News of Friday, 5th July 2024
શાપર-વેરાવળના પડવલામાં કોટડા મામલતદારનું ઓપરેશન
કારખાનેદારે બનાવી નાંખેલ ૩૦ ઓરડીઓ તોડી પાડી એન્ટીક પંપના સંચાલકે કારખાનાની બાજુમાં સરકારી જમીન દબાવી ઓરડીઓ બનાવી નાંખી હતીઃ ૧ કરોડની જમીન ખુલ્લી...

રાજકોટ તા. પઃ કોટડા સાંગાણી મામલતદાર શ્રી જાડેજાએ પોતાના સ્ટાફને સાથે રાખી શાપર-વેરાવળના પડવલા ગામે સરકારફી જમીન સર્વે નં.ર૮૧ ની ૧ કરોડની કિંમતની જમીન ઉપર ઉભું થઇ ગયેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દઇ ૧ કરોડની જમીન ખુલ્લી કરાવી કલેકટરને રીપોર્ટ કરી દીધો છે.
કોટડા સાંગાણી મામલતદાર કચેરીના અધીકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, પડવલામાં એન્ટીક પંપ નામનું કારખાનું આવેલ છે, તેના માલીકે-સંચાલક ભાવેશભાઇ મણવરે કારખાનાની બાજુમાં આવેલ સરકારી જમીન ઉપર ૩૦ જેટલી ઓરડીઓ ઉભી કરી પોતાના કારીગરોને રહેવા માટે આપી દીધી હતી, આ બાબતે નોટીસ પણ અપાયેલ છતાં દબાણ દૂર નહિ કરતા આખરે પોલીસ સ્ટાફને સાથે રાખી તમામ ઓરડીઓનું દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરાવાઇ છે, તમામ ઓરડીના વીજ કનેકશન કાપી નખાયા છે, ઓપરેશન સમયે મામલતદાર શ્રી જાડેજા, સર્કલ ઓફીસર શ્રી માધવ મહેતા, પી.એસ.આઇ. જાડેજા, તલાટી અમીતભાઇ વિગેરે ખાસ હાજર રહ્યા હતા. કુલ ૧૧પ૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ, તેમજ આગામી દિવસોમાં શાપર-વેરાવળમાં મોટા પાયે ઓપરેશન હાથ ધરાશે.
(3:17 PM IST)










