકા (ઉ.૧૨) તથા અન્ય મજૂરોના મળી સાત આઠ બાળકો નજીકમાં આવેલી પાણીની ખાણ પાસે રમવા ગયા હતાં.
રમતાં રમતાં ૧૦ વર્ષનો અનિકેત ખાણની નજીક ગયો હતો અને પાણીમાં પગ ઝબોળવા જતાં કે પછી ત્યાં ઉભો રહેવા જતાં લપસી પડયો હતો અને પાણીમાં ડૂબવા માંડયો હતો. આ દ્રશ્ય જોઇ ૧૪ વર્ષની કાજલ તેને બચાવવા ગઇ હતી. પરંતુ તે પણ અનિકેત સાથે પાણીમાં ગરક થઇ ગઇ હતી. આ બંનેને ડૂબતાં જોઇ બીજા બાળકો, ભાઇ-ભાંડરડાઓ હેબતાઇ ગયા હતાં. કોઇ બાળકે દોટ મુકી નજીકમાં જ ફેક્ટરી તરફ દોડી જઇ પરિવારજનોને જાણ કરતાં બંને બાળકોના વાલીઓ અને બીજા લોકો ખાણ તરફ દોડી ગયા હતાં.
કાજલ અને અનિકેત બંનેને લોકોએ બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢી લીધા હતાં. ફાયર ષ્બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી. જો કે એ પહેલા લોકોએ જ બંને બાળકોને બહાર કાઢી લીધા હતાં. ૧૦૮ પણ બોલાવાઇ હતી. પણ તેના તબિબે બંનેને નિષ્પ્રાણ જાહેર કરતાં મજૂર પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. લોધીકા પોલીસને જાણ કરતાં એ.ડી. નોંધી કાર્યવાહી કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયા હતાં.
મૃત્યુ પામનાર અનિકેત ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેના માતાનું નામ સુધાબેન છે. તે બહેન રોશનીબેન, બનેવી જીવનકુમાર સાથે રહેતો હતો. તેના માતા-પિતા યુપીમાં રહે છે. એક વર્ષથી તે અહિ બહેન-બનેવી સાથે રહેતો હતો.
જ્યારે અનિકેત સાથે મૃત્યુ પામનાર કાજલ બે ભાઇની એકની એક મોટી બહેન હતી. તેના માતાનું નામ અશોકાદેવી છે. આ પરિવાર દસ વર્ષથી રાવકીમાં રહે છે. જો કે કેટલાક મહિના પહેલા બધા વતનમાં જતાં રહ્યા હતાં. હજુ ગઇકાલે જ પરત આવ્યા હતાં અને આ દૂર્ઘટનામાં પરિવારે એકની એક દિકરી ગુમાવી હતી.
(11:03 AM IST)










