<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ગવરીદળમાં ૧૭ વર્ષની પાયલ ગજેરાનું હૃદય બેસી જતાં મૃત્‍યુઃ પરિવારમાં ગમગીની

વાસણ સાફ કરી ઉભી થઇ ત્‍યાં છાતીમાં દુઃખાવો થયો અને ઢળી પડીઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૫: હૃદય બંધ પડી જવાની ઘટનાઓ સતત યથાવત રહી છે. આધેડ, પ્રોૈઢ વયના તેમજ વૃધ્‍ધો તો ઠીક ઘણીવાર બાળકો અને સગીરોના હૃદય પણ ધબકતાં એકાએક બંધ પડી જાય છે. વધુ એક આવા બનાવમાં કુવાડવાના ગવરીદળમાં ૧૭ વર્ષની સગીરાનું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ગવરીદળમાં રહેતી પાયલબેન ચંદુભાઇ ગજેરા (ઉ.વ.૧૭) સવારે ઘરે એકાએક ઢળી પડતાં અને બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર પાયલબેન એક ભાઇ અને એક બહેનમાં મોટી હતી. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણી સવારે વાસણ સાફ કરવા બેઠી હતી, બાદમાં ઉભા થતી વખતે એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતાં ઢળી પડી હતી અને મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. લાડકવાયી દિકરીના મૃત્‍યુથી ગજેરા પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. હાર્ટએટેકથી મૃત્‍યુની ઘટનાઓ સતત વધી ગઇ છે. ગઇકાલે પણ આધેડ અને યુવાનના એકાએક હૃદય બેસી જતાં મૃત્‍યુ થયા હતાં. આજે સગીરાનું હૃદય બંધ પડી જવાથી મૃત્‍યુ થયું હતું. (

(3:04 PM IST)